કોરોના રાજકોટ LIVE:વેક્સિનેશનના મહા અભિયાનમાં 50 હજારના લક્ષ્યાંક સામે શહેરમાં હાલ 42323 લોકોએ વેક્સિન લીધી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આજે વેક્સિનેશનની કામગીરીને ઝડપી બનાવવામાં આવી. - Divya Bhaskar
આજે વેક્સિનેશનની કામગીરીને ઝડપી બનાવવામાં આવી.
  • શહેરમાં કુલ કેસની સંખ્યા 42814 પર પહોંચી, અત્યાર સુધીમાં 13,76,492ના ટેસ્ટ કરાયા

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિને નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સિનેશન મહા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ગત રાત્રિએ એસ.ટી. બસ પોર્ટ અને રેસકોર્ષ રિંગ રોડ ખાતે વેક્સિનેશનની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વેક્સિનેશનની કામગીરી આજે મધ્ય રાત્રિ સુધી કરવામાં આવશે. આજે બપોર સુધીમાં આ મહા અભિયાનમાં 42323 લોકોએ વેક્સિન લઇ લીધી છે. શહેરમાં આજે 50 હજાર લોકોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 42814 પર પહોંચી છે અને અત્યાર સુધીમાં 13,76,492ના ટેસ્ટ કરાયા છે.

રાજકોટમાં ઠેર ઠેર વેક્સિનેશનની કામગીરી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થયેલા આયોજન મુજબ મનપાની ઈસ્ટ અને વેસ્ટ ઝોન ઓફિસ અને સેન્ટ્રલ ઝોન માટે મેસોનિક હોલ, એસ.ટી. બસ સ્ટેન્ડની બાજુમાં, ઢેબરભાઈ રોડ ખાતે તેમજ શહેરના 21 આરોગ્ય કેન્દ્રો, દરેક વોર્ડ ઓફિસ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન ખાતે ઉપરાંત સામાજિક સંસ્થાઓ, હાઉસિંગ સોસાયટી, કોલેજો, સ્લમ એરિયા, ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખાતે પણ મોબાઈલ વાહન દ્વારા વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. આ મહાઅભિયાનમાં બાંધકામ સાઈટ્સ, હોકર્સ ઝોન વગેરે સ્થળોને પણ આવરી લેવામાં આવ્યા છે.

દરેક કર્મચારીને ટાર્ગેટ આપવામાં આવે
બીજી તરફ રાજકોટ મનપાના વિપક્ષ નેતા ભાનુબેન સોરાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ નિમિતે કોરોના વેક્સિનેશન મહાઅભિયાન યોજવામાં આવ્યો તેવી જ રીતે મહાનગરપાલિકા વેક્સિનેશન બાબતે ગંભીરતા દાખવે તો એક માસમાં જ રાજકોટમાં 100 ટકા વેક્સિનેશન થઇ શકે. રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને વેક્સિન આપવા માટે ટાર્ગેટ આપવામાં આવે. મોદીના જન્મદિવસ નિમિતે જે રીતે વેક્સિનેશનની કામગીરી કરાઈ રહી છે તે રીતે વેક્સિન આપવામાં રોજબરોજ કામગીરી કરો. વેક્સિનેશન કામગીરીમાં વિપક્ષનો પૂરો સહયોગ આપવા તૈયાર છે. જો વેક્સિનેશન કામગીરી બાબતે અગાઉથી જ આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હોત તો આવા તાયફા કરવાની જરૂર ન પડી હોત.

મનપાના કર્મચારીઓને વેક્સિનેશનની કામગીરીમાં લગાડ્યા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજના દિવસે કુલ 45 હજાર વેક્સિનના ડોઝ આપવાના છે, જેમાં કોવેક્સિનના 3 હજાર અને કોવિશીલ્ડના 42 હજાર ડોઝ આપવાનું કામ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તંત્રએ ઉંધેમાથે થઇ કામગીરી અને ટાર્ગેટ પૂરો કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાના તમામ ઓફિસરો અને સ્ટાફને રૂટીન રોજીંદા કામો પડતા મૂકી વેક્સિનના કામે લગાડી બેસાડવામાં આવ્યા છે. જેના લીધે અનેક અરજદારો રઝળી પડ્યા છે.