સૌરાષ્ટ્રમાં પીજીવીસીએલ દ્વારા આજે સતત ત્રીજા દિવસે પાવર ચોરી પકડવાની ઝુંબેશ યથાવત રાખવામાં આવી છે. જેમાં રાજકોટ ગ્રામ્ય, જામનગર અને સુરેન્દ્રનગર મળી 45 જેટલા ગામડામાં 112 ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગઈકાલે પણ આ 3 રેન્જની અંદર દરોડા કામગીરી કરી 1 કરોડની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.
આજે પણ મોટી વીજચોરી પકડાઇ તેવી સંભાવના
નવા વર્ષની શરૂઆતથી જ PGVCL દ્વારા વીજચોરી અટકાવવા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આજે સતત ત્રીજા દિવસે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રમાં વીજચેકિંગ પ્રક્રિયા ચાલુ છે. જેમાં રાજકોટ ગ્રામ્ય અંતર્ગત જસદણ અને વીંછિયા ડિવિઝન હેઠળના 16 ગામ, સુરેન્દ્રનગર સર્કલના 15 ગામ અને જામનગર સર્કલ હેઠળના 14 ગામ મળી કુલ 45 ગામોની અંદર 112 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આજે ત્રીજા દિવસે પણ મોટી માત્રામાં વીજચોરી પકડાય તેવી શક્યતા સેવાય રહી છે.
ગઇકાલે પણ દોરોડા પાડવામાં આવ્યા હતા
ગઇકાલે બીજા દિવસે ચેકિંગ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી, નાના ચોટીલા અને વઢવાણ સબ ડિવિઝન હેઠળનાં વિસ્તારોમાં 468 વીજ જોડાણો ચેક કરવામાં આવતા 49માં પાવર ચોરી પકડાતા રૂ.61.50 લાખનાં બિલ ફટકારવામાં આવ્યા હતા. જ્યારે જામનગર શહેરનાં પટેલ કોલોની, દરબારગઢ સહિતનાં વિસ્તારોમાં 34 ટીમો દ્વારા 469 વીજજોડાણો ચેક કરવામાં આવતા 88માં વીજચોરી પકડાતા રૂ.26.40 લાખના બિલ આપવામાં આવ્યા હતા. આ જ રીતે ગોંડલ સબ ડિવિઝન હેઠળ કોટડાસાંગાણી, વાસાવડ સહિતનાં વિસ્તારોમાં 26 ટીમો દ્વારા 617 વીજ જોડાણો ચેક કરવામાં આવતા 75માં પાવર ચોરી પકડાતા 12.75 લાખનાં બિલો અપાયા હતા.
8 મહિનામાં 131 કરોડની પાવર ચોરી પકડાઈ
સૌરાષ્ટ્રભરમાં પીજીવીસીએલ દ્વારા એપ્રિલ 2022થી નવેમ્બર 2022 સુધીમાં 49,988 વીજ કનેક્શનમાં થતી ગેરરીતિ ઝડપી લઇ 131 કરોડ 78 લાખ 90 હજારની વીજચોરી ઝડપી લેવામાં આવી હતી. જેમાં રાજકોટ શહેરમાં 12.30 કરોડ, રાજકોટ ગ્રામ્યમાં 15.18 કરોડ, મોરબીમાં 9.37 કરોડ, પોરબંદરમાં 9.61 કરોડ, જામનગરમાં 15.84 કરોડ, ભુજમાં 5.35 કરોડ, અંજારમાં 9.62 કરોડ, જૂનાગઢમાં 8.89 કરોડ, અમરેલીમાં 12.17 કરોડ, બોટાદમાં 6.13 કરોડ, ભાવનગરમાં 18.21 કરોડ અને સુરેન્દ્રનગરમાં 9.06 કરોડની વીજચોરી ઝડપાઈ હતી.
વીજચોરી અટકાવવા માટે મોટાપાયે ચેકિંગ કરાશે
ઉલ્લેખનીય છે કે અધિકારીઓના મળેલા સેમિનારમાં ઉચ્ચ અધિકારીઓએ આગામી દિવસોમાં વીજચોરી અટકાવવા માટે મોટાપાયે ચેકિંગ હાથ ધરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. શિયાળાની ઋતુ દરમિયાન કારખાનાઓ, રેસ્ટોરન્ટ, ફાર્મ હાઉસ, ઈન્ડસ્ટ્રીઝ સહિત અનેક વિસ્તારોમાં પાવરચોરીનું દૂષણ વધતું હોવાથી આ વિસ્તારોમાં સઘન ચેકિંગ શરૂ કરવામાં આવનાર હોવાનું પણ સામે આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.