પેટાચૂંટણી માટે મુરતિયાઓની શોધ શરૂ:જિલ્લા પંચાયતની બે બેઠક માટે ભાજપમાંથી 12 દાવેદાર

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિવરાજપુરમાં કોળી અને સાણથલીમાં પાટીદાર ઉમેદવારને ભાજપ તક આપશે

રાજકોટ જિલ્લા પંચાયતની ખાલી પડેલી બે બેઠક પર પેટાચૂંટણીનો સંગ્રામ જામ્યો છે. એક ભાજપ અને એક કોંગ્રેસ પાસે રહેલી બેઠક પોતાના કબજે કરવા બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ત્યારે ભાજપમાંથી ટિકિટ માટે શિવરાજપુર બેઠક પરથી 9 નામ અને સાણથલી બેઠક પરથી 3 નામ આવ્યા છે. જિલ્લા પંચાયતની 36 બેઠકમાંથી 25 ભાજપ અને 11 કોંગ્રેસ પાસે છે. જેમાંથી બે સભ્યનું કોરોનાની બીજી લહેરમાં અવસાન થતાં બે બેઠક ખાલી પડી છે. બન્ને બેઠક જસદણ તાલુકાની છે.

જેમાં કોંગ્રેસ પાસે રહેલ શિવરાજપુર અને ભાજપ પાસે રહેલ સાણથલી બેઠક ખાલી છે. અહીં 3 ઓક્ટોબરે ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ માટે બન્ને પક્ષે મુરતિયાઓની શોધ શરૂ કરી દીધી છે. ત્યારે ભાજપમાંથી શિવરાજપુર બેઠક પરથી ટિકિટ માટે 9 નામ આવ્યા છે.

જોકે અહીં કોઈપણ કોળી ઉમેદવારને મેદાને ઉતારશે એ વાત નક્કી છે. બીજી તરફ પાટીદારોની ગઢ ગણાતી સાણથલી બેઠક પરથી 3 નામ આવ્યા છે. જેમાં મંજુલાબેન રામાણી, રમેશ વેકરિયા અને નિલેશ સાકરિયાનું નામ આવ્યું છે. જોકે અહીં રમેશ વેકરિયાના પરિવારમાંથી કોઈને ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા છે. બીજી તરફ આ બન્ને બેઠક જીતવા માટે ભાજપ- કોંગ્રેસે ગ્રામ્ય વિસ્તારમાં બેઠકો પણ શરૂ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...