તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:1 અઠવાડિયામાં ઋતુજન્ય રોગના 14,078 કેસ, મનપાનું ચેકિંગના નામે નાટક, રેલવે સ્ટેશને 3 કર્મચારી જ હાજર, મહારાષ્ટ્રના મુસાફરો ચેકિંગ વગર જતા રહ્યાં

રાજકોટ23 દિવસ પહેલા
આરોગ્ય કર્મચારી બોલાવે છતાં મુસાફરો ચેકિંગ કરાવતા નથી.
  • કોરોના વાયરસ નબળો પડવા સાથે જ ડેન્ગ્યુ, ચિકનગુનિયા, સિઝનલ ફ્લૂએ માથુ ઉચક્યું

રાજકોટમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 42812 પર પહોંચી છે. ગઇકાલે કોરોના કેસની સંખ્યા શૂન્ય હતી. પરંતુ ઋતુજન્ય રોગચાળાએ માથુ ઉંચક્યું છે. એક અઠવાડિયામાં શહેરમાં 14,078 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. બીજી તરફ રાજ્ય સરકારના આદેશને પણ મનપા આરોગ્ય વિભાગ ઘોળીને પી ગયું હોય તેવા દ્રશ્યો રેલવે સ્ટેશન પર જોવા મળી રહ્યાં છે. મનપાના કોઇ અધિકારી મુસાફરોના ચેકિંગ માટે હાજર નથી. માત્ર 3 કર્મચારીની એક જ ટીમ ચેકિંગ કરે છે. આછી મહારાષ્ટ્રથી આવતા મુસાફરો સહિત મોટાભાગના લોકો ચેકિંગ વગર જતા રહે છે.

ગણપતિ મહોત્સવના આયોજકો સાથે મનપા કમિશનરની બેઠક

આગામી ગણપતિ મહોત્સવ અનુસંધાને મંડપ સર્વિસના સંચાલકો અને આયોજકો સાથે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ બેઠક યોજી હતી. જાહેર સ્થળો અને માર્ગો પર નુકશાન ન થાય, કોવિડ ગાઈડલાઈનનું પાલન થાય અને સ્વચ્છતા જળવાય તેનું ધ્યાન રાખવા બાબતે સૂચના આપવામાં આવી હતી. બેઠક દરમિયાન મ્યુનિ. કમિશનરે ઉપસ્થિત લોકો સાથે ઇકો ફ્રેન્ડલી ગણપતિ મહોત્સવ ઉજવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ શહેરના વિવિધ જાહેર માર્ગો પર નુકશાન ન થાય, કોવિડ ગાઈડલાઈનનું વ્યવસ્થિત પાલન થાય સાથોસાથ સ્વચ્છતા પણ જળવાય તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. સ્વચ્છતા અંગે રાજકોટ મહાનગરપાલિકા તરફથી આયોજકોને સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે તેમ પણ મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું.

ગઇકાલે 16303 લોકોએ રસી લીધી હતી
રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર પાઠવી અને મહાનગરપાલિકાને આદેશ કરવામાં આવ્યો છે કે રેલવે સ્ટેશન ખાતે દરેક મુસાફરોનું આરોગ્યનું ચેકિંગ કરવામાં આવે છે. પરંતુ અહીં આરોગ્ય વિભાગની એક જ ટીમ પણ છતાં મુસાફરો એમને એમ જ શહેરમાં પ્રવેશી રહ્યાં છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ચેકિંગની માત્ર વાતો જ કરી રહ્યાં હોવાની ચર્ચા ઉઠી છે. બીજી તરફ કલેક્ટર, મનપા અને સિવિલ હોસ્પિટલ દ્વારા ત્રીજી લહેરની તૈયારી શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18થી 44 વર્ષના કુલ 3665 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 1425 સહિત કુલ 5090 નાગરિકોએ રસી લીધી હતી.

ચેપીરોગ બેકાબૂ બની રહ્યો છે
આરોગ્ય કેન્દ્રોમાં તા.16-8થી 22-8ના સપ્તાહમાં શરદી, તાવ વગેરે રોગના કુલ 10,642 દર્દીઓને સારવાર અપાય હતી. તા.17થી ગત તા.29 સુધીના ગત સપ્તાહમાં આ સંખ્યામાં 40 ટકાનો વધારો થયો છે અને 14,078 દર્દીઓ નોંધાયા છે. એકંદરે જેનો ડર હતો તે કોરોના તો વધ્યો નથી. પરંતુ ફરજીયાત આરામ કરવો પડે તેવો અન્ય ચેપીરોગ બેકાબૂ બની રહ્યો છે. કોરોના વાયરસ નબળો પડવા સાથે જ ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ફ્લૂના વાયરસ જાણે કે વધુ સક્રિય થયા છે.

રાજકોટ રેલવે સ્ટેશને મનપાની એક ટીમ જ ચેકિંગ કરે છે.
રાજકોટ રેલવે સ્ટેશને મનપાની એક ટીમ જ ચેકિંગ કરે છે.

રાજકોટ જિલ્લાના 37 ગામમાં 50 ટકાથી ઓછું વેક્સિનેશન
એક તરફ કોરોનાની ત્રીજી લહેરનો ખતરો હજુ યથાવત છે. તેની વચ્ચે રાજકોટ જિલ્લામાં હજુ પણ અનેક ગામડાંઓમાં લોકો કોરોના વેક્સિન લેવાથી દૂર ભાગી રહ્યાં છે. જિલ્લાના 37 ગામ આજે પણ એવા છે જ્યાં 50 ટકાથી ઓછું વેક્સિનેશન થયું છે. કેટલાક ગામોમાં તો માત્ર 10થી 20 ટકા જ રસીકરણ થયું છે.

ગામડામાં રસીનો ઓસરતો રસ
કોરોનાની બીજી લહેરમાં ભયાનક દૃશ્યો સર્જાયા હતા. લોકો સારવાર અને ઓક્સિજન ન મળવાને કારણે મોતને ભેટી રહ્યાં હતાં. જોકે આ સ્થિતિ જોયા બાદ પણ હજુ અનેક ગામોમાં લોકોને રસી લેવામાં રસ નથી. રાજકોટ જિલ્લામાં એવા પણ ગામો છે જ્યાં 50 ટકાથી પણ નીચું વેક્સિન થયું છે. જિલ્લાના 37 ગામમાં 50 ટકા લોકોએ પણ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ નથી લીધો.

વેક્સિનેશનમાં જિલ્લાની સ્થિતિ
- 82 ટકાએ લીધો પહેલો ડોઝ
- 28 ટકાએ લીધા બન્ને ડોઝ
- 87 ગામમાં 100 ટકા રસીકરણ
- 158 ગામમાં 90થી 100 ટકા વેક્સિનેશન
- 37 ગામમાં 50 ટકાથી ઓછું રસીકરણ

અન્ય સમાચારો પણ છે...