સૌ.યુનિ.નો સ્ટડી:દર વર્ષે વિશ્વમાં 8 લાખમાંથી 1.35 લાખ લોકો ભારતમાં અકાળે જીવન ટૂંકાવે છે, 15થી 24 વર્ષનામાં મૃત્યુનાં કારણમાં આપઘાત પ્રથમ નંબરે

રાજકોટ3 મહિનો પહેલા
  • વિશ્વ આરોગ્ય સંસ્થા અને આંતરાષ્ટ્રીય આપઘાત નિવારણ સંસ્થા 10 સપ્ટેમ્બરને વિશ્વ આપઘાત નિવારણ દિવસ તરીકે ઉજવે છે
  • સામાન્ય રીતે આત્મહત્યાનો પ્રયાસ કરવામાં દર 4માંથી 3 સ્ત્રીઓ હોય છે, 75 ટકા ગરીબ અને વિકસિત દેશમાં આપઘાતના બનાવો
  • સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના મનોવિજ્ઞાન ભવનમાં કાલે આત્મહત્યા નિવારણ દિવસ નિમિતે જ સ્યુસાઈડ પ્રિવેન્શન સેન્ટરને ખુલ્લું મુકાશે

આવતીકાલે વિશ્વ આપઘાત નિવારણ દિવસ છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગાસણએ સ્ટડી કર્યો છે. જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. સ્ટડીમાં દર વર્ષે વિશ્વમાં 8 લાખમાંથી 1.35 લાખ લોકો ભારતમાં અકાળે જીવન ટૂંકાવે છે. તેમજ 15થી 24 વર્ષના કિશોરો અને યુવાનોમાં મૃત્યુનાં કારણમાં આપઘાત પ્રથમ નંબરે છે. આ વાત ચિંતાજનક ગણી શકાય. પરંતુ ડો.યોગેશ જોગાસણે આત્મહત્યાના વિચારો આવે ત્યારે શું કરવું જોઇએ તેના તારણો આપ્યા છે.

આ વર્ષે 18મો વિશ્વ આપઘાત નિવારણ દિવસ
વિશ્વ આરોગ્ય સંસ્થા અને આંતરાષ્ટ્રીય આપઘાત નિવારણ સંસ્થાન દ્વારા 2003થી દર વર્ષે 10 સપ્ટેમ્બરનાં દિવસને વિશ્વ આપઘાત નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે 18મો વિશ્વ આપઘાત નિવારણ દિવસ ઉજવવામાં આવનાર છે. આત્મહત્યા નિવારણનો દિવસ ન હોય તે હર પળે ધ્યાન રાખવા જેવી અતિસંવેદનશીલ અને અગત્યની બાબત છે. દર વર્ષે વિશ્વમાં આશરે 8 લાખ જેટલા મોત આપઘાતથી નીવડે છે, જેમાંથી 1.35 લાખ (આશરે 17% મોત) ભારતમાંથી નોંધાય છે. અને આપઘાતનો પ્રયત્ન કરી બચી જનાર વ્યક્તિની સંખ્યા તો આનાથી 25 ગણી વધુ છે. ભારતમાં છેલ્લા 30 વર્ષમાં આપઘાતના પ્રમાણમાં આશરે 30 ટકા જેટલો વધારો નોંધાયો છે. જે ચિંતાજનક બાબત છે. વૈશ્વિક સ્તરે 15થી 24 વર્ષના યુવાનોમાં મૃત્યુના કારણોમાં આપઘાત પ્રથમ ક્રમાંકે છે.

મોટાભાગના કિસ્સામાં વ્યક્તિ આપઘાત કરવા ઇચ્છતી હોતી નથી
જીવનમાં મુશ્કેલીઓ, હેરાન પરેશાન કરતી કસોટીઓ, નિષ્ફ્ળતા, પીડા, હતાશા, માયુશી, ચિંતા, સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી કોને પસાર નથી થવું પડતું? ઘણીવાર આપણા કરતાં પણ વધુ કફોડી, વધુ આકરી અને પીડાદાયક પરિસ્થિતિમાં કરોડો લોકોને જીવતા જોયા હોય છે. ક્યારેક તો આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલા ક્રૂર, પાપી, નિર્દયી અને પીડાનો લોકો સામનો કરતાં હોય છે. મોટા ભાગના કિસ્સાઓમાં એવુ જોવા મળતું હોય છે કે આપઘાતનો પ્રયત્ન કરનાર કે આપઘાત વડે મૃત્યુને ભેટનાર વ્યક્તિ ખરેખર આપઘાત કરવા ઇચ્છતી નથી હોતી પરંતુ કોઇ પોતાની નિરાશા ઓળખી પોતાના પ્રશ્નોમાં દરમિયાનગીરી કરે તેમ ઇચ્છતી હોય છે.

મિત્રો મદદરુપ બને તો આપઘાતનાં ઘણા કિસ્સાઓ નિવારી શકાય
આવા સમયે જો નજીકના સ્નેહીઓ કે મિત્રો મદદરુપ બને તો આપઘાતનાં ઘણા કિસ્સાઓ નિવારી શકાય તેમ છે. ઘણી વખત સ્નેહીજન કે મિત્ર આપઘાતની વાત કે પોતાના વિચાર જાહેર કરે ત્યારે શું કરવુ, કેવો પ્રતિભાવ આપવો એ આપણે સમજી શકતા નથી કે પોતાની પાસે જે-તે વ્યક્તિના પ્રશ્નોના જવાબો નહીં હોય તેમ માની પ્રતિભાવો આપવાનુ ટાળે છે. પરંતુ આવા સમયે માત્ર તેને સમય આપીને સાંભળવાથી, પોતાના નિર્ણયો તેના પર થોપી ના બેસાડવાથી પણ આપણે તેને મદદરુપ થઇ શકીએ છીએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશન (WHO)ના એક રિપોર્ટ મુજબ દર 40 સેકન્ડે એક અને દર વર્ષે 8 લાખ લોકો આત્મહત્યા કરે છે. ભારતમાં વિશ્વમાં આત્મહત્યા કરતી દર 10 હજાર વ્યક્તિમાંથી 11 વ્યક્તિ ભારતની હોય છે.

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

આત્મહત્યાના લક્ષણો
- વારંવાર મૂડમાં પરિવર્તન (જેમ કે, અચાનક ખોટો ગુસ્સો, કારણ વગર રડવું, નિરાશ થઈ જવું)
- પોતાની જાતને ક્યાંક અટવાયા છીએ એવું અનુભવવું.
- રોજબરોજના કાર્યમાં પરિવર્તન (જેમ કે, જમવાની રીતમાં, સુવાની રીતમાં અચાનક બદલાવ)
- આશાહીન બનવું, અચાનક નશીલા દ્રવ્યોનું સેવન, જોખમી કાર્ય કરવા, સોશિયલ મીડિયાથી અચાનક દૂર થવું.
- લોકોથી દૂરી રાખવી, એકલા રહેવાનું શરૂ કરી દેવું, વ્યક્તિત્વમાં પરિવર્તન, જીવન જીવવા જેવું નથી એવા ઉદગારો
- નિષેધક પોસ્ટ મુકવી, હું ન હોવું તો એવા વાક્યો બોલવા.
- મિતભાસી થઈ જવું, એડવાન્સ આર્થિક પ્લાન, મને કોઈ સમજતું નથી એવી લાગણી, નીચું સ્વ મૂલ્યાંકન

આત્મહત્યાના કારણો
બાળકો પર માતા-પિતાનું ખોટું અનુશાસન, કોઈ શારીરિક માનસિક રોગ, બેકારી, ગરીબી, સહનશીલતાનો અભાવ, ઉચ્ચ અહમ, પ્રિય વ્યક્તિનું મૃત્યુ, એકલતા, સામાજિક તિરસ્કાર, લોકોનું દબાણ, ઉચ્ચ મહત્વકાંક્ષા, વધુ પડતી આવેગશીલતા, ભણતરની ચિંતા અને તણાવનાં કારણે કિશોરો અને યુવાનો સહુથી વધુ આત્મહત્યા કરે છે, શારીરિક વિકાસની અવઢવને લીધે કિશોરો આત્મહત્યા કરવા દોરાય છે, આસાધ્ય રોગ, આંતરવેયક્તિક સંકટો અને વિભક્ત કુટુંબ, નિમ્ન સામાજિક આર્થિક દરજ્જો, આયોગ્ય માનસિક આવેગો તેમજ નોકરી-ધંધો, આર્થિક ભીંસ, દારુની ટેવ, ઘરકંકાસ, શારીરિક-માનસિક બીમારી વગેરે આત્મહત્યા કરવા માટે મજબૂર કરે છે.

સ્ત્રીઓ કરતા પુરૂષો આત્મહત્યા કરવામાં સફળ જાય છે
સ્ત્રીઓ આત્મહત્યા કરવાના પ્રયત્ન સૌથી વધુ કરે છે. જ્યારે પુરુષો આત્મહત્યા કરવામાં સફળ જાય છે. સામાન્ય રીતે આત્મહત્યાનો પ્રયાસ કરવામાં દર 4માંથી 3 સ્ત્રીઓ હોય છે. 75% આત્મહત્યાના બનાવો ગરીબ અને વિકસિત દેશમાં થાય છે. WHOના આંકડા દર્શાવે છે કે 40% જેટલા દેશોમાં પુરુષોની આત્મહત્યાનું પ્રમાણ એક લાખની વસતિ સામે 15થી વધારેનું છે. માત્ર 1.5% દેશોમાં જ પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે આપઘાત કરે છે.

યુવાનોમાં આપઘાત વૃત્તિ વધુ છે, જ્યારે વૃદ્ધોમાં મૃત્યુ ચિંતા વધુ
જીવન અમૂલ્ય છે માટે ચિંતા છોડીએ શિર્ષક હેઠળ 450 તરૂણો (24.39%), 630 યુવાનો (34.15%), 414 પ્રોઢ (22.43%) અને 351 વૃદ્ધ (19.03%) આમ કુલ 1845 લોકો પર આપઘાતવૃત્તિ અને મૃત્યુચિંતા વિશે મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન રીતે પ્રશ્નો પૂછીને (ગુંગલ લીંક, રૂબરૂ મુલાકાત અને ટેલીફોનિક વાતચીત) દ્વારા સર્વે કરવામાં આવ્યો. જેમાં 51.10% પુરૂષો અને 48.90% સ્ત્રીઓએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી.

કિસ્સાઓ 1. હું ભય અને ચિંતા અનુભવું છું. તેથી અંગત વ્યક્તિની હાજરીમાં પણ ગૂંગળાવ છું. આ પ્રશ્નના જવાબમાં 22.50% લોકોએ સહમતિ દર્શાવી હતી, 31.50% લોકોએ જણાવ્યું કે અમે ભય, ચિંતા અને ગુંગળામણ અનુભવીએ છીએ અને 46% લોકોએ અસહમતિ દર્શાવી હતી. 2. લોકોને મારા પ્રત્યે સ્નેહ લાગણી નથી એટલે હું મારી જાતને ધીક્કારું છું. જેમાં 68.50% લોકોએ અસહમતિ દર્શાવી હતી, 21.70% લોકોએ જણાવ્યું કે હા હું મારી જાતને ધીક્કારૂ છું અને 9.80% લોકોએ સહમતિ દર્શાવી હતી. 3. જિંદગી બેરસ લાગે છે એટલે આનંદદાયક કામોમાં પણ કંટાળો આવે છે. આ પ્રશ્નમાં 17.40% લોકોએ સહમતિ દર્શાવી હતી, 22.80% લોકોએ જણાવ્યું કે ક્યારેક આવું થાય છે અને 59.80% લોકોએ અસહમતી દર્શાવી હતી. 4. લોકો મારી ટીકા કરતા હોય એવા ભયને કારણે ઊંઘમાંથી જબકીને જાગી જાવ છું. 12.00% લોકોએ આ પ્રશ્નના જવાબમાં સહમતિ દર્શાવી હતી, 15.20% લોકોએ જણાવ્યું કે ક્યારેક ઊંઘમાંથી જબકીને જાગી જઈએ છીએ. જ્યારે 72.80% લોકોએ અસહમતિ દર્શાવી હતી. 5. ખરાબ વિચારો મારો પીછો નથી મુકતા એટલે હું ઉકળી ઉઠું છું. આ પ્રશ્નના જવાબમાં 60.90% લોકોએ સહમતી દર્શાવી હતી, 21.70% લોકોએ જણાવ્યું કે હા ક્યારેક ઉકળી ઉઠું છું અને 17.4% લોકોએ અસહમતિ દર્શાવી હતી. 6. જિંદગી દુખના પહાડ જેવી અને નિરર્થક લાગે છે. આ પ્રશ્નના જવાબમાં 16.30% લોકોએ સહમતી દર્શાવી હતી, 21.70% લોકોએ કહ્યું કે હા નિરર્થક લાગે છે અને 62.00% લોકોએ અસહમતી દર્શાવી હતી. 7. હું હંમેશા એકલતા અને માયુસી અનુભવું છું. આ સવાલમાં 14.10% લોકોએ લોકોએ સહમતી દર્શાવી હતી, 25.00% લોકોએ જણાવ્યું કે અમે હંમેશા એકલતા અને માયુસી અનુભવીએ છીએ અને 60.90% લોકોએ અસહમતિ દર્શાવી હતી. 8. મારું શરીર અને મન સૌથી નબળા થઇ ગયા છે. આ સવાલમાં 18%લોકોએ સહમતી દર્શાવી હતી અને 16% લોકોએ જણાવ્યું કે શરીર અને મન નબળા થઇ ગયા હોય એવું લાગે છે. જ્યારે 66% લોકોએ અસહમતી દર્શાવી હતી. 9. હું મારા વિચારો સ્પષ્ટ પણે રજુ કરવામાં અસમર્થ રહું છું. આ પ્રશ્નના જવાબમાં 27.70% લોકોએ સહમતી દર્શાવી હતી અને 30.40% લોકોએ જણાવ્યું કે હું મારા વિચારો રજુ કરવામાં અસમર્થ રહું છું જ્યારે 41.9% લોકોએ અસહમતી દર્શાવી હતી. 10. આત્મીય સબંધોથી હંમેશા હું વંચિત રહ્યો છું. આ પ્રશ્નના જવાબમાં 13.00% લોકોએ સહમતે દર્શાવી અને 28.20% લોકોએ જણાવ્યું કે હું આત્મીય સબંધોથી હંમેશા હું વંચિત રહ્યો છું. જ્યારે 58.70% લોકોએ અસહમતી દર્શાવી હતી. 11. મૃત્યુના વિચારો આવતા જ હું ઉદાસ થઇ જાવ છું. 16.10% લોકોએ આ પ્રશ્નના જવાબમાં હા કહી અને 83.90% લોકોએ ના જણાવી હતી. 12. મને કેન્સર, હૃદય, કોરોના જેવા રોગોનો ખુબ ડર લાગે છે. આ પ્રશ્નના જવાબમાં 15.10% લોકોએ હા કહી અને 84.90% લોકોએ ના કહી. 13. કોઈનું મૃત્યુ થયું એવું સાંભળું ત્યારે ગભરાઈ જાવ છું. આમાં 64.50% લોકોએ હા કહી અને 35.50% લોકોએ ના કહી. 14. ભયંકર મહામારી અને વાવાજોડા વિશે વાત સાંભળીને હું ધ્રુજારી અનુભવું છું. આ પ્રશ્નના જવાબમાં 21.50% લોકોએ હા જણાવી અને 78.50% લોકોએ ના જણાવી હતી. 15. મને સૌથી વધુ બીમારીનો જો કોઈ ભય હોય તો તે. આ પ્રશ્નના જવાબમાં 23.70% લોકોએ કેન્સરનો ભય દર્શાવ્યો, 11.80% એ એચ.આઈ.વી.નો ભય દર્શાવ્યો, 34.40% લોકોએ કેન્સરનો ભય દર્શાવ્યો અને 30.10% લોકોએ હૃદયરોગનો ભય દર્શાવ્યો હતો.

સ્ત્રીઓ હૈયાવરાળ કાઢી નાખે જ્યારે પુરૂષો અંદરોઅંદર મૂંઝાય છે
એક મહત્ત્વનું પરિબળ છે સંવાદ. સ્ત્રીઓ પોતાની હૈયાવરાળ કાઢતી હોય છે, જ્યારે પુરુષો મનોમન મૂંઝાતા હોય છે. પેઢીઓથી સમાજે પુરુષોને મજબૂત થવા અને પોતે મુશ્કેલીમાં છે એવી વાતો ન કરવા પ્રેર્યા છે. આપણે છોકરાને કહેતા હોઇએ છીએ કે છોકરા કદી રડે નહીં. આપણે નાનપણથી જ છોકરાને લાગણીને વ્યક્ત ન કરવાનું શીખવીએ છીએ. લાગણીવેડા કરવા તે નબળાઈ ગણાય.

મનમાં વારંવાર આત્મહત્યાના વિચાર આવે ત્યારે આવી રીતે પોતાની જાતને મદદ કરવી જોઈએ

1. કોઈ સાથે વાત કરો
કોઈ સાથે પોતાની લાગણીઓને શેર કરવી એક મહત્વપૂર્ણ કાર્ય છે. અને તેના પર જેટલું વધુ જોર આપવામાં આવે એટલું વધારે ફાયદાકારક છે. કારણ કે, મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. માટે તેને પ્રેમ, સ્નેહ, હૂંફ અને સાથ-સહકારની જરૂર હોય છે. જો તમે દુઃખી હોય અને આત્મહત્યાના વિચાર આવે ત્યારે પોતાની જાતને પોતાની રીતે નિયંત્રણમાં રાખવાની જીદ છોડી અન્યની મદદ લેવી. જેમ કે પોતાના મિત્ર, પરિવારજન, નજીકના સગાઓની મદદ લેવી ઉચિત છે. છત્તા વધુ પડતા વિચાર આવે ત્યારે મનોવૈજ્ઞાનિકની સલાહ લેવી આવશ્યક છે.

2. એકલા બિલકુલ ન રહો
આજના સમયમાં મોટાભાગના યુવાનો શહેરમાં પરિવારથી દૂર એકલા રહેવાનું પસંદ કરે છે. ત્યારે આત્મઘાતી વિચારો આવે તો થોડા સમય માટે કોઈને સાથે રહેવા બોલાવી લો. અનુકૂળ હોય તો કોઈ મિત્રને પોતાની સાથે રાખો અથવા તો માતા-પિતાની પાસે જતા રહો. આ બન્નેમાંથી એક પણ સંભવ નથી તો કોઈ પાલતું પ્રાણીને ઘરે લાવો, કોઈની હાજરી તમને ઘણા ખોટા કામ કરવાથી રોકી શકે છે.

3. થેરાપી અને ઉપચાર લો
જો તમને મહેસુસ થાય કે, મનમાં એવા વિચાર આવે છે તો કોગ્નિટિવ બીહેવીયર થેરાપી લો. અને મોટાભાગે થેરાપીસ્ટ આ પ્રકારની થેરાપી આપતા હોય છે, દવા પણ આપતા હોય છે. અને દવા લેવાનું બિલકુલ ન છોડો. સારું મહેસુસ થતું હોય છતા દવા લેવાનું ચાલુ જ રાખો.

4. ખતરાના સંકટનું ધ્યાન રાખો
મનોવૈજ્ઞાનિક તમને જણાવશે કે તમારા વર્તન માટે શું સારું અને અને શું ખતરનાક છે. માટે એ ખતરાના ચિહ્નનું ધ્યાન રાખો. તમારા પરિવાર અને મિત્રોને તે ખતરારૂપ ચિહ્નથી વાફેક કરો. જેથી તે તમારી વ્યથિત મનોસ્થિતિ દરમિયાન પર નજર રાખી શકે. મહત્વપૂર્ણ બાબત કે થેરાપી લેવાનું ચાલુ રાખવું ક્યારેય એકપણ સેશનને છોડવું નહિ. અને જ્યાં સુધી સંપૂર્ણપણે સ્વસ્થ ન થાવ ત્યાં સુધી. થેરાપી ચાલુ રાખો.

5. ખતરારૂપ દરેક ચીજવસ્તુને ઘરમાંથી દૂર કરો
ખતરારૂપ દરેક ચીજવસ્તુને ઘરમાંથી દૂર કરો જેનાથી અચાનક કોઈ ખોટું પગલું ન ઉઠવાય જાય. માટે ઘરમાંથી તે દરેક વસ્તુ કે જે ખતરારૂપ હોય જેમ કે, ચાકુ, બ્લેડ, બંદૂક, ખતરનાક દવાઓ વગેરેને ઘરમાં ન રાખો. કાઉન્સેલિંગ સેન્ટર અથવા નેશનલ સ્યુસાઇડ પ્રિવેન્શન લાઇફલાઈનનાં ફોન નંબર પોતાના ફોનમાં સેવ કરીને રાખો. જ્યારે જરૂર લાગે ત્યારે તેનો ઝડપથી ઉપયોગ કરો.

મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગાસણ.
મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગાસણ.

જ્યારે કોઇ સ્નેહીજન આપઘાતના વિચારો વ્યક્ત કરે ત્યારે શું કરવુ જોઇએ?
- સૌપ્રથમ તો આપઘાતના દરેક પ્રયત્નને ગંભીરતાથી લેવો જોઇએ.
- વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરવો જોઇએ, તેને પ્રતિતિ થવી જોઇએ કે તમને તેની મુશ્કેલીઓ દૂર કરવામાં પૂરતો રસ છે.
- આપઘાતનાં વિચારો કે પ્રયત્ન કરતી વ્યક્તિ આ કૃત્ય માનસિક અસ્વસ્થતા કે બિમારી હેઠળ કરેલી હોય તેવી પૂરી સંભાવના છે. આથી આ દરેક વ્યક્તિની મનોચિકિત્સક કે મનોવૈજ્ઞાનિક પાસે પણ તપાસ કરાવવી જરુરી છે. આથી સબંધિત માનસિક રોગની સારવાર કરી શકાય અને વધુ આપઘાતના પ્રયત્નો ટાળી શકાય.
- વ્યક્તિને એકલા ન મૂકો. સતત તેની સાથે રહો. તે કંઇ રીતે આત્મહત્યાનો પ્રયત્ન કરવાનું વિચારે છે તે જાણવાનો પ્રયત્ન કરવો જોઇએ. તેને ઠપકો આપવાનો, શિખામણ આપવાનો કે ગુસ્સે થવાનો આ યોગ્ય સમય નથી.
- જો વ્યક્તિ ખાતરી આપે કે તે હવે આત્મહત્યા નહીં કરે અને યોગ્ય સારવાર વિના પરિસ્થિતીનુ નિરાકરણ આવી ગયું છે તો તેમ માની લેશો નહીં.
- તે આત્મહત્યા નહીં કરી શકે, ખાલી ધમકી આપે છે, આત્મહત્યાની વાતો કરવી સહેલી છે પરંતુ વાસ્તવમાં તેનો અમલ અઘરો છે વગેરે કહી તેને પડકારો નહીં.

જેને આત્મહત્યાના વિચાર આવે છે તેમના માટે અગત્યના સૂચનો
1. સ્વની શોધ- તમારા સંરક્ષણાત્મક નકાબ હટાવી તમે જેટલા ખુદને વધુ સમજી શકો તેટલો તમારા જીવનનો અર્થ તમને વધુ સમજાશે.
2. પસંદગી- તમારા જીવનની પરિસ્થિતિઓમાં તમે જેટલા વધુ વિકલ્પો જોઈ શકશો, તેટલો વધુ જીવનનો અર્થ તમને સ્પષ્ટ થશે/સમજાશે.
3. અનન્યતા- તમારા જીવનનો સાચો અર્થ એવી પરિસ્થિતિઓમાંથી તમને મળશે, જ્યાં તમારી જગ્યા સહેલાઈથી કોઈ લઈ શકતું નથી.
4. જવાબદારી– જ્યાં તમારી પાસે વિકલ્પો છે અને પસંદગીની સ્વતંત્રતા છે ત્યાં તમે જવાબદારીપૂર્વક પસંદગી કરો (જ્યાં સંજોગો અનિવાર્ય, અપરિવર્તનશીલ હોય ત્યાં જવાબદારી ન લેવાની પસંદગી કરો) તો તમારા જીવનનો અર્થ તમે વધુ સારી રીતે શોધી શકશો.
5. સ્વને ઓળંગવું- જ્યારે તમે તમારા અહમને ઓળંગીને તમારા સ્વની મર્યાદાઓની પેલે પાર જઈ પસંદગી કરો છો ત્યારે તમને જીવનનો અર્થ મળે છે. અને છતાં આ સહેલું નથી.
સામુહિક આત્મહત્યા કરવા પાછળનું કારણ

1. અનિચ્છનીય માનસિક તણાવ
સ્વસ્થ દબાણ એટલે જેમાં વ્યક્તિ કોઈ કાર્ય કરવા પ્રેરાય છે પરંતુ અસ્વસ્થ દબાણમાં વ્યક્તિ સમાજથી દૂર ભાગે છે. અહી વ્યક્તિ સામે સમાજ અથવા જૂથ એવી પરિસ્થિતિઓ બનાવે છે જે વ્યક્તિનું સામૂહિક જીવન ઉથલાવી નાખે છે અને વ્યક્તિ વિચારવાનું શરૂ કરે છે કે તેની પાસે આખા વિશ્વમાં કોઈ નથી અથવા સમાજ વ્યક્તિને પોતાને અથવા તેના પરિવારજનોને હેરાન પરેશાન કરશે. જો તેની પોતાની અલગ ઓળખ ન હોય તો તે વ્યક્તિ સમાજની ઇચ્છા પ્રમાણે વર્તન કરે છે. તે વ્યક્તિ પર સમાજનું અનિચ્છનીય દબાણ આવે છે. તે અનિચ્છનીય દબાણને કારણે જ વ્યક્તિ સામુહિક આત્મહત્યા કરે છે.

2. વ્યસ્ત જીવનશૈલી
આજની જીવનશૈલી તનાવપૂર્ણ બની ગઈ છે. લોકો પાસે અતિશય કામ હોય છે અને તે યોગ્ય આરામ કરી શકતા નથી. આવા પરિવારોની સંખ્યા ખૂબ મોટી છે, જ્યાં શાંતિ નથી. ઘરનું વાતાવરણ ખરાબ છે. આ સ્થિતિ વ્યક્તિને ત્રાસદાયક પરિસ્થિતિમાં આત્મઘાતી વિચારધારા વિકસાવવામાં મદદ કરે છે સાથે તેને એવી પણ માનસિકતા બંધાય છે કે હું જ શા માટે મૃત્યુ વ્હાલું કરું? મારા પરિવારને જ મારા માટે સમય નથી જેની લીધે હું હેરાન થાવ છું જે સામુહિક આત્મહત્યા કરવા દોરે છે.

મનોવિજ્ઞાન ભવનમાં સ્યુસાઈડ પ્રિવેન્શન સેન્ટર ખુલ્લું મુકાશે.
મનોવિજ્ઞાન ભવનમાં સ્યુસાઈડ પ્રિવેન્શન સેન્ટર ખુલ્લું મુકાશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાલે સ્યુસાઈડ પ્રિવેન્શન સેન્ટર ખુલ્લું મુકાશે
સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના મનોવિજ્ઞાન ભવનમાં આગામી ૧૦ સપ્ટેમ્બરે આત્મહત્યા નિવારણ દિવસ નિમિતે જ સ્યુસાઈડ પ્રિવેન્શન સેન્ટરને ખુલ્લું મુકવામાં આવશે. વધતા જતા આત્મહત્યાના બનાવને પગલે સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના મનોવિજ્ઞાન ભવનમાં આ સેન્ટર ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સેન્ટરમાં લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવશે અને આત્મહત્યા જેવા નેગેટ્વ વિચારોને મનમાંથી દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ માટે મનોવિજ્ઞાન ભવનના સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા જ લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. જોકે આમ કરવાની જરૂર જ કદાચ પડી ન હોત જો વેલનેસ સેન્ટર અહીં કાર્યરત કરી દેવાયું હોત.

વેલનેસ સેન્ટર ખોલવા સરકાર પાસે માગ કરાઇ
આત્મહત્યાનો વિચાર જ લોકોને ન આવે તે માટે મનોવિજ્ઞાન ભવન દ્વારા વેલનેસ સેન્ટર ખોલવાની માંગ સરકાર સમક્ષ મુકવામાં આવી હતી. પરંતુ કોઈ કારણોસર હજુ સુધી આ મંજૂરી મળી નથી. લોકોને માનસિક સ્વસ્થ રાખવા માટે વેલનેસ સેન્ટરની આવશ્યકતા છે. ત્યારે હજુ પણ એ માગ સ્વીકારવામાં ન આવતા ફરી એકવાર મનોવિજ્ઞાન ભવન દ્વારા વેલનેસ સેન્ટર ખોલવા અંગે સરકાર સમક્ષ મંજૂરી માંગવામાં આવશે. જે રીતે આત્મહત્યાના બનાવો દિવસેને દિવસે વધતા જાય છે તેને ધ્યાનમાં રાખીને જો વેલનેસ સેન્ટર ખોલવાની મંજૂરી આપવામાં આવે તો પણ લોકોને માનસિક રીતે તંદુરસ્ત રાખી શકાશે અને આત્મહત્યાનાં વધતા જતા બનાવોને અટકાવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...