શાબાશ રાજકોટ:શહેરમાં જેટ ગતિએ વેક્સિનેશન, પ્રથમ ડોઝ લેવામાં 13% અને બીજો ડોઝ લેવામાં 61% લોકો બાકી, ગ્રામ્યમાં 74% લોકોને વેક્સિન અપાઇ,

રાજકોટ2 મહિનો પહેલા
રાજકોટ જિલ્લામાં વેક્સિનેશનને વેગ.
  • રાજકોટ જિલ્લામાં 74 ગામમાં 100 ટકા વેક્સિનેશન થયું

કોરોનાની ત્રીજી સંભવિત લહેરથી બચવા માટે કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન એ જ એક માત્ર ઉપાય છે. ત્યારે શહેરની સાથે સાથે જિલ્લામાં પણ લોકો વેક્સિન લઇ સુરક્ષિત બની રહ્યાં છે. જેમાં રાજકોટ શહેરમાં પ્રથમ ડોઝ લેવામાં માત્ર 13.61% લોકો જ બાકી છે અને બીજો ડોઝ લેવામાં 61% લોકો બાકી છે. જ્યારે કે જિલ્લામાં 74 ગામોમાં 100% વેક્સિનેશન કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

બીજો ડોઝ લેવામાં લોકોની ક્યાંકને ક્યાંક ઢીલાશ
કોરોનની બીજી ઘાતક લહેર પુરી થયા બાદ ધીમે ધીમે પરિસ્થિતિ કાબૂમાં આવતા આજે કોરોના સામે રક્ષણ આપતી વેક્સિનેશન પ્રક્રિયાની ગતિમાં વેગ જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં પ્રથમ ડોઝ લેવામાં માત્ર 13.61% લોકો બાકી છે. જોકે બીજી તરફ વેક્સિનનો બીજો ડોઝ લેવામાં 61%થી વધુ લોકો બાકી છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે પ્રથમ ડોઝ લીધા બાદ બીજા ડોઝ માટે લોકો ઢીલાશ દાખવી રહ્યાં છે.

મોટાભાગના સિનિયર સિટીઝનનું વેક્સિનેશન પૂર્ણ થવા આવ્યું.
મોટાભાગના સિનિયર સિટીઝનનું વેક્સિનેશન પૂર્ણ થવા આવ્યું.

પ્રથમ અને બીજો ડોઝ લેનારની સંખ્યા 12,71,995 થઇ
આજ સુધીના રસીકરણના આંકડા પર નજર કરીએ તો રાજકોટમાં 10,93,991 લોકોને રસી આપવાની થાય છે. આ પૈકી 9,66,932 એટલે કે 88.39 ટકા લોકોએ પ્રથમ ડોઝ લઇ લીધો છે. જ્યારે બીજો ડોઝ માત્ર 38.81 ટકા એટલે કે 3,75,306 લોકોએ લીધો છે. તમામના 84 દિવસ પૂરા થયા ન હોય તેનો આંકડો મોટો છે. પરંતુ 84 દિવસ વિતી જવા, મેસેજ અને ફોન કરવા છતાં બીજો ડોઝ લેવા આવતા ન હોય તેવા નાગરિકોની સંખ્યા હજુ 52,509 છે. તેમાં કોવિશિલ્ડના 47,449 અને કોવેક્સિન લેનાર 5060 લોકો બાકી છે. આરોગ્ય વિભાગ કહે છે કે, રાજકોટમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન બંને રસીના પ્રથમ ડોઝ 9,18,177 અને બીજા ડોઝ 3,53,817 મળી કુલ 12,71,995 ડોઝ અપાયા છે.

યુવાનોમાં વેક્સિનેશનને લઇ ઉત્સાહ.
યુવાનોમાં વેક્સિનેશનને લઇ ઉત્સાહ.

74 ગામમાં 100 ટકા વેક્સિનેશન
રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ જિલ્લામા 74 ગામોની અંદર 100% વેક્સિનેશન કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં કુલ 11,64,376 લોકો રસીકરણ માટે પાત્રતા ધરાવે છે. જેમાં પ્રથમ ડોઝ ફ્રન્ટ લાઇન વર્કર 20,132, હેલ્થ વર્કર 11,698, તેમજ 18થી 44 વર્ષના 4,55,523 તથા 45થી 60 વર્ષના 2,31,538 અને 60 વર્ષથી ઉપરના 1,50,050 મળી કુલ 8,68,941 લોકોને આપવામાં આવતા 74 ટકા લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે. આ ઉપરાંત કુલ 2,32,942 લોકોને બીજો ડોઝ પણ અપાય ગયો છે.

અન્ય સમાચારો પણ છે...