રાજકોટ શહેરમાં પાણી પુરવઠાની વ્યવસ્થા અવારનવાર ખોરવાઈ જાય છે. અવારનવાર પાણીકાપ લદાઈ જાય છે આટલું ઓછું હોય તેમ વર્ષો જૂની પાણીની લાઈન પણ હવે તૂટી રહી છે અને તેને કારણે પાણીનો પુષ્કળ બગાડ થઈ રહ્યો છે. નાણાવટી ચોકમાં આવી જ એક લાઈન લીક થતા 15 લાખ લિટર પાણી વહી ગયું હતું.
નાણાવટી ચોકમાં આવાસ યોજનાના ક્વાર્ટર પાસે પાણીની લાઈન તૂટતાં પાણીના ફુવારા બહાર આવ્યા હતા. થોડી જ ક્ષણોમાં આ પાણી વિવિધ સોસાયટીઓ સુધી વહી છેક ઓડિટોરિયમ સુધી પહોંચી ગયું હતું. આ અંગે અધિકારીએ જણાવ્યું હતું કે, રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટથી ચંદ્રેશનગર અને મવડી પાણી પહોંચાડતી લાઈનમાં ભંગાણ થયું હતું અને પ્રેશર વધુ હોવાથી પાણી વધારે વહ્યું છે.
હાલ પમ્પિંગ બંધ કરી દેવાયું છે અને લાઈન રિપેર કરવા ખોદકામ તેમજ ખાડામાંથી પાણી બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. લાઈન 8થી 9 ફૂટ ઊંડે હોવાથી તેમાં 6 કલાક જેટલો સમય લાગશે. પાણી કેટલું વહી ગયું તેનો આંક લગાવતા 15 લાખ લિટર જેટલું પાણી વહી ગયાનો અંદાજ લગાવાયો છે. જો રિપેરિંગ કરવામાં મધરાત કરતા વધુ સમય લાગશે તો ચંદ્રેશનગમાં વિતરણ ખોરવાઈ શકે છે.
મનપા દરેક નળ કનેક્શન દીઠ 20 મિનિટ પાણી પહોંચાડે છે અને તેમાં ઓછામાં ઓછું 500 લિટર પાણી આપવાનો દાવો કરાયો છે. જોકે હકીકતે તેના કરતા ઓછું પાણી આવે છે પણ તેટલું જ પાણી ગણવામાં આવે તો પણ 3000થી વધુ પરિવારોને મળી શકે તેટલો પાણીનો જથ્થો રોડ પર વહી ગયો છે.
આ પણ કારણ હોઈ શકે | 55 ટનથી વધુ માલ ભરેલા ડમ્પર પસાર થઈ રહ્યા છે
નાણાવટી ચોકમાં આવાસ યોજના પાસે હાઈરાઈઝ બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું છે. જેને લઈને 55થી 60 ટન જેટલા ભારે પથ્થરો અને માલસામાન સાથેના ભારે વાહનો અવારનવાર પસાર થઈ રહ્યા છે. બીજી તરફ લાઈન પણ ઘણા વર્ષો જૂની છે. ભારે વાહનોને કારણે ઘણા સ્થળોએ લાઈન તૂટી હોય તેવા બનાવ બન્યા છે ત્યારે અહીં પણ લાઈન તૂટવા પાછળ ગેરકાયદે ઓવરલોડ વાહનો ચલાવાની પણ ભૂમિકા હોઇ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.