ચોટીલાના પિયાવા ગામની ગોળાઇ પાસે મેટાડોરે બાઇકને ઉલાળતાં ચોટીલાના યુવક અને તેના બે પુત્રને ઇજા થઇ હતી, ગંભીર રીતે ઘવાયેલા 12 વર્ષના બાળકનું રાજકોટ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. ભાડલા માતાજીના દર્શન કરીને યુવક તથા તેના પુત્રો પરત આવતા હતા ત્યારે મેટાડોર કાળ બનીને ત્રાટક્યું હતું.
ચોટીલામાં રહેતા હેમતભાઇ મેઘાભાઇ જાદવ (ઉ.વ.36) તેના બે પુત્ર અભય (ઉ.વ.12) અને માનવ (ઉ.વ.10)ને બાઇકમાં લઇ ભાડલા ગામે ગેલ માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા અને મંદિરે દર્શન કરી બાઇક પર ત્રણેય પિતા-પુત્ર ચોટીલા પરત આવવા નીકળ્યા હતા, ચોટીલાના પિયાવા ગામની ગોળાઇ પાસે પહોંચ્યા હતા ત્યારે વિસામો ખાવા હેમતભાઇએ બાઇક ઊભું રાખ્યું હતું, તેમના બંને પુત્ર બાઇક પર બેઠા હતા અને હેમતભાઇ બાઇક પાસે ઊભા હતા ત્યારે મેટાડોર પુરપાટ ઝડપે ધસી આવ્યું હતું અને બાઇક સહિત ત્રણેય પિતા પુત્રને ઉલાળ્યા હતા, બેકાબૂ બનેલા મેટાડોરે નજીકમાં રહેલા અન્ય એક બાઇકને પણ ઠોકર મારી હતી.
મેટાડોરની ઠોકરથી ઘવાયેલા ત્રણેય પિતા પુત્રને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર રીતે ઘવાયેલા અભય (ઉ.વ.12)નું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ચોટીલા પોલીસ દોડી આવી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અભય બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો અને છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો હતો. મંદિરે દર્શન કરીને પરત આવતી વખતે સર્જાયેલા અકસ્માતમાં વહાલસોયા પુત્રનાં મોતથી જાદવ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.