શહેરમાં સમયાંતરે તરખાટ મચાવતા તસ્કરોએ વધુ એક નિવૃત્ત અધિકારીના બંધ મકાનને નિશાન બનાવી લાખોની માલમતાનો હાથફેરો કરી ગયા છે. એરપોર્ટ રોડ, શ્રેયસ સોસાયટી 6-7માં રહેતા એસ.ટી.ના નિવૃત્ત અધિકારી જગદીશભાઇ જેઠાલાલ પંડ્યાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તારીખ 1ના રોજ પરિવારજનો સાથે મકાન બંધ કરી દ્વારકા દર્શને ગયા હતા. બે દિવસનું રોકાણ કર્યા બાદ તારીખ 3ની બપોરે પરત રાજકોટ આવ્યા હતા.
ઘરે પહોંચતા બંધ મકાનમાં લગાડેલા તાળાં તૂટેલા જોવા મળ્યા હતા. બાદમાં ઘરની અંદર જઇ તપાસ કરતા તમામ ચીજવસ્તુઓ વેરણછેરણ જોવા મળી હતી. કબાટ પણ ખુલ્લો નજરે પડ્યો હતો. જેથી કબાટમાં તપાસ કરતા અંદર રાખેલા રોકડા રૂ.10 હજાર તેમજ સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ રૂ.1,24,300ની મતા ગાયબ હતી. ઘરમાં ચોરી થઇ હોવાની શંકાએ તે દિવસે પોલીસમાં જાણ કરી અરજી આપી ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી, પરંતુ ચોરીના બનાવ અંગે કોઇ સગડ મળ્યા ન હતા.
અંતે ગ્રાંધીગ્રામ પોલીસે ફરિયાદ નોંધી પીએસઆઇ એમ.વી.લુવા સહિતના સ્ટાફે તપાસ શરૂ કરી છે. પોલીસે તસ્કરનું પગેરું મેળવવા સીસીટીવી તપાસવા તજવીજ હાથ ધરી છે. મુખ્ય દરવાજામાં બે તાળાં તેમજ એક ઇન્ટરલોક સહિત ત્રણ લોક લગાડ્યા હતા. જે ત્રણેય તસ્કરોએ તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો.
અન્ય બનાવમાં પાંચ વર્ષીય બાળકીનું ઝેરી જનાવર કરડી જવાથી મોત નીપજ્યું છે. તેમજ છ દિવસ પહેલા અકસ્માતમાં ઘવાયેલા આધેડે ચાલુ સારવારમાં દમ તોડ્યો છે. જામનગરના ખેંગારકા ગામે રહેતા બબલુભાઇ મંડેલ નામના યુવાનની 5 વર્ષની પુત્રી ખુશી તેના ઘરે હતી. ત્યારે તેને કોઇ ઝેરી જનાવર કરડી ગયું હતું. બનાવની પરિવારને ખબર પડતા ખુશીને પડધરી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલલાવ્યા હતા.
જ્યાં તેનું ચાલુ સારવારમાં મોત નીપજ્યું હતું. જ્યારે ગત તા.9ની સવારે બાઇક સ્લિપ થઇ જતા ગવરીદળ ગામે રહેતા લક્ષ્મણભાઇ સાકરિયા નામના આધેડને ગંભીર ઇજા થતા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં છ દિવસથી સારવાર કારગત નહિ નિવડતા લક્ષ્મણભાઇએ ચાલુ સારવારમાં દમ તોડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.