ઠંડીની શરૂઆત થતા જ નવા શાકભાજીની આવક શરૂ થઈ ગઈ છે. યાર્ડમાં શુક્રવારે 11 લાખ કિલો શાકભાજી આવ્યું હતું જેમાંથી શિયાળુ શાકભાજીની આવક 80 ટકા ગણી શકાય. આવક વધવાને કારણે હવે શાકભાજીના ભાવ પણ સસ્તા થયા છે. હાલ લગ્નસિઝન માટે કેટરિંગ, હોટેલ-રેસ્ટોરન્ટ વગેરે માટે ખરીદી વધી છે. શિયાળુ શાકભાજીની આવક થવાને કારણે ભાવમાં પણ ઘટાડો આવ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ ખેડૂતો હવે વહેલી સવારથી શાકભાજી લઇને આવી રહ્યા છે. વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વાહનોને પણ લાઇનમાં જ પ્રવેશ આપવામાં આવે છે.
જો કે દિવાળી પૂર્વે જ શિયાળુ શાકભાજીની આવક શરૂ થઈ જતી હોય છે. પરંતુ આ વખતે વરસાદને કારણે તેની અસર શાકભાજીના પાક પર થઈ હોવાથી શિયાળુ શાકભાજી 15 દિવસ મોડા આવ્યા છે. અત્યાર સુધી ટમેટા, રીંગણા, મરચા વગેરે બીજા રાજ્યમાંથી મગાવવામાં આવતા હતા પરંતુ હવે સ્થાનિક આવક વધી હોવાને કારણે રાજકોટમાંથી શાકભાજી બીજા રાજ્યમાં મોકલવામાં આવશે. બટેટા, ડુંગળી, કોથમરી, લીંબુ, ટમેટા, વટાણા, વાલોળ સહિત કુલ 34 શાકભાજી આવી રહ્યા છે. હજુ આવક વધવાની શક્યતા છે.
શિયાળુ શાકભાજીને કારણે યાર્ડમાં પણ ભાવ કાબૂમાં આવ્યા છે. અત્યારથી જ શાકભાજી રૂ. 50થી 10ના કિલો લેખે વેચાઈ રહ્યા છે. જો કે શિયાળામાં જ્યારે શાકભાજીની આવક વધી જતી હોય છે અને પૂરતા ભાવ મળતા નથી હોતા ત્યારે કેટલાક શાકભાજી ગૌશાળા અથવા તો સામાજિક સંસ્થા કે જે ગરીબ લોકોને જમાડે છે તેને વિનામૂલ્યે આપવામાં આવે છે.
માત્ર રાજકોટ જ નહિ, કાલાવડ, જામનગર, ધ્રોલ, ગોંડલ, સોમનાથ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં અને સૌરાષ્ટ્ર ભરમાંથી ખેડૂતો શાકભાજી લઈને આવી રહ્યા છે. ભાવ ચાર માસના તળિયે પહોંચ્યા છે. શાકભાજીના ભાવ કાબૂમાં આવતા ગૃહિણીઓના બજેટ પણ યથાવત રહેશે. બીજી તરફ શાકભાજીના ભાવ તળિયે પહોંચતા ખેડૂતોને મજૂરી પણ છૂટતી ન હોવાનું અમુક ખેડૂતોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.