રાજકોટ-ચોટીલા હાઈ-વે પર બામણબોર નજીક મોડીરાત્રે ડ્રાઈવરને ઝોકુ આવી જતાં એમોનીયા ગેસ ભરેલ ટેન્કર પલ્ટી ખાઈ જતાં વાલ્વ તૂટી જવાના કારણે એમોનીયા ગેસ લીકેજ થતાં હાઈ-વે પર અફરાતફરી મચી ગઈ હતી જો કે ફાયર બ્રિગેડ સ્ટાફે સમયસર ઘટના સ્થળે દોડી જઈ ટ્રાફિક ડાયવર્ટ કરી લીકેજ એમોનીયા પર સતત પાણીનો મારો ચાલુ રાખ્યો હતો. જેના કારણે મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી.
કોઈને ઈજા પહોંચી નથી
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, બામણબોર કાવેરી હોટલ પાસે મોડીરાત્રે ડ્રાઈવરને ઝોકુ આવી જતાં સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં 15 મેટ્રીક ટન ભરેલ એમોનીયા ગેસ સાથેનું ટેન્કર રોડની સાઈડમાં પલ્ટી ખાઈ ગયું હતું. આ ગોઝારા અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી નહોતી. પરંતુ, એમોનીયા ગેસનો વાલ્વ તૂટી જતાં હાઈ-વે પર ગેસ લીકેજ થતાં નાસભાગ મચી ગઈ હતી.
મોટી દુર્ઘટના થતાં અટકી હતી
આ બનાવની ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ મોડીરાત્રે ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે દોડી જઈ સતત 7 કલાક સુધી લીકેજ ગેસ પર પાણીનો મારો ચલાવી ગેસની તીવ્રતા મંદ પાડી દીધી હતી. જેના કારણે મોટી દુર્ઘટના થતાં અટકી હતી. 24 કલાક ટ્રાફિકથી ધમધમતા રાજકોટ-ચોટીલા હાઈ-વે પર મોડીરાત્રે સર્જાયેલી દુર્ઘટનાના કારણે ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને હાઈ-વે પર ટ્રાફિકના ચક્કાજામ સર્જાતા એરપોર્ટ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે ધસી જઈ ડાયવર્ઝન આપી ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કર્યો હતો.
હોટલના સ્ટાફને સુરક્ષિત સ્થળે ખસેડાયો
બામણબોર પાસે મોડીરાત્રે એમોનીયા ગેસ ભરેલ ટેન્કર પલ્ટી ખાઈ ગયા બાદ ગેસ લીકેજ થતાં કોઈ દૂર્ઘટના ન સર્જાય તે માટે ફાયર બ્રિગેડ સ્ટાફે હાઈ-વે પરની બેથી ત્રણ હોટલો બંધ કરાવી દઈ હોટલના સ્ટાફને સુરક્ષિત સ્થળે ખસેડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.