તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસે ભેદ ઉકેલ્યો:ઇન્જેક્શન કૌભાંડના મૂળ સુધી પહોંચવા એક આરોપી હાથ આવ્યા બાદ એકબીજાને ફોન કરાવતા 14 સપડાયા, તમામ બે દિવસના રિમાન્ડ પર

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરની લેબમાંથી ઇન્જેક્શનની ચોરી થતી હતી ત્યાં તપાસ કરવા તેમજ સુરત જવા પોલીસની ટીમ રવાના

મ્યુકરમાઇકોસિસના દર્દીને અપાતા એમ્ફોટેરિસિન ઇન્જેક્શનના થતાં કાળાબજારનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે બે તબીબ સહિત 14ની ધરપકડ કરી હતી અને તમામ આરોપીને બે દિવસના રિમાન્ડ પર લીધા હતા. પોલીસે નેટવર્કને ભેદવા માટે એક આરોપી હાથ આવ્યા બાદ રિલે દોડની જેમ ઇન્જેક્શન મગાવવાના બહાને એકબીજા આરોપી પાસે ફોન કરાવી કૌભાંડમાં સંડોવાયેલા તમામ 14 આરોપીને પકડી લીધા હતા.

રાજકોટના રૈયા રોડ પર એક શખ્સ એક્ટિવા પર બેસીને એમ્ફોટેરિસિન ઇન્જેક્શનના કાળાબજાર કરતો હોવાની માહિતી મળતા એસઓજીની ટીમે ત્યાં ડમી ગ્રાહક મોકલીને નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરતાં મેહુલ ગોરધન કટેશિયાને 2 ઇન્જેક્શન સાથે ઝડપી લીધો હતો. મેહુલ હાથ આવ્યા બાદ પોલીસે કૌભાંડના મૂળ સુધી પહોંચવાનો નિશ્ચય કર્યો હતો અને મેહુલ જેની પાસેથી ઇન્જેક્શન મેળવતો હતો તે નર્સિંગ સ્ટાફ રાયસીંગ ઉર્ફે ગોપાલ જગદીશ વંશને પકડવા માટે મેહુલ પાસે ફોન કરાવ્યો હતો, મેહુલે પોલીસની હાજરીમાં રાયસીંગને ફોન કર્યો હતો અને ઇન્જેક્શન મગાવ્યા હતા.

ફોન રિસીવ કરતાની સાથે જ રાયસીંગે કોઇ મુશ્કેલી નથીને? તેવું પૂછ્યા બાદ ઇન્જેક્શન આપવા માટે આવું છું તેમ કહેતા પોલીસે કહેલા એડ્રેસે પહોંચવા મેહુલે કહ્યું હતું, રાયસીંગ ત્યાં પહોંચતા જ પોલીસે તેને ચાર ઇન્જેક્શન સાથે પકડી લીધો હતો. પોલીસે ત્યારબાદ એક પછી એક આરોપીને પકડવા માટે જેમ જેમ આરોપી હાથ આવતા હતા તેમ તેમ તેની પાસે તેને ઇન્જેક્શન સપ્લાય કરનારને ફોન કરાવી વધુ ઇન્જેકશન મગાવી કુલ 14 આરોપીને ઝડપી લીધા હતા. કૌભાંડનો છેડો અંકલેશ્વરની લાયકા લેબ સુધી પહોંચ્યો હતો.

લેબનો એક્ઝિક્યુટિવ વિશ્વાસ રાયસીંગ સુધી પોલીસ પહોંચી ગઇ હતી. રાયસીંગ લેબમાંથી ઇન્જેક્શન ચોરી કરતો હતો અને તે ચોરાઉ ઇન્જેક્શનના કાળાબજાર કરતો હતો. પોલીસે સોમવારે તમામ 14 આરોપીની ધરપકડ કર્યા બાદ તમામ આરોપીને મંગળવારે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તમામ 14 આરોપીને તા.3 સુધી રિમાન્ડ પર પોલીસ હવાલે કર્યા હતા.

લાયકા લેબનો કર્મચારી વિશ્વાસે લેબમાંથી ઇન્જેક્શન ચોરી કર્યા હતા, તેની ડ્યૂટી ક્યારે હતી, ત્યારે ચોકીદારની શું ભૂમિકા રહી હતી, સીસીટીવી ફૂટેજમાં તેની કેવી હરકત કેદ થઇ હતી સહિતના પુરાવા કબજે કરવા પોલીસની એક ટીમ અંકલેશ્વર જવા રવાના થઇ હતી, તેમજ સુરતના હાર્દિક પટેલે સુરતમાં ઇન્જેક્શનનો મોટો જથ્થો વેચ્યો હોવાની શંકાએ સુરત પણ રાજકોટ પોલીસ તપાસ કરશે. ચોરાઉ ઇન્જેક્શન જેતપુરના તેમજ રાજકોટના દવાના વેપારી પાસે પહોંચ્યા હતા.

આ કૌભાંડમાં હજુપણ કેટલાક દવાના વેપારીની સંડોવણી હોવાના પુરાવા પોલીસને હાથ લાગતા તે દિશામાં તપાસ કેન્દ્રિત કરવામાં આવી હતી અને કેટલાક વેપારીની આગામી દિવસોમાં ધરપકડ થવાના નિર્દેશો પોલીસ અધિકારીએ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...