કેમ છોકરાઓ-યુવાનો આ રીતે કરે છે આપઘાત?:19 વર્ષના સુહાસને જે છોકરી ગમતી તેણે 'NO' કહ્યું તો પંખે લટકી ગયો, પલ્લવી-રજતે દીકરી ખુશ્બૂ સાથે ઝેર ખાધું, શા માટે?

રાજકોટ20 દિવસ પહેલાલેખક: રક્ષિત પંડ્યા

સુહાસ તેનાં માતા-પિતાનો એકનો એક દીકરો. બારમા ધોરણમાં 98 PR લાવીને ટોચની એમબીએ કોલેજમાં એડમિશન લીધું. માતા-પિતાને હતું કે ચાલો, સારું ભણીને સેટ થઈ જાય એટલે ગંગા ન્હાયા, પરંતુ કોલેજમાં સાથે ભણતી દીર્ઘા સાથે સુહાસને પહેલા આકર્ષણ અને પછી પ્રેમ થઈ ગયો. એક દિવસ હિંમત કરીને સુહાસે આ વાત દીર્ઘાને કરી તો તેણે મોઢા પર જ 'No' કહી દીધું. સુહાસને એટલું લાગી આવ્યું કે તેણે એ રાત્રે જ ઘરમાં પોતાના રૂમમાં પંખે લટકી જીવ ટૂંકાવી દીધો. બિચારા તેનાં મા-બાપ આજે પણ રડી રહ્યાં છે કે તેણે અમારો એક ઘડીનો વિચાર પણ ના કર્યો?

સહનશીલતાની ઊણપ આપઘાતનું સૌથી મોટું 'ટ્રિગર'

નાની નાની વાતમાં લોકો અકાળે જિંદગીનો અંત આણી દેવા લાગ્યા છે. દરેકની જિંદગીમાં સમસ્યાઓ તો હોય જ છે, પણ એનો ઉકેલ પણ હોય છે, પરંતુ લોકો હવે ધીરજ અને સહનશીલતા ખોઈ બેસ્યા હોય એવું લાગી રહ્યું છે. પલ્લવી અને રજતનો સંસાર પણ સુખી હતો. બંનેને ફૂલ જેવી દીકરી ખુશ્બૂ થઈ એટલે તેને લાડકોડથી મોટી કરવાનાં સપનાં જોવા લાગ્યાં. ખુશ્બૂ 3 વર્ષની થઈ એટલે તેને પણ ફ્લેટના પાડોશમાં રહેતા પરિવારોના છોકરાઓની જેમ પ્રતિષ્ઠિત સ્કૂલમાં મોકલવાની પલ્લવીએ જીદ કરી, પરંતુ એ સ્કૂલની વર્ષની એક લાખની ફી રજતને સામાન્ય પગારમાં પોષાતી નહોતી. બંને વચ્ચે આ મુદ્દે ઝઘડા થવા લાગ્યા અને અંતે એક દિવસ આખા પરિવારે ઝેર ખાઈ આપઘાત કરી લીધો.

એક મહિનામાં જ સૌરાષ્ટ્રમાં 138 સુસાઇડ!
તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા કરવામાં આવેલા સરવે મુજબ સૌરાષ્ટ્રમાં એક મહિનામાં 138 જેટલા આપઘાતના બનાવો બન્યા હોવાનું સામે આવ્યું છે, આથી દિવ્ય ભાસ્કરની ટીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની મુલાકાતે પહોંચી હતી, જેમાં ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.ધારા દોશીએ જણાવ્યું હતું કે 7 જુલાઇથી 7 ઓગસ્ટ સુધી બનેલા આપઘાત અંગે અમે સરવે કર્યો છે. આ સરવેમાં સૌરાષ્ટ્રમાં 138 જેટલા લોકોએ આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં સૌથી વધુ 19-40 વર્ષની વયમાં 101 લોકોએ અકાળે જિંદગી ટૂંકાવી છે.

રાજકોટમાં 15 દિવસમાં 80થી વધુ આપઘાતના બનાવ
રાજકોટમાં રોજના બેથી ત્રણ આપઘાતના કિસ્સા સામે આવતા હોય છે. રાજકોટ શહેરમાં 15 જુલાઇથી 31 ઓગસ્ટ સુધીમાં 80થી વધુ આપઘાતના બનાવ બન્યા છે. આપઘાત પાછળનાં કારણોમાં જોઇએ તો એમાં આર્થિક સંકડામણ, પ્રેમસંબંધ, પારિવારિક ઝઘડા અને બેરોજગારીનો સમાવેશ થાય છે. મનોવિજ્ઞાન ભવન દ્વારા ખાસ કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ એની સાથે સાથે હવે નાની ઉંમરમાં વધતા આપઘાતના બનાવને ધ્યાનમાં રાખી શાળા-કોલેજોમાં જઈ વિદ્યાર્થીઓની સમસ્યા જાણી એનો ઉકેલ કઈ રીતે લાવી શકાય એ માટે કાર્ય કરવામાં આવશે.

યુવાનો આ કારણે આપઘાતના માર્ગે વળ્યા
યુવાનો જ્યારે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકતા નથી અથવા નિષ્ફળ જાય છે ત્યારે તેઓ પોતાની લાગણીઓ પર નિયંત્રણ મેળવી શકતા નથી અને આપઘાતનો માર્ગ અપનાવે છે. ઘણી વખત યુવાનો પોતાની કેટલીક ઈચ્છાઓ અને માગણીઓ એ પ્રકારની રાખતા હોય છે, જે મુશ્કેલ હોય છે અને એમાં નિષ્ફળતા મળતાં તેઓ આક્રમક થઈ જાય છે. ઘણી વખત તેઓ અસામાજિક કૃત્યો તરફ પણ વળે છે. આવું કાર્ય કર્યા બાદ પકડાવાથી અથવા પશ્ચાતાપને કારણે ઘણી વખત આપઘાત કરતા હોય છે.