લગ્નગાળો પૂરબહારમાં:રાજકોટમાં બ્યુટીપાર્લરમાં 11,000થી 1,10,000 સુધીનું પેકેજ, મંડપ સર્વિસમાં 10% ભાવવધારો, પ્રી-વેડિંગનો ક્રેઝ વધ્યો, હોલ-પાર્ટીપ્લોટ માર્ચ સુધી ફુલ

રાજકોટ11 દિવસ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
રાજકોટમાં રોજ એક બ્યુટીપાર્લરમાં 4 જેટલી દુલ્હન તૈયાર કરવામાં આવે છે.
  • શહેરમાં રોજ એક બ્યુટીપાર્લરમાં 3થી 4 દુલ્હન અને સાથે 10 કો-બ્રાઇડલને તૈયાર થાય છે
  • ડીજેમાં કોઈ ભાવવધારો નહીં, ફેબ્રુઆરી સુધીમાં અંદાજે 60થી 70 ટકા બુકિંગ થઈ ચૂક્યાં છે

કોરોનાને કારણે છેલ્લા 2 વર્ષથી લગ્નગાળો પણ ફિક્કો પડી ગયો હતો, પરંતુ કોરોના હળવો પડતાં આ વર્ષે દિવાળી બાદ લગ્નની મોસમ બરાબરની ખીલી છે. બ્યુટીપાર્લરમાં 40 ટકા ભાવવધારો થયો છે. એક દુલ્હનને તૈયાર કરવાનું પેકેજ 11000થી માંડીને 1,10,000 સુધીનું છે. મંડપ સર્વિસની વાત કરીએ તો એમાં પણ 10 ટકાનો ભાવવધારો જોવા મળી રહ્યો છે. ડીજેના પેકેજમાં આ વર્ષે કોઈ ભાવવધારો કરવામાં આવ્યો નથી. ડીજેનું પેકેજ 35,000થી 40,000 છે. પ્રી-વેડિંગ અને ફોટોગ્રાફરનું પેકેજ 40 હજારથી અઢી લાખ સુધીનું છે. લગ્ન માટે હોલ, પાર્ટીપ્લોટ અને હોટલમાં માર્ચ મહિના સુધીનું બુકિંગ થઇ ગયું છે.

એક બ્યુટીપાર્લરમાં રોજ 3થી 4 દુલ્હન તૈયાર થાય છે
હોટલમાં લગ્નનાં બુકિંગમાં 20 ટકા વધારો નોંધાયો છે. મંડપ સર્વિસના કોન્ટ્રેક્ટમાં 60થી 80 ટકા જેટલો વધારો નોંધાયો છે, સાથે જ કેટરર્સની પણ ખૂબ માગ છે. લગ્નમાં લોકોની મર્યાદા વધતાં જમણવારની ડિશ વધી છે. તો કપલ્સમાં પ્રી-વેડિંગ, ફોટો શૂટિંગનો ક્રેઝ વધતાં ફોટોગ્રાફર લગ્નની સીઝન શરૂ થતાં પહેલાં જ કામે લાગી ગયા છે. બ્યુટીપાર્લરમાં પણ ભીડ જોવા મળી રહી છે. બ્રાઇડલ સાથે કો-બ્રાઇડલના બુકિંગ ખૂબ વધુ છે. એક બ્યુટીપાર્લરમાં રોજ 3થી 4 દુલ્હન તૈયાર થાય છે, તેની સાથે 10 કો-બ્રાઇડલને તૈયાર કરવામાં આવે છે.

બ્યુટીપાર્લર ચલાવતી માધવી રાઠોડ અને તેની ટીમ.
બ્યુટીપાર્લર ચલાવતી માધવી રાઠોડ અને તેની ટીમ.

બ્યુટીપાર્લરમાં ડિસેમ્બર સુધી બુકિંગ ફુલ
રાજકોટમાં બ્યુટીપાર્લર ચલાવતી માધવી રાઠોડે જણાવ્યું હતું કે હાલમાં બ્યુટીપાર્લરનાં બુકિંગમાં 40 ટકા જેટલો વધારો થયો છે. રોજ 2થી 3 દુલ્હન બુકિંગની સાથે 10 કો-બ્રાઇડલનાં બુકિંગ હોય છે. જોકે આમ છતાં ભાવમાં કોઈ વધારો કરાયો નથી. હાલ દુલ્હનના પેકેજ રૂ.11000થી રૂા. 1,10,000 સુધીના, તો કો-બ્રાઇડલના રૂા.1000થી રૂા.5000 સુધીના છે. અત્યારે ઇન્ડો-વેસ્ટર્નનો ક્રેઝ વધુ છે. ખાસ કરી કોસ્યૂમની ડિઝાઇનને ધ્યાનમાં રાખી મેકઅપ કરવામાં આવે છે. હાલ ડિસેમ્બર સુધી બુકિંગ ફુલ થઈ ગયું છે.

હોલ-પાર્ટીપ્લોટનાં બુકિંગ માર્ચ મહિના સુધી થઈ ચૂક્યાં છે.
હોલ-પાર્ટીપ્લોટનાં બુકિંગ માર્ચ મહિના સુધી થઈ ચૂક્યાં છે.

મંડપ સર્વિસના ભાવમાં 10 ટકાનો વધારો છતાં બુકિંગ
ફુલવેલનાથ મંડપ સર્વિસના દામજીભાઈએ જણાવ્યું હતું કે હાલ લગ્નની સીઝન પ્રમાણમાં ઘણી સારી છે. છેલ્લાં બે વર્ષ કોરોનાને કારણે વેપાર ઠપ થઈ ગયા હતા. જોકે આ વર્ષે કોરોનાનો કહેર ઘટતા બે-ત્રણ મહિના અગાઉ જ બુકિંગ થવા લાગ્યાં હતાં. ડીઝલના ભાવવધારાને લઈ મંડપ સર્વિસના ધંધાર્થીઓને ભાવમાં 10 ટકા વધારો કરવાની ફરજ પડી છે. જોકે લોકોમાં ભાવવધારાને લઈને કોઈ ચિંતા જોવા મળતી નથી. હાલ લોકો કમૂરતાં પછીનાં બુકિંગ પણ કરાવી રહ્યાં છે.

ડીજેમાં આ વર્ષે કોઈ ભાવવધારો કરાયો નથી.
ડીજેમાં આ વર્ષે કોઈ ભાવવધારો કરાયો નથી.

ડીજે માટે ફેબ્રુઆરી સુધીમાં 70% બુકિંગ થયાં
આધુનિક સમયમાં લગ્ન ડી.જે. વગર અધૂરા ગણાય છે. હવે લગ્નની સીઝન શરૂ થઇ ચૂકી હોવાથી ડી.જે. અને સાઉન્ડ સિસ્ટમના તા.15 નવેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધીના બુકિંગ થઇ ગયાં છે. જે. કે. સાઉન્ડના સાહિલ જોધપુરાએ જણાવ્યું હતું કે આ વર્ષે મોટા પ્રમાણમાં લગ્ન હોવાથી લગ્નની તમામ તારીખો ફુલ જાય છે. રોજના 2થી 3 બુકિંગ છે. ફેબ્રુઆરી સુધીમાં અંદાજે 60થી 70 ટકા બુકિંગ થઇ ચૂક્યાં છે. હાલ ડીજેના પેકેજમાં કોઇ ભાવવધારો કરાયો નથી. અત્યારે રૂ.5000થી રૂ.25000 સુધીના બુકિંગ થઇ રહ્યા છે, જેમાં ફુલેકુ, લાઇવ દાંડિયા જેવી ઇવેન્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ડીજે સાથે કલાકારો કાર્યક્રમમાં હાજર રહે એ માટેના ખાસ બુકિંગ થાય છે, જેનું પેકેજ રૂા.35000થી 40000 છે.

ફુલવેલનાથ મંડપ સર્વિસના દામજીભાઈ.
ફુલવેલનાથ મંડપ સર્વિસના દામજીભાઈ.

પ્રી-વેડિંગ અને ફોટો-વીડિયોગ્રાફીમાં 40 હજારથી 2,50,000 સુધીનું પેકેજ
હાલ પ્રી-વેડિંગ, ફોટો-વીડિયોગ્રાફીનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. લગભગ 70 ટકાથી વધુ લગ્નોમાં પ્રી-વેડિંગ શૂટિંગ કરાવાઇ રહ્યું છે. ફોટોગ્રાફર મુકેશભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે છેલ્લાં 2થી 3 વર્ષથી પ્રી-વેડિંગ ફોટોશૂટનો ક્રેઝ ખૂબ વધી ગયો છે. મોટા ભાગનાં કપલ લગ્ન પહેલાં પ્રી-વેડિંગ ફોટોગ્રાફી અથવા વીડિયોગ્રાફી કરાવે છે, જેમાં દીવ, સોમનાથ સહિત રાજકોટની આસપાસ આવેલાં અનેક સ્થળો પસંદ કરવામાં આવે છે. આ ઉપરાંત રાજકોટમાં એવા સ્ટુડિયો બનાવવામાં આવ્યા છે કે ત્યાં ખૂબ સુંદર પ્રી-વેડિંગ, ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. લગ્ન માટે સ્માર્ટ આલ્બમ પસંદ કરવામાં આવે છે, જે વજનમાં હળવા અને પાતળા પેજના હોય છે. ફોટો-વીડિયોનાં પેકેજ 40 હજારથી અઢી લાખ સુધીનાં છે, જેમાં 40 હજારથી 55000નાં પેકેજનાં જાન્યુઆરી સુધી બુકિંગ થઈ ચૂક્યાં છે.

ડિસેમ્બરમાં લગ્નના 14 શુભ મુહૂર્ત છે (પ્રતીકાત્મક તસવીર).
ડિસેમ્બરમાં લગ્નના 14 શુભ મુહૂર્ત છે (પ્રતીકાત્મક તસવીર).

17 ફેબ્રુઆરી સુધીના લગ્નના શુભ મુહુર્તની મુખ્ય તારીખો
કોરોનાનું સંક્રમણ ઘટતા સરકાર દ્વારા પણ છૂટછાટો આપવામાં આવી છે. લગ્નના મુહૂર્ત જોઇએ તો તારીખ 16 નવેમ્બરને મંગળવારથી લગ્નગાળો શરૂ થઇ ચૂક્યો છે. નવેમ્બર માસમાં 16, 20, 21, 22, 26, 28, 29, 30 છે. ત્યાર બાદ ડિસેમ્બરમાં તા. 1, 7, 9, 11, 13, 14 છે. આમ, કમૂરતાં પહેલાં લગ્નનાં 14 મુહૂર્ત છે. 14 જાન્યુઆરીને શુક્રવારે બપોરે 2.30 કલાકે કમૂરતાં ઉતાર્યા બાદ ફરી લગ્નની સીઝન શરૂ થશે, જેમાં જાન્યુઆરીમાં તા. 20, 22, 23, 24 અને 26 ઉપરાંત ફેબ્રુઆરીમાં 5, 6, 7, 10, 16, 17 સુધી લગ્નનાં મુહૂર્ત છે. આ દરમિયાન ઠેર-ઠેર શરણાઈના સૂર ગુંજતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...