કોરોનાવાઈરસ:28 દિવસ માટે કેવલમના 134 અને રાજીવ આવાસના 543 ઘર સીલ

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કિટીપરામાં શાકભાજીના ફેરિયા વધુ હોવાથી પડકાર

રાજકોટમાં નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવતા કેવલમમાં 134 અને રાજીવ આવાસ યોજનામાં 543 ઘરમાં રહેતા લોકોને આગામી 28 દિવસ માટે સોસાયટીમાંથી બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મનપાના આરોગ્ય વિભાગે ક્લસ્ટર કન્ટેઇનમેન્ટની કાર્યવાહી કરી હતી. જેમાં અર્ચનાબેન અગ્રાવત અને જસુમતીબેન વિષ્ણુ કેવલમ રેસિડેન્સી કાલાવડ રોડ ખાતે રહેતા હોવાથી કેવલમ રેસિડેન્સીના 134 ઘરને ક્લસ્ટર કન્ટેઇનમેન્ટ કરવામાં આવ્યા છે.

અર્ચનાબેન અમીનમાર્ગ પર ચિત્રકૂટધામ ખાતે રહેઠાણ ધરાવે છે, પરંતુ તેઓ અમદાવાદથી આવ્યા બાદ ત્યાં ગયા ન હોવાથી ત્યાં કોઇ કાર્યવાહી કરી નથી. આ ઉપરાંત ત્રીજા દર્દી હસુબેન રાઠોડ રાજીવ આવાસ યોજના કિટીપરા ખાતે રહે છે અને તેમના સંપર્કમાં 16 લોકો આવ્યા હોવાથી ફેસિલિટી ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને રાજીવ આવાસ યોજનાના 543 જેટલા ઘરને ક્લસ્ટર કન્ટેઇનમેન્ટ કરવામાં આવ્યા છે. કેવલમમાં ઉદ્યોગપતિ, નોકરિયાત, વેપારીઓના ઘર છે જ્યારે કિટીપરામાં શાકભાજીના ફેરિયાઓ છે.

બૂટલેગરને તેના પુત્રના મિત્રે ચેપ આપ્યાની શંકા
મહિલા બૂટલેગર હસુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં પીએસઆઇ પટેલ સહિત સાત પોલીસમેનને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. કોરોના કેરિઅર અંગે પોલીસે તપાસ શરૂ કરતાં હસુના પુત્રનો મિત્ર જંગલેશ્વરમાં રહે છે અને તે વારંવાર હસુના ઘરે આવતો હતો, હસુના પુત્રના મિત્રને પણ આરોગ્ય વિભાગે ઉઠાવી લઇ સમરસ હોસ્ટેલમાં મોકલી આપ્યો હતો અને ત્યાં તેના સેમ્પલ લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...