ચિંતાજનક:રાજકોટ સિવિલમાં મ્યુકોરમાઇકોસિસના ઓપરેશન માટે 350થી વધુ દર્દી વેઇટિંગમાં, દૈનિક 5 OT પર 15થી 20 ઓપરેશન થાય છે

રાજકોટ8 મહિનો પહેલા
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ આર.એસ.ત્રિવેદી
  • 680થી વધુ દર્દી સારવાર હેઠળ, નવાં 3 ઓપરેશન થિયેટર શરૂ કરવા વિચારણા
  • શહેરમાંથી 40% અને ગ્રામ્ય તથા અન્ય જિલ્લાના 60% દર્દી સિવિલમાં સારવાર માટે આવે છે

કોરોના બાદ મ્યુકોરમાયકોસિસ મહામારીથી હોસ્પિટલોમાં બેડ ભરેલાં જોવા મળી રહ્યાં છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે પણ મ્યુકોરમાઇકોસિસના 680થી વધુ દર્દી સારવાર હેઠળ છે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં પણ 200થી વધુ દર્દી સારવાર હેઠળ જોવા મળી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સતત 5 ઓપરેશન થિયેટર પર મ્યુકોરમાઇકોસિસનાં સતત થઈ રહેલાં ઓપરેશનમાં હજુ પણ 350થી વધુ દર્દી વેઇટિંગમાં હોવાનું સામે આવ્યું છે, એ માટે નવાં 3 ઓપરેશન થિયેટર શરૂ કરી વેઇટિંગ ઓછું કરવા હોસ્પિટલ તંત્ર વિચારણા કરી રહ્યું છે.

680થી વધુ દર્દી સારવાર હેઠળ
રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાજકોટ સિવિલમાં અત્યારસુધીમાં મ્યુકોરમાઇકોસિસના 680થી વધુ દર્દી નોંધાયેલા છે, જે પૈકી 5 ઓપરેશન થિયેટર પર સતત ઓપરેશન ચાલુ રાખી રોજનાં 15થી 20 ઓપરેશન કરી કુલ 250થી વધુ દર્દીનાં ઓપરેશન કરવામાં આવ્યાં છે, જ્યારે હજુ પણ 350થી વધુ દર્દી ઓપરેશનના વેઇટિંગમાં જોવા મળી રહ્યા છે. હાલ જે રીતે 5 ઓપરેશન થિયેટર કાર્યરત છે એમાં વધારો કરી નવાં 3 ઓપરેશન થિયેટર ઉમેરી ઓપરેશન ક્ષમતા વધારી વેઇટિંગ ઓછું કરવા પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે, એ બાદ 8 OT શરૂ થતાં દિવસ દરમિયાન જે 20 ઓપરેશન થાય છે એ વધીને સંખ્યા 32 સુધી પહોંચે એવી શક્યતા જોવાઇ રહી છે, જેને કારણે મ્યુકોરમાઇકોસિસના ઓપરેશન માટે દર્દીના વેઇટિંગ સંખ્યામાં આંશિક ઘટાડો જોવા મળશે.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

અન્ય જિલ્લાના 60% દર્દી સિવિલમાં સારવાર માટે આવે છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે મ્યુકોરમાઇકોસિસમાં દર્દીઓને બે પ્રકારનાં ઇન્જેક્શન આપવામાં આવી રહ્યાં છે, જેમાં કન્સલ્ટન્ટ ડોકટરની સલાહ મુજબ જરૂરિયાત મુજબ ઇન્જેક્શન આપવામાં આવી રહ્યાં છે, જોકે ઇન્જેક્શનની અછત મામલે તેઓ કંઈપણ બોલવાનું ટાળ્યું હતું. આ સાથે હાલમાં સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ પૈકી 40% દર્દી રાજકોટ શહેરી વિસ્તાર, જ્યારે કે બાકીના 60% દર્દી રાજકોટ ગ્રામ્ય અને અન્ય જિલ્લામાંથી આવતા હોવાનું જણાવ્યું હતું..