તંત્રના દાવા પર પાણી:રાજકોટના 12500 ચોરસ મીટરના રસ્તા ધોવાયા, 5 મકાન, 6 બ્રિજ-નાળા, 42 ભૂગર્ભ ગટર અને 6 બગીચામાં નુકસાની

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાનામવા રોડ આંબેડકર નગરથી મોટામવા જવાતા વોંકળાં પર બેઠો પુલ આવેલ છે તે ભારે વરસાદમાં ધોવાઇ ગયો હતો. - Divya Bhaskar
નાનામવા રોડ આંબેડકર નગરથી મોટામવા જવાતા વોંકળાં પર બેઠો પુલ આવેલ છે તે ભારે વરસાદમાં ધોવાઇ ગયો હતો.
  • મવડી ગામના બ્રિજ પર વેરિંગ કોટ તૂટી ગયું, કુંભારવાડામાં મકાન તૂટી પડ્યું, 11 વૃક્ષ પડી ગયા, મવડી સ્મશાનની દીવાલ તૂટી
  • જે રોડ પર પેચવર્ક કર્યા હતા તેમાંથી મોટાભાગના તૂટી ગયા, ગેરંટીવાળા એક પણ રોડ તૂટ્યા ન હોવાનો મનપાના ઇજનેરનો દાવો
  • 2 સ્થળે પાણીની લાઇન, 3 સ્ટ્રીટલાઇટને નુકસાન, 11 વૃક્ષ તૂટી પડ્યા, તૂટેલા રોડનું રિપેરિંગ કરવા પેવિંગ બ્લોક ફિટ કરી કામ શરૂ

રાજકોટમાં સોમવારે પડેલા ભારે વરસાદના પગલે 12 મુખ્ય માર્ગો સહિત 80 જેટલા રસ્તામાં નુકસાની થઇ છે. નુકસાની અંગે મનપાના ઇજનેરોએ કરેલા પ્રાથમિક સરવેમાં 12500 ચોરસ મીટર રસ્તાઓમાં નુકસાની થઇ છે તેમજ 6 બ્રિજ-નાળા અને ક્લવર્ટ, 42 સ્થળે ભૂગર્ભ ગટર, સ્ટોર્મ વોટર લાઇન, 2 સ્થળે પાણીની લાઇન, 3 સ્ટ્રીટલાઇટ, 6 બગીચાઓમાં નાની મોટી નુકસાની થઇ છે તેમજ 11 સ્થળે વૃક્ષ પડી ગયા છે. કુંભારવાડામાં આવેલું એક મકાન તૂટી પડ્યું હતું. મનપાના ઇજનેરોના કહેવા મુજબ જે રોડ પર પેચવર્ક કર્યું હતું તે પેચવર્ક તૂટી ગયા છે એક પણ ગેરંટીવાળા રોડને નુકસાન થયું નથી. મવડીના સ્મશાનની દીવાલ તૂટી ગઇ છે અને સ્મશાનમાં પણ મોટું નુકસાન થયું છે.

મનપાના ઇજનેરોએ કરેલા પ્રાથમિક સરવેમાં ઈસ્ટઝોનમાં કુવાડવા રોડ, નવો જૂનો મોરબી રોડ, પેડક રોડ, સંતકબીર રોડ, વેકરિયા રોડ, કડવાભનુ રોડ, શ્રીનગર મણિનગર મેઈન રોડ, વ્રજભૂમિ માલધારી મેઈન રોડ, મંછાનગર, ચુનારાવાડ મેઈન રોડ, કોઠારિયા રોડ, સ્વાતિ 80 ફૂટ રોડ તેમજ સેન્ટ્રલ ઝોનમાં ગોંડલ ચોકડી, કોઠારિયા રોડ, મનહર પ્લોટ-10, હાથીખાના-2, કુંભારવાડા-9, ઘનશ્યામનગરથી નંદાહોલ, ગોંડલ રોડ, રાજકમલ પેટ્રોલ પંપ પાસે, રૂખડિયાપરા મેઈન રોડ, દાણાપીઠ મેઈન રોડ, મોચીબજાર મેઈન રોડ ઉપરાંત વેસ્ટ ઝોનમાં રામાપીર ચોકડીથી શીતલપાર્ક, રૈયાધાર રોડ, નાગેશ્વર મેઈન રોડ, વિદ્યાકુંજ રોડ, રાજનગર સોસાયટી, અનુપમા સોસાયટી, સહકારનગર, સૌરભ બંગલો મેઈન રોડ, રૈયા ગામથી બીજા રિંગ રોડ સુધીનો મેઈન રોડ, સાધુવાસવાણી રોડ, વિમલનગર મેઈન રોડ, રૈયા ચોકડીથી કે.કે.વી. ચોક, સ્પીડવેલ ચોકથી જેટકો ચોકડીથી વગડ ચોકડી મેઈન રોડ, ગોવિંદરત્ન આવાસવાળો રોડ, માયાણી આવાસ યોજનાવાળો રોડ, મવડી રોડ, પુનિતનગર, 80 ફૂટ રોડ, ગોકુલધામ, 150 ફૂટ રિંગ રોડ સહિતના રોડને નુકસાન થયું છે.

વાગુદડ સહિતના બગીચાને 80 લાખ રૂપિયાની નુકસાની
રાજકોટ મહાનગરપાલિકાના ગાર્ડન શાખાના ડાયરેક્ટર ડો.કે.ડી. હાપલિયાએ જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે વાગુદડ પાસેના બગીચાની 50થી 60 ફૂટની દીવાલ તૂટી ગઇ છે તેમજ મટિરિયલ્સ પાણીમાં તણાઇ ગયું છે. જુદા જુદા વિસ્તારમાં આવેલા બગીચાઓમાં પણ નાની મોટી નુકસાની થઇ છે જે અંદાજે 80 લાખ રૂપિયાથી વધુની છે.

જ્યાં રોડ તૂટી ગયા છે ત્યાં રિપેરિંગની સૂચના આપી છે
શહેરમાં ભારે વરસાદના કારણે 50થી વધુ રસ્તાઓને નુકસાન થયું હોવાનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે. આ ઉપરાંત હજુ પણ સરવે કરી જે વિસ્તારમાં રસ્તાઓને નુકસાન થયું છે ત્યાં ખાડાઓમાં મોરમ, મેટલ અને કપચી, પેવિંગ બ્લોક નાખવા સૂચના આપી છે. > પ્રદીપ ડવ, મેયર રાજકોટ

અન્ય સમાચારો પણ છે...