રાજકોટ જામનગર રોડ પર ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે આજે દશમી આંતરરાષ્ટ્રીય અને પાંચમી ટી-20 મેચ રમાવા જઇ રહી છે. આ મેચમાં કાંટે કી ટક્કર સમાન મુકાબલો જોવા મળશે ત્યારે અગાઉના મેચની વાત કરવામાં આવે તો અહીંયાની પીચ બેટિંગ પીચ છે પરંતુ તેની સામે બોલરની વાત કરવામાં આવે તો અહીંયા ફાસ્ટ બોલર કરતા સ્પિન બોલરને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
સ્પીન બોલરોનું પ્રભુત્વ વધુ રહ્યું છે
રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર ટીમ ઈન્ડિયાએ ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકાનો સામનો કર્યો છે. અત્યાર સુધી રમાયેલી ચાર ટી-20 મેચમાં પાંચેય ટીમે મળીને 41 બોલરોને અજમાવ્યા છે જેમાં ફાસ્ટ-સ્પીન બન્ને બોલરોનો સમાવેશ થાય છે. આ 41 બોલરોએ મળીને કુલ 150.1 ઓવરના 901 બોલ ફેંક્યા છે જેમાં કુલ 1264 રન બન્યા છે તો આટલી ઓવર દરમિયાન 40 વિકેટનું પતન થયું છે. જેમાં પાંચ ટીમના કુલ 30 ફાસ્ટ બોલરોએ 93.2 ઓવરના 560 બોલ ફેંકીને 807 રન આપ્યા છે તો કુલ 25 વિકેટ પોતાના નામે કરી છે. જ્યારે 11 સ્પીન બોલરોએ 56.5 ઓવરમાં 341 બોલ ફષંકીને 457 રન આપીને 15 વિકેટ ખેડવી છે. એટલે રાજકોટની પીચ ઉપર ફાસ્ટ કરતાં સ્પીન બોલરોનું પ્રભુત્વ વધુ રહ્યું છે તેમ કહી શકાય.
બોલરો ભારતને જીત તરફ લઇ જઇ શકશે
આજની મેચમાં ભારતની ટીમ માટેનો પલ્સ પોઇન્ટ એ છે કે ખંઢેરી સ્ટેડિયમ પર ટોપ બોલર્સની યાદીમાં પ્રથમ નામ યૂઝવેન્દ્ર ચહલનું છે જે અત્યાર સુધી આ સ્ટેડિયમ પર કુલ 3 મેચ રમી ચુક્યા છે જેમાં કુલ 12 ઓવર ફેંકી છે અને 85 રન આપી કુલ 5 વિકેટ હાસિલ કરી છે. જયારે અક્ષર પટેલ ગુજ્જુ બોય હોવાથી આ પીચનો અનુભવ ધરાવે છે અને તેમનું પણ સારું પ્રદર્શન રહ્યું છે જેઓ આ સ્ટેડિયમ પર 2 મેચ રમી 6.5 ઓવરમાં 58 રન આપી એક વિકેટ મેળવી છે. ત્યારે આજની મેચમાં બન્ને બોલરો હોવાથી ભારતીય ટીમને ફાયદો થઇ શકે તેમ છે અને ટીમને જીતના ટર્નિંગ પોઇન્ટ તરફ લઇ જઇ શકે તેમ છે.
બોલિંગમાં પ્રતિસાદ મેળવી શકશે કે નહિ
રાજકોટમાં આજે રમાનાર મેચના ભારતીય ટીમના કેપ્ટન કમાન હાર્દિક પંડ્યાએ રાજકોટ સ્ટેડિયમ પર કુલ 2 ઓવર એટલે કે 12 બોલમાં 26 રન આપ્યા છે પરંતુ એક પણ વિકેટ મેળવી શક્યો નથી. જયારે બેટિંગની વાત કરવામાં આવે તો પાછલી દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં તેમને 3 ચોગ્ગા અને 3 છગ્ગા ની મદદથી 46 રન ફટકાર્યા હતા. ત્યારે આજની મેચમાં હાર્દિક પંડ્યા પોતાની કેપ્ટન ઇનિંગ સાથે ઓલરાઉન્ડર પ્રદર્શન બતાવી શ્રેણી કબ્જે કરવા યોગદાન આપશે કે પછી અગાઉની જેમ આજે પણ બોલિંગમાં પ્રતિસાદ મેળવી શકશે કે નહિ તે જોવું મહત્વનું રહેશે.
રવીન્દ્ર જાડેજા ન હોવાથી ચાહકો તેને જરૂર મીસ કરશે
રાજકોટમાં જ્યારે પણ મેચ રમાતી હોય ત્યારે અહીંના લોકો રવીન્દ્ર જાડેજાની રમત જોવા માટે આતૂર જ જણાતા હોય છે. જો કે રાજકોટના એસસીએ સ્ટેડિયમ ઉપર ભારતે રમેલી ચાર ટી-20 મેચમાંથી લોકલ બોય રવીન્દ્ર જાડેજા માત્ર એક જ ટી-20 મુકાબલો રમ્યો છે. રવીન્દ્ર જાડેજા રાજકોટના સ્ટેડિયમ પર ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં રમ્યો હતો. જેમાં તેણે ચાર ઓવરમાં માત્ર 23 રન આપી એક વિકેટ મેળવી હતી. આ પછી ટીમ ઈન્ડિયા અહીં ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ અને આફ્રિકા સામે રમી હતી જે ટીમમાં રવીન્દ્રનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો અને આજની શ્રીલંકા સામે ટી-20 મેચમાં પણ રવીન્દ્ર જાડેજા ન હોવાથી ચાહકો તેને જરૂર મીસ કરશે
ભારત-આફ્રિકા વચ્ચેની મેચમાં 27 ચોગ્ગા લાગ્યા હતા
રાજકોટમાં અત્યાર સુધી રમાયેલ ચાર ટી-20 મેચમાં કુલ 1318 રન બન્યા છે. આ દરમિયાન 129 ચોગ્ગા લાગ્યા છે તો 45 છગ્ગાનો વરસાદ વરસ્યો છે. અહીંના ટોપ સ્કોરર તરીકે ન્યુઝીલેન્ડના કોલિન મુનરોનું નામ આવે છે જેને ભારત સામે સાત ચોગ્ગા અને સાત છગ્ગા ફટકારી 109 રન બનાવ્યા છે. રાજકોટમાં એકમાત્ર સદી બની છે તે પણ કોલિન મુનરોના નામે છે. આ ઉપરાંત સૌથી વધુ 43 ચોગ્ગા અને 15 છગ્ગા ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટી-20 મેચમાં લાગ્યા છે. આવી રીતે ભારત-આફ્રિકા વચ્ચેની મેચમાં 27 ચોગ્ગા, 8 છગ્ગા, ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચમાં 30 ચોગ્ગા, 14 છગ્ગા, ભારત-બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં 29 ચોગ્ગા અને 8 છગ્ગાનો વરસાદ વરસ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.