તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાગદડી મહંત આપઘાત કેસ:12 દિવસે પણ પોલીસનું એક જ રટણ- આરોપી શોધીએ છીએ, સરકારી વકીલ સહિત 5 આરોપીને રાજકીય વગ, પોલીસ કોના પ્રેશરમાં?

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી વકીલ ભાજપના વગદાર નેતા સાથે સંકળાયેલો હોવાની વાત જગજાહેર

રાજકોટના મોરબી રોડ પર આવેલા કાગદડી ગામના પાટિયા પાસે ખોડિયર આશ્રમના મહંત જયરામદાસ બાપુ આપઘાત કેસમાં ફરિયાદ નોંધાયાને આજે 12 દિવસ થયા છે, પરંતુ પોલીસ હજી સુધી એકપણ આરોપી સુધી પહોંચી નથી. આરોપીઓને પકડવા માટે પોલીસની ચાર-ચાર ટીમ દોડી રહી છે, પણ એકપણ આરોપી હાથ લાગ્યો નથી. પોલીસ એક જ રટણ કરી રહી છે કે આરોપીઓ શોધીએ છીએ. સરકારી વકીલ રક્ષિત કલોલા પર રાજકીય મોટા નેતાનો હાથ હોવાનું ખુલ્લેઆમ ચર્ચાય રહ્યું છે. ભલભલા આરોપીને પોલીસ જો શોધી શકતી હોય તો પ્રતિષ્ઠિત સરકારી વકીલ અને નામાંકિત ડોક્ટર નિલેશ નિમાવત પોલીસ પકડથી કેમ દૂર એ પણ એક મોટો સવાલ ઊઠ્યો છે.

આવતીકાલે ડોક્ટરની આગોતરા જામીનની સુનાવણી
પોલીસે જાણે પૂરતો સમય આપ્યો હોય એ રીતે આરોપી ખુલ્લેઆમ પોતાને બચાવવા મહેનત કરી રહ્યાં છે. કોર્ટનો સહારો લઈ આગોતરા જામીનની તૈયારી પણ કરી રહ્યા છે. બોગસ ડેથ સર્ટિફિકેટ બનાવનાર ડો.નિલેશ નિમાવતે તો કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે, જેની સુનાવણી આવતીકાલે શનિવારે છે. પોલીસ જે શકમંદ મળે છે તેને આરોપી માનતી નથી અને નિવેદનો લઇ જવા દે છે. આપત્તિજનક વીડિયોમાં મહંત સાથે દેખાતી યુવતી શું આરોપી ન કહેવાય એવો સવાલ પણ ઊઠ્યો છે. આ યુવતીનું નિવેદન લઈ તેને જવા દીધી હતી.

રાજકીય વગનો ઉપયોગ
સરકારી વકીલ ભાજપના વગદાર નેતા સાથે સંકળાયેલો હોવાની વાત જગજાહેર છે. આ કિસ્સામાં છાનેખૂણે રાજકીય વગનો પણ ઉપયોગ થયો હોવાની ચર્ચા થઇ રહી છે. રાજકીય વગના ઉપયોગથી એકપણ આરોપી સુધી પોલીસ પહોંચી શકી નથી એવી પણ આધારભૂત સૂત્રો પાસેથી માહિતી મળી છે.

આરોપી હિતેશ અને અલ્પેશ.
આરોપી હિતેશ અને અલ્પેશ.

આરોપીઓને બચાવવા પોલીસ મથામણ કરી રહ્યાનું ચિત્ર
કાગદડીના ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસે ગત તા.1ના આશ્રમમાં ઝેરી ટીકડા પી આપઘાત કરી લીધો હતો. પોલીસે આ મામલામાં આશ્રમના ટ્રસ્ટી રામજી લીંબાસિયાની ફરિયાદ પરથી જે-તે સમયે અલ્પેશ પ્રતાપ સોલંકી, હિતેશ લખમણ જાદવ અને વિક્રમ સોહલા સામે ગુનો નોંધ્યો હતો, આરોપીઓએ કાવતરું રચી મહંતને આપઘાત માટે મજબૂર કરવામાં એડવોકેટ રક્ષિત કલોલા અને દેવ હોસ્પિટલના ડો.નિલેશ નિમાવતનો પણ આરોપી તરીકે ઉમેરો કર્યો હતો. મહંતે આપઘાત કર્યા બાદ ગુનો નોંધાયો ત્યાં સુધી તો પોલીસની ભૂમિકા શંકાસ્પદ રહી જ હતી, પરંતુ ત્યાર બાદ આરોપીઓને બચાવવા પોલીસ મથામણ કરી રહ્યાનું ચિત્ર ઊપસી રહ્યું છે.

પોલીસની 4 ટીમ કામે લાગી છતાં આરોપીઓનું લોકેશન મળતું નથી
બીજી તરફ, મહંતને આપઘાતની ફરજ પાડવાના આરોપી તેનો ભત્રીજો અલ્પેશ, તેનો બનેવી હિતેશ અને રાજકોટનો વિક્રમ સોહલા હજી ફરાર છે. પુરાવાનો નાશ કરવાના આરોપી એડવોકેટ રક્ષિત કલોલા પણ ફરાર છે. ક્રાઈમ બ્રાન્ચની બે-બે ટીમ કામ કરતી હોવા છતાં આ તમામ આરોપીઓનાં કોઈ લોકેશન મળતાં નથી. આ બાબત પણ હવે શંકાસ્પદ અને અનેક પ્રશ્નો ઉઠાવનાર બની રહી છે. પોલીસ સૂત્રોએ આજે પણ તમામ આરોપીઓની કોઈ ભાળ નહીં મળી રહ્યાની કેસેટ વગાડી હતી. આ સ્થિતિમાં ખરેખર પોલીસ આરોપીઓને પકડી શકતી નથી કે પછી તેની દાનતમાં ખોટ છે એ સંબંધે તરહ તરહની ચર્ચાઓ હવે શરૂ થઈ ગઈ છે.

આરોપી વિક્રમ સોહલા.
આરોપી વિક્રમ સોહલા.

ત્રણ વાહન મળ્યાં, પણ આરોપીનો પત્તો નથી
આરોપી અલ્પેશ અને હિતેશે મહંતને બ્લેકમેઈલિંગ કરી પડાવેલા પૈસામાંથી ખરીદેલાં ત્રણ વાહનો તો પોલીસને મળી ગયાં છે, પરંતુ આરોપી મળતા નથી એ બાબત પણ આશ્ચર્યજનક ગણાવાય રહી છે. જોકે મહંતનું ખોટું ડેથ સર્ટિફિકેટ બનાવવામાં જેની ભૂમિકા હતી તે બે તબીબોને આરોપી બનાવવા બાબતે પોલીસ અવઢવમાં છે. જયરામદાસ બાપુના મૃત્યુને 15 દિવસ થયા અને ફરિયાદ નોંધાયાને પણ એક સપ્તાહથી વધુ સમય થઇ ગયો છે છતાં પણ પોલીસ આરોપીઓને પકડી શકી નથી. હાલમાં પોલીસ માત્ર નિવેદન નોંધી આરોપીઓને પકડી પાડવા 4 ટીમ કામે લાગી હોવાની અને તપાસ ચાલુ હોવાના બણગા ફૂંકી રહી છે.

જયરામદાસ બાપુએ 1 જૂને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
જયરામદાસ બાપુએ 1 જૂને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

કુલ 3 ટ્રસ્ટી સહિત 5 આરોપીને પોલીસ શોધી રહી છે
રાજકોટ પોલીસ દ્વારા પાંચ આરોપીને શોધી રહી છે, જેમાં મહંતનો ભત્રીજો અને ટ્રસ્ટી અલ્પેશ, જમાઇ અને ટ્રસ્ટી હિતેશ જાદવ, ટ્રસ્ટી વિક્રમ સોહલા, દેવ હોસ્પિટલનો ડોક્ટર નિલેશ નિમાવત અને એડવોકેટ રક્ષિત કોલોલાનો સમાવેશ થાય છે. આરોપી સામે ફરિયાદ દાખલ કરતાં અત્યારસુધી કુલ 3 ટ્રસ્ટી સહિત 5 આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગઇકાલે પોલીસે આશ્રમના ટ્રસ્ટી અને વ્યવસાયે એડવોકેટ રક્ષિત કલોલા અને બાપુના અનુયાયી ડોક્ટર નિલેશ નિમાવત સામે પુરાવા નાશ કરવા, કાવતરું રચવા અને બોગસ ડેથ સર્ટિફિકેટ બનાવવા આધારે IPC કલમ 120 (બી), 465, 477 અને 201 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...