સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં આજે મગફળીની આવક શરૂ કરાતા જ વધુ 1.15 લાખ મગફળીની ગુણીની આવક થઈ હતી. મગફળીની પુષ્કળ આવક છતા ભાવ ઘટવાને બદલે વધ્યા છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મગફળીની સાથોસાથ કપાસના ભાવો પણ સારા મળતા કપાસ પકવતા ખેડૂતો પણ ખુશખુશાલ છે.
1450થી વધુ વાહનમાં મગફળીની આવક થઈ રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં આજે મગફળીની આવક શરૂ કરાતા 1450થી વધુ વાહનોમાં 1.15 લાખ મગફળીની ગુણીની આવક નોંધાઇ છે. મગફળી ભરેલા વાહનોની ઉતરાઇમાં કોઇ અવ્યવસ્થા ન સર્જાઇ તે માટે યાર્ડના ચેરમેન જયેશ બોઘરા તથા તમામ ડિરેક્ટરોએ અને યાર્ડના કર્મચારીઓ હાજર રહી સંકલનથી તમામ મગફળી ભરેલા વાહનોની ઉતરાઇ કરાવી હતી. મગફળીની જંગી આવક છતા મગફળીના ભાવો ઘટવાને બદલે આજે ભાવ વધ્યા છે.
એક મણના ભાવમાં 10થી 20 રૂપિયાનો ઉછાળો
મગફળી એક મણના ભાવમાં 10થી 20 રૂપીયાનો ઉછાળો આવ્યો છે. જેમાં મગફળી જીણી એક મણના ભાવ 1090થી 1270 રૂપિયા, મગફળી જાડી એક મણના ભાવ 1120થી 1155 રૂપિયાના ભાવે સોદા પડ્યા હતા. મીલ ડિલિવરીમાં મગફળી જીણીના ભાવ 1100થી 1250 રૂપિયા અને મગફળી જાડીના 1150થી 1350 રૂપિયા ભાવ બોલાયા હતા. યાર્ડના સંચાલકો દ્વારા હાલ નવી મગફળીની આવક બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ રખાઇ છે.
તલના ભાવમાં 50થી 100 રૂપિયાનું ગાબડું
જ્યારે બીજી તરફ યાર્ડમાં આજે કપાસની 2600 ક્વીન્ટલની આવક થવા પામી હતી. કપાસ એક મણના ભાવ 1810 થી 1910 રૂપિયાના ભાવે સોદા પડ્યા હતા. કપાસના ભાવ સારા મળતા ખેડૂતો રાજી રાજી છે. કપાસ, મગફળીની સાથે સફેદ તલના ભાવોમાં રેકર્ડબ્રેક ભાવ વધારો થયા બાદ 50થી 100 રૂપિયાનું ગાબડું પડ્યું હતું. સફેદ તલ એક મણના ભાવ 2850થી 3290 રૂપિયાના ભાવે સોદા પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે બે દિવસ પુર્વે સફેદ તલ 3621 રૂપીયાના વિક્રમજનક ભાવે સોદા પડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.