રાજકોટ શહેર-જિલ્લાની વિધાનસભાની 8 બેઠકોની ગત તા. 1ના યોજાયેલી ચૂંટણીમાં 60.62 ટકા સસ્પેન્સભર્યું મતદાન થયા બાદ આગામી તા.8ને ગુરુવારે સવારના 8 કલાકથી કણકોટની સરકારી ઇજનેરી કોલેજ ખાતે સજ્જડ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરીનો પ્રારંભ થનાર હોય લોકોમાં પરિણામો અંગે ભારે ઉત્સુકતા છવાય જવા પામી છે.
દરેક ઉમેદવાર માટે કાઉન્ટીંગ ટેબલ પર એક-એક એજન્ટ
મતગણતરી અંગેની તૈયારીઓને જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સરકારી ઇજનેરી કોલેજ ખાતે જિલ્લાની દરેક વિધાનસભા બેઠકવાઇઝ 14-14 ટેબલ પર મતગણતરી થશે. આ મતગણતરી માટે 126 ટેબલનો ઉપયોગ કરાશે. 162 રાઉન્ડમાં જિલ્લાની આઠ બેઠકોની આ મતગણતરી થનાર છે.
કાઉન્ટીંગ સુપરવાઇઝર, આસીસ્ટન્ટ અને માઈક્રો ઓબ્ઝર્વર તૈનાત
દરેક ટેબલ પર એક-એક સુપરવાઇઝર, એક-એક આસિસ્ટન્ટ સુપરવાઇઝર અને એક-એક માઈક્રો ઓબ્ઝર્વરની ટીમ તૈનાત કરવામાં આવશે. મતગણતરી માટે કુલ 1500 કર્મચારીઓનો કાફલો ફરજ બજાવશે. જેમાં પ્રારંભિક તબક્કે દરેક ટેબલ પર પોસ્ટલ બેલેટની મતગણતરી થશે. ત્યારબાદ ઇવીએમના મતોની ગણતરી હાથ ધરવામાં આવશે. મતગણતરીના દરેક ટેબલ પર ઉમેદવાર પોતાના એક-એક એજન્ટને નિમી શકશે.
1500 કર્મચારીઓનો કાફલો ફરજ બજાવશે
મતગણતરીનો દરેક રાઉન્ડ અંદાજે 20 મીનીટ સુધી ચાલે તેવો અંદાજ મુકવામાં આવેલ છે. આઠ બેઠકોની મતગણતરી માટે 162 રાઉન્ડ થશે. મતગણતરીના ટેબલ માટે દરેક વિધાનસભા વિસ્તારમાંથી 50-50 કર્મચારીઓના નામોની યાદી મંગાવી લેવામાં આવી છે. જેનું રેન્ડમાઇઝેશન આગામી બે-ચાર દિવસમાં જ હાથ ધરવામાં આવનાર છે.
મતગણતરી સ્ટાફ માટે તાલીમ
વિધાનસભાની દરેક બેઠક દીઠ 15થી 25 જેટલા મતગણતરીના રાઉન્ડ યોજાનાર હોય વ્યવસ્થામાં કોઇ ચૂક ન રહે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા માઈક્રો પ્લાનીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મતગણતરીના સ્થળ એવા કણકોટની ઇજનેરી કોલેજ ખાતે ઉમેદવારોને અને તેમના ટેકેદારો માટે અલગથી ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે તેમજ મીડિયા કર્મચારીઓ માટે પણ મતગણતરી કેન્દ્ર પર વિશાળ એલઇડી સ્ક્રીન મુકવામાં આવનાર છે.
બેઠક | બુથ |
રાજકોટ-68 | 273 |
રાજકોટ-69 | 310 |
રાજકોટ-70 | 228 |
રાજકોટ-71 | 384 |
જસદણ-72 | 261 |
ગોંડલ-73 | 236 |
જેતપુર-74 | 300 |
ધોરાજી-75 | 272 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.