સાયબર ફ્રોડ:એકાઉન્ટમાં એન્ટ્રી ન થાય અને પૈસા વિડ્રો થાય તેવી ગોઠવણ કરી એટીએમમાંથી 13.50 લાખ તફડાવ્યા

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ATMમાંથી પૈસા તફડાવનાર પાંચ શખ્સ અમદાવાદમાં પકડાયા, ટોળકીનો કબજો લેવા તજવીજ

શહેરમાં સાયબર ફ્રોડના બનાવો વચ્ચે વધુ એક બનાવમાં શહેરની બંધન બેંકના એટીએમ મશીન દ્વારા છેતરપિંડી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. રાજકોટમાં આવેલી બંધન બેંકમાં બ્રાંચ મેનેજર તરીકે નોકરી કરતા આશિષ યોગેશભાઇ જોશીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા.7-2ના રોજ રાબેતા મુજબ એટીએમની રોકડ તપાસતા હતા. ત્યારે બેંકના રજિસ્ટરમાં એટીએમમાં રૂ.15,72,200ની રકમ બતાવતી હતી. જ્યારે એટીએમ મશીનની અંદર રહેલી રોકડ તપાસતા અંદર માત્ર 2,22,200ની રોકડ જ જોવા મળતા રૂ.13.50 લાખની ઘટ થઇ હતી.

એટીએમ મશીનમાં ઘટ જોવા મળતા ત્યાંના અંદર બહારના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. ત્યારે તા.5-2ના સાંજના પોણા આઠ વાગ્યાના અરસામાં એટીએમ રૂમમાં એક શંકાસ્પદ શખ્સ અંદર આવી નિરીક્ષણ કરતો હતો. બાદમાં તે શખ્સે દરવાજો બંધ કરી અંદર લગાડેલા સીસીટીવી કેમેરાનો લેન્સ નીચે કરી દેતા બાકીનું રેકોર્ડિંગ જોવા મળ્યું હતું. ત્યાર બાદ બહારના સીસીટીવી ચેક કરતા અન્ય એક શખ્સ બહારની ગતિવિધિઓ પર નજર રાખતો જોવા મળ્યો હતો. બે કલાકના સમય ગાળામાં પાંચ શંકાસ્પદ શખ્સ થોડી થોડી વાર અંદર બહાર જતા જોવા મળ્યા હતા.

જોકે એટીએમમાંથી લાખોની રોકડ તફડાવ્યાના બનાવમાં મશીનને કોઇ નુકસાની ન થયાનું પણ જોવા મળ્યું હતું. દરમિયાન જે સમયે ટ્રાન્ઝેક્શન થયું તેની વિગતો મેળવતા એક્સિસ બેંકના ડેબિટ કાર્ડના ધારકે સાત વખત ટ્રાન્ઝેક્શન કરી રૂ.13.50 લાખની રોકડ તફડાવી હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ તપાસ કરતા બેંકની ઉપરોક્ત રોકડ તફડાવાઇ તેની એકાઉન્ટમાં કે સર્વરમાં કોઇ એન્ટ્રી થઇ ન હતી. આમ એકાઉન્ટમાં કોઇ એન્ટ્રી ન થાય અને પૈસા વિડ્રો થાય તેવી ગોઠવણ કરી ભેજાબાજોએ રૂ.13.50 લાખની રોકડ તફડાવ્યા અંગેની સાયબર પોલીસમથકમાં અરજી આપી હતી. જેના અનુસંધાને ભેદ ઉકેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...