તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેવાનિયતની હદ:ગોંડલમાં મા-બાપ વગરની 12 વર્ષની સગીરા સાથે સો.મીડિયામાં સંપર્ક કર્યો, 3 શખસે અપહરણ કર્યું, એકે દુષ્કર્મ આચર્યું, બીજાએ અડપલાં કર્યાં

ગોંડલ10 દિવસ પહેલા
  • સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારી આશરે દોઢથી બે કલાક પછી છોડી

સોશિયલ મીડિયાનો ઉપયોગ થવાને બદલે દિવસે ને દિવસે દુરુપયોગ વધી રહ્યો છે. સૌશિયલ મીડિયાના દુરુપયોગથી અનેકની જિંદગી અને આબરૂ સાથે રમત રમાય છે. આવો જ એક કિસ્સો ગોંડલના મોવિયા ગામમાં બન્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ગોંડલ તાલુકાના મોવિયા ગામની માત્ર બાર વર્ષની સગીરાના સંપર્કમાં આવેલા શખસે અન્ય બે શખસની મદદથી અપહરણ કરી ગોંડલ લઈ ગયો હતો. અહીં એકે દુષ્કર્મ આચર્યું હતું અને બીજાએ અડપલાં કર્યાં હતાં. આ અંગેની પોલીસ ફરિયાદ ગોંડલ પોલીસમાં નોંધાઇ છે. દુષ્કર્મ આચરનાર શખસના સાથીદારે સગીરા સાથે અડપલાં કરી હેવાનિયતની હદ વટાવી હતી.

સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાનો સંપર્ક કર્યો
પ્રાપ્ત વિગત મુજબ, ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતી માતા-પિતા વિનાની સગીરાના સોશિયલ મીડિયાના માધ્યમથી ગોંડલનો વિરાજ ઉર્ફે વિરુ પરેશભાઈ ગોસ્વામી (રહે. આસોપાલવ સોસાયટી) સંપર્કમાં આવ્યો હતો. તેના બે મિત્રો અક્ષય કિશોરભાઈ સોલંકી (રહે. 31 ભોજરાજપરા, પારસ રેસિડેન્સી) અને અવિ મુકેશભાઈ સોલંકી (રહે. આસોપાલવ પાર્ક)એ અપહરણ કર્યું હતું.

પોલીસે ત્રણેય શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
બાદમાં વિરાજે માત્ર બાર વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરી હેવાનિયતની હદ વટાવી દીધી હતી. હેવાનિયત આટલેથી અટકતી ન હોય તેમ અક્ષય સોલંકીએ સગીરા સાથે અડપલાં કર્યા હતા, જ્યારે અવિ સોલંકીએ અપહરણ કરવામાં પોતાની કારનો ઉપયોગ કર્યો હતો. ફરિયાદ બાદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 363, 366, 376, 354 (A), 114, પોક્સો કલમ 4, 8, 17 મુજબ ગુનો નોંધી પીએસઆઇ એમ.જે. પરમાર આરોપીઓને ઝડપવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

દુષ્કર્મ આચર્યા બાદ સગીરાને પાંજરાપોળ પાસે છોડી દીધી
આરોપી વિરાજ ગોસ્વામી ગોંડલ પાંજરાપોળ પાસે મહાકાળી પાન નામે દુકાન ચલાવે છે, અવિ સોલંકી ગોંડલ ચોરડી દરવાજા પાસે સહકાર પાન દુકાન ચલાવે છે, જ્યારે અક્ષય એફ.વાય.બી.કોમનો અભ્યાસ કરી રહ્યો છે.
આરોપીઓએ સગીરાનું સવારના સમયે અપહરણ કર્યા બાદ દુષ્કર્મ ગુજારી આશરે દોઢથી બે કલાક પછી પાંજરાપોળ ખાતે ઉતારી દીધી હતી. બાદમાં સગીરા બસ દ્વારા પોતાના ઘરે પહોંચી હતી અને સઘળી હકીકત કાકાને જણાવતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ગોંડલ પોલીસે આરોપીને શોધવા તજવીજ હાથ ધરી.
ગોંડલ પોલીસે આરોપીને શોધવા તજવીજ હાથ ધરી.

4 મહિના પહેલાં રાજકોટમાં 6 વર્ષની બાળા પર દુષ્કર્મની ઘટના બની હતી
4 મહિના પહેલાં રાજકોટના કુવાડવા પાસે આવેલા એરપોર્ટ પોલીસ મથક હેઠળના બારવણ ગામમાં 6 વર્ષની બાળાને 20 વર્ષના નરાધમે પીંખી નાખ્યાની ઘટના સામે આવી હતી. મૂળ રાજસ્થાનના ભીલવાડા ગામના 20 વર્ષીય રામલાલે બોર ખાવાના બહાને બોલવી 6 વર્ષની બાળાનો દેહ પીંખી નાખ્યો હતો. બાદમાં ઘરે આવેલી બાળા ધ્રુસકે ધ્રુસકે રડી હતી. પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવતાં એરપોર્ટ પોલીસે હવસખોર રામલાલની ધરપડક કરી જેલહવાલે કર્યો હતો.

રમતી બાળા પર નજર પડતાં નરાધમની દાનત બગડી હતી
નરાધમ બાળાને અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો. રાજસ્થાનના ભીલવાડા ગામનો રામલાલ બાબુજી ખદેરા નામનો શખસ પોતાના ગામના કોન્ટ્રેક્ટર મારફત બારવણ ગામમાં કૂવા ખોદવાની મજૂરી કામ કરવા માટે આવ્યો હતો. બપોરે રામલાલ સાથે કામ કરતા મજૂરો જમવાનો બ્રેક પડતાં જમવા ગયા હતા ત્યારે બાજુમાં રમી રહેલી 6 વર્ષની બાળાને જોઇને આરોપી રામલાલની દાનત બગડી હતી અને બાળા પાસે જઇ ફોસલાવીને બોર ખવડાવવાના બહાને અવાવરૂ જગ્યાએ લઇ જઈને બાળાને પીંખી નાખી હતી.

રાજકોટ પોલીસે આરોપી રામલાલની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો.
રાજકોટ પોલીસે આરોપી રામલાલની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો.

બાળા ધ્રુસકે ધ્રુસકે રડતાં રડતાં પરિવાર પાસે ગઇ હતી
દુષ્કર્મ આચરીને રામલાલ ત્યાંથી નાસી જતાં બાળા ધ્રુસકે ધ્રુસકે રડતી રડતી પરિવાર પાસે આવી હતી. રડતા રડતા બાળાએ પોતાની કાલીઘેલી ભાષામાં વાત કરતાં તેની સાથે કંઇક ખોટું થયાનું જણાવ્યું હતું, આથી પરિવારે તેના નામની પૂછપરછ કરતાં મજૂર રામલાલે બાળાને દુષ્કર્મનો ભોગ બનાવ્યાનું સામે આવતાં સૌ ચોંકી ગયા હતાં. બાદમાં પરિવારજનોએ તરત જ એરપોર્ટ પોલીસને જાણ કરી હતી. આ મુદ્દે પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે રામલાલ વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(હિમાંશુ પુરોહિત, દેવાંગ ભોજાણી, ગોંડલ)