તસ્કરી:માનતા ઉતારવા ગયેલા પરિવારના બંધ મકાનમાં 1.35 લાખની ચોરી

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં તસ્કરોએ બે સ્થળે કળા કરી
  • અન્ય ચોરીમાં તસ્કરો બંધ મકાનમાંથી રોકડ, ઘરેણાં ચોરી ગયા

શહેરની ભાગોળે ગોંડલ રોડ પર આવેલા કોઠારિયા સોલવન્ટમાં તસ્કરોએ તરખાટ મચાવી બે બંધ મકાનના તાળાં તોડી દોઢ લાખની માલમતાનો હાથફેરો કરી ગયા છે. ચોરીનો પ્રથમ બનાવ કોઠારિયા સોલવન્ટમાં આવેલી સીતારામ સોસાયટી-3માં બન્યો છે. અહીં રહેતા સદામહુશેન વલીમહમદ શેખ નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, ધ્રાફા ગામ પાસે આવેલા મુરાદશાહપીરની દરગાહે માનતા પૂરી કરવાની હોય ગત તા.8ની રાતે પોતે માતા-પિતા, પત્ની, સંતાનો તેમજ પરિવારજનો સાથે મકાન બંધ કરી ગયા હતા. ત્યાંથી અન્ય એક વ્યવહારિક કામ માટે ઝાંઝમેર ગયા હતા. ત્યારે તા.10ની બપોરે પાડોશીનો તમારા મકાનનો દરવાજો ખુલ્લો છે અને ડેલીમાં લગાવેલું તાળું જેમનું તેમ હોવાનું ફોન કરી જાણ કરી હતી.

જેથી પરિવારજનો ઝાંઝમેરથી તુરંત રાજકોટ આવવા નીકળી ગયા હતા. રાજકોટ પહોંચતા ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું અને દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. ઘરમાં તપાસ કરતા કબાટની તિજોરીમાં રાખેલા રોકડા રૂ.70 હજાર તેમજ સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ રૂ.1,34,800ની માલમતા જોવા મળી ન હતી. ચોરી થયાનું માલૂમ પડતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ચોરીનો બીજો બનાવ આ જ વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર પાછળ બન્યો હતો. પ્રસંગોમાં રસોડાનું કામ કરતા વૃદ્ધા જયાબેન લાભુભાઇ રાવરાણી બે દિવસ પહેલા બામણબોરમાં રસોડાનું કામ હોય મકાન બંધ કરીને ગયા હતા. ત્યારે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ઘરમાંથી ચાંદીના ઘરેણાં અને રોકડા મળી રૂ.13 હજારની મતાનો હાથફેરો કરી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...