કાર્યવાહી:5 દિવસમાં 150 પશુ પકડાયા, તંત્ર પાસે જગ્યા ઘટતા ગૌશાળામાં લઈ જવાશે

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાતના સમયે નંબર વગરના વાહનો દેખાતા જ પોલીસની કાર્યવાહી
  • મનપાના ઢોર ડબ્બામાં 1600ની ક્ષમતા સામે 1400 પશુ, હવે માત્ર 200ની જ જગ્યા

રાજકોટ મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી પર હુમલો કરાયા બાદ કામગીરીમાં વધુ જોમ આવ્યું છે અને કર્મચારીઓએ 5 દિવસમાં 150 કરતા વધુ રખડતા ઢોર પકડીને હુમલાખોરોના ઈરાદા પર પાણી ફેરવી દીધું છે. પોલીસ ફરિયાદને કારણે પહેલા કરતા ઓછી રેકી થઈ રહી છે પણ હજુ પૂરી મુક્તિ મળી નથી એટલે કોઇક વાર વધુ સમસ્યાવાળા વિસ્તારમાં મનપાની ટીમ પહોંચે ત્યાં સુધીમાં ઢોરને હાંકી દેવામાં આવે છે. બીજી તરફ પોલીસ પણ રાત્રી દરમિયાન ખાસ નંબર વગરના વાહનો પર નજર રાખી રહી છે અને કોઇ શંકાસ્પદ દેખાય તો અટકાવીને પૂછપરછ કરી રહ્યાં છે.

આ કારણે રખડતા ઢોર પકડવાની કામગીરીમાં વધુ સફળ રહેતા હવે ઢોર ડબ્બામાં જગ્યા ભરાઈ છે. રાજકોટ મનપાના ઢોર ડબ્બામાં 1600 ઢોરની ક્ષમતા છે તેની સામે હાલ 1400 કરતા વધુ ઢોર તેમાં છે અને જો હાલ 40 ઢોર પ્રતિ દિવસની ગતિએ ઝુંબેશ ચાલુ રહેશે તો બેથી ત્રણ દિવસમાં જગ્યા રહેશે નહિ આ માટે હવે ઢોરને અલગ અલગ ગૌશાળામાં શિફ્ટ કરવા માટે વિચારણા કરાઈ રહી છે. મનપાએ થોડા સમય પહેલા જ ગૌશાળાઓને જાણ કરી હતી કે, જો તેઓ ઢોર સાચવવા તૈયાર થશે તો તેમને પ્રતિ ઢોર બદલ એક વખતની સહાય કરાશે અને ઢોરને મનપા ત્યાં મૂકી જશે.

જોકે આ જાહેરાતના થોડા સમય બાદ જ લમ્પી વાઇરસ આવી જતા ઢોરની હેરફેર પર પ્રતિબંધ આવી ગયો હતો. ઢોર ડબ્બામાં જગ્યાની અછત અને ઢોરને શિફ્ટ કરવાના પ્રતિબંધ વચ્ચે કઈ રીતે ઢોર પકડ ઝુંબેશ ચાલુ રહેશે તે મામલે તંત્રએ જણાવ્યું હતું કે, જેટલા પણ ઢોર હાલ પકડાયા છે તે તમામને લમ્પી વિરોધી રસી અપાઈ છે અને જે ઢોરને રસી અપાઈ ગયાના 21 દિવસ થઈ ગયા છે તેમનામાં લમ્પી સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ આવી ગઈ છે તેમને શિફ્ટ કરી શકાશે તેમાં કોઇ સમસ્યા નડશે નહીં.

મનપાની ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓ જણાવી રહ્યાં છે કે, હજુ પણ પાર્ટી પર છૂટક છૂટક પથ્થરમારા થઈ રહ્યાં છે. પોલીસના ધ્યાનમાં આવે તો તુરંત જ પડકાર ફેંકાય છે પણ અને ઘણી જગ્યાએ વાહનો પણ ડિટેન કરાઈ રહ્યાં છે પણ પથ્થરમારા કરનારા હજુ હાથમાં આવ્યા નથી. બીજી તરફ અધિકારીઓ અને પદાધિકારીઓનો દાવો છે કે હવે હુમલા થતા બંધ થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...