નવી ગાઈડલાઈનની પીપુડીથી શરણાઈના સૂર બેશૂરા:રાજકોટમાં 1300 લગ્ન મોકૂફ - કો'કે કહ્યુ, ‘કંકોતરી અપાઈ ગઈ છે હવે ના કોને પાડવી?’ તો અમુક પરિવાર ગામડે પ્રસંગ કરશે

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 400માંથી માત્ર 150 મહેમાનોનો નિર્ણય માત્ર ચાર દી’માં જ બદલાતા અનેક પરિવારો લગ્નમાં શું કરવું તેનો નિર્ણય લઈ શકતા નથી
  • પાર્ટી પ્લોટ અને કેટરર્સના માલિકો સાથે અનેક પરિવારની તકરાર, રૂપિયા પરત આપો અથવા તો જેટલા લોકોનો ઓર્ડર હતો તેટલાનો પ્રસંગ પૂરો કરાવી આપો
  • લગ્ન માટે જે વારંવાર નિયમ ફેરફાર થાય છે તેના માટે પ્રજાને પરેશાની થઈ રહી છે

મંગળવારે સરકારે આદેશ જાહેર કર્યો કે લગ્નમાં હવે ચારસોના બદલે માત્ર 150 જ લોકો એકત્રિત થઇ શકશે. નિયમ જાહેર થતાની સાથે જ જેમને ત્યાં લગ્ન લેવાયા છે તે પરિવારમાં ઉત્સાહ ગાયબ થઇ ગયો અને ચિંતા પ્રસરી ગઇ કે પ્રસંગ કેવી રીતે પાર પાડવો. લખાયેલી કંકોતરી મહેમાનોને આપવાને બદલે ઘરમાં જ રાખી દીધી છે.

ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીઝના સંચાલકોના જણાવ્યાનુસાર જે ધામધૂમથી કે ખર્ચાળ હતા એવા 1300થી વધુ લગ્ન પાછા ઠેલાયા છે તેમ ઇવેન્ટ સંચાલક આનંદભાઇ સોનીએ જણાવ્યું છે. ઓછી સંખ્યામાં મોંઘા ભાડાના પાર્ટી પ્લોટમાં લગ્ન કરવા કોઇને પોષાય એમ નથી. આથી પાર્ટી- પ્લોટના બુકિંગ રદ કરીને ઓછા બજેટના નાના હોલ-વાડી, હોટેલ, બેન્કવેટ હોલ મળી રહે તે માટે છેલ્લી ઘડીની દોડધામ થઈ છે. જેમને એડવાન્સ પેમેન્ટ કરી દીધા છે તેવા લોકોની પરિસ્થિતિ સૌથી મુશ્કેલજનક બની છે. મીઠાઈથી લઈને કેટરિંગ માટે જેમને એડવાન્સ પેમેન્ટ અને બજેટના પ્રશ્નો ઊભા થાય છે.​​​​​​​ કોરોના પહેલા લગ્ન માટે લોકો જે બજેટ રાખતા હતા તેના બદલે હવે ત્રીજા ભાગનું જ બજેટ રાખે છે તેમ ઈવેન્ટ સંચાલક ચિંતનભાઈ વ્યાસ જણાવે છે.

વર-વધૂના માતાપિતા, ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીઝના સંચાલકો, મજૂરોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, સરકારને લગ્ન સમયે જ કોરોના વકરતો હોય એવું દેખાય છે. મન ફાવે ત્યારે ગાઇડલાઈન ફેરવી નાખે છે. મનઘડંત નિર્ણય લઈ લે છે. કોઈ ગાઈડલાઈન જાહેર કરતા એકવાર દીકરા- દીકરીના માતાપિતા બનીને વિચારે તો એને ખબર પડે કે પ્રસંગ કેવી રીતે પાર પડે છે. લગ્નપ્રસંગ એ કોઈ લગ્ન ગાઈડલાઈનની જેમ રાતો-રાત નક્કી નથી થતો કે બદલાતો નથી.​​​​​​​ તેના માટે ત્રણથી છ મહિના પહેલા તૈયારી કરવી પડે છે. કોરોનાને લઇને લગ્ન માટે જે વારંવાર નિયમ ફેરફાર થાય છે તેના માટે પ્રજાને પરેશાની થઈ રહી છે.

મજૂરોની રોજીરોટી પર અસર થઈ રહી છે. સરકાર બેઠા- બેઠા ગાઇડ લાઈન નક્કી કરી લે છે. સમાધાન તો પ્રજાને કરવું પડે છે. સરકાર ક્યારેક તો પ્રજાના હિતમાં નિર્ણય લે. એક નિર્ણયથી અનેક સમસ્યા તો થઇ છે પણ સાથોસાથ રોજીરોટી પણ છીનવાઇ છે. તેમ જણાવ્યું હતું.

કિસ્સો 1 - માત્ર ઘરના લોકોની જ હાજરીમાં લગ્ન કરવા પડશે
અત્યારે જે ગાઈડલાઇન જાહેર કરી છે તે 22 જાન્યુઆરી સુધીની છે. મારા પુત્રના લગ્નપ્રસંગની શરૂઆત આ જ દિવસે સાંજથી શરૂ થાય છે. લગ્નને આડે હવે થોડા જ દિવસો બાકી છે. કોઇ નિર્ણય લઇ શકતા નથી. જો આ દિવસે ફરી નવી ગાઇડલાઈન જાહેર થશે તો માત્ર ઘરના જ લોકોની હાજરીમાં લગ્ન કરવા પડશે.કંકોતરી પણ વહેંચાઈ ગઇ છે. હવે કોને ના પાડવી તે સૌથી મોટો પ્રશ્ન છે. > પ્રવીણભાઈ પટેલ, દીકરાના પિતા

કિસ્સો 2 - સતત બીજો પ્રસંગ છે જેમાં સંખ્યા ઘટાડવી પડી રહી છે
ગત સિઝનમાં પરિવારમાં દીકરાના લગ્ન હતા. ત્યારે ગાઈડલાઈન આવતા આયોજન બગડી ગયું હતું. આ વખતે દીકરીના લગ્ન છે. કંકોતરી વહેંચાઈ ગઈ છે. એકની એક દીકરીના લગ્ન ધામધૂમથી કરવાનું નક્કી કર્યું હતું પરંતુ બીજી વખત માણસોની સંખ્યા ઘટાડવી પડી રહી છે. રોડ-રસ્તા પર માણસો ભેગા થાય છે ત્યાં કોઈ નિયમનું પાલન થતું નથી, તો લગ્નમાં જ શું કામને આવા નિયમો બનાવવામાં આવે છે. > અતુલભાઈ પટેલ, દીકરીના પિતા

બદલાતા નિયમથી આ બદલાવ આવ્યો, તેમાં પણ લોકોને મુશ્કેલી
કોરોનાની મહામારીને કારણે સરકાર દ્વારા વારંવાર બદલાતા નિયમથી જેમના ઘરે ફેબ્રુઆરી પછીના મુહૂર્તમાં લગ્ન લેવાના છે તેઓ અત્યારથી આયોજન- તૈયારી કરવાનું બંધ કરી દીધું છે. એડવાન્સ તૈયારી કરીને હેરાન થવાને બદલે હવે 15 દિવસ પહેલા જ હોલ બુકિંગ, કેટરિંગના ઓર્ડર આપવાનું નક્કી કર્યું છે. તેમ ઓલ ગુજરાત કેટરિંગ એસોસિએશનના પ્રમુખ દીપકભાઈ સંઘવી જણાવે છે.

મીઠાઈના 200થી 300 ઓર્ડર રદ થયા
રાજકોટમાં 700થી વધુ મીઠાઈના વેપારીઓ છે. લગ્ન પ્રસંગના બધાના ઓર્ડર ત્રણથી ચાર મહિના પહેલા બુક થઈ ગયા હતા. જેવી સરકારની નવી ગાઇડલાઈન જાહેર થઈ એટલે ઓર્ડર રદ થવા માંડ્યા છે, મીઠાઈના વેપારીને લગ્ન સિઝનમાં આર્થિક ફટકો સહન કરવાની નોબત આવી છે. 200થી 300 ઓર્ડર રદ થયા છે. > જગદીશભાઈ અકબરી, મીઠાઈના વેપારી

અન્ય સમાચારો પણ છે...