ઓછું મતદાન એ લોકશાહી માટે ખતરારૂપ છે તે સર્વવિદિત છે પણ શહેરી વિસ્તારમાં જ ઓછું મતદાન ગંભીરતા બતાવી રહ્યું છે. સ્થિતિ એટલી ખરાબ થઈ છે કે, ચૂંટણી પંચ પણ ચોંકી ઉઠ્યું છે અને હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ઓછા મતદાનને ગંભીર ગણ્યો છે સૌથી મહત્ત્વની વાત છે કે તેમણે રાજકોટ પશ્ચિમની બેઠકમાં થયેલા સૌથી વધુ ઘટાડાની નોંધ બે વખત લીધી છે અને બીજા તબક્કામાં મતદાન વધારવા અપીલ કરી છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે, શહેરી વિસ્તારોમાં મતદાનમાં નિરસતા શિમલાથી સુરત સુધી એક સરખી જોવા મળી છે.
રાજકોટ, જામનગર અને સુરતમાં રાજ્યના સરેરાશ મતદાન 63.3 ટકા કરતા પણ ઓછું મતદાન નોંધાયું છે. ઘણી બેઠકોમાં ઉત્સાહપૂર્ણ મતદાન થયું છે પણ શહેરી વિસ્તારોમાં ઘટાડાને કારણે મતદાનની ટકાવારી દબાઈ ગઈ છે. હિમાચલ પ્રદેશની જેમ ગુજરાતમાં પણ શહેરી વિસ્તારોમાં મતદાનની નિરસતાએ આંક ઘટાડ્યો છે. રાજકોટ પશ્ચિમની બેઠકમાં ગત વખતના મતદાન કરતા 10.56 ટકા ઘટાડો ઘણો ગંભીર છે.
આ ઉપરાંત કચ્છની ગાંધીધામ બેઠકમાં 2017માં 55.91 ટકા મતદાન હતું ત્યાં 2022માં 47.86 ટકા થયું અને તેણે રાજ્યનું સૌથી ઓછું મતદાન ધરાવતો જિલ્લો બન્યો છે બીજી તરફ નર્મદાના ડેડિયાપાડામાં 82.71 ટકા મતદાન થયું જે ગ્રામ્ય વિસ્તારની બેઠક છે.
આ રીતે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં મતદાનનો 34.85 ટકા જેટલો વિશાળ બન્યો છે. ચૂંટણી પંચે એવું પણ ઉમેર્યું હતું કે, ઘણા જિલ્લાઓમાં જ્યાં ગ્રામ્ય વિસ્તારની પણ બેઠકો છે તેમાં શહેરી વિસ્તાર કરતા સારું મતદાન થયું છે, એક જ જિલ્લામાં પણ તફાવત નોંધનીય છે જેમ કે રાજકોટ જિલ્લાની 8 બેઠકમાંથી શહેરી વિસ્તારની ત્રણેય બેઠકમાં ઘટાડો નોંધાયો છે.
આ જ રીતે સુરતમાં પણ શહેરી વિસ્તારમાં મતદાન ઘટ્યું છે. આવી ગંભીર સ્થિતિ અને મતદાનમાં નિરસતા જોતા કેન્દ્રીય ચૂંટણી પંચે દેશના તમામ મુખ્ય ચૂંટણી અધિકારીઓને આદેશ આપ્યો છે કે જ્યાં જ્યાં ઓછું મતદાન થયું છે ત્યાં મતદાન જાગૃતિ માટે કામગીરી શરૂ કરી દેવામાં આવે.
ચૂંટણી પંચે રાજકોટ સહિતની આ બેઠકોની ગંભીર નોંધ લીધી | |||
બેઠક | 2017 | 2022 | ઘટાડો |
ગાંધીધામ(કચ્છ) | 54.2 | 47.86 | 6.34 |
રાજકોટ પૂર્વ | 66.98 | 92.2 | 4.78 |
રાજકોટ પશ્ચિમ | 67.68 | 57.12 | 10.56 |
રાજકોટ દક્ષિણ | 64.28 | 58.99 | 5.29 |
જામનગર ઉત્તર | 64.61 | 58.2 | 6.79 |
જામનગર દક્ષિણ | 63.96 | 57.27 | 6.69 |
જૂનાગઢ | 59.53 | 55.82 | 3.71 |
સુરત ઉત્તર | 63.96 | 59.24 | 4.72 |
વરાછા રોડ | 62.95 | 56.38 | 6.57 |
કરંજ | 55.91 | 50.54 | 5.37 |
લિંબાયત | 65.51 | 58.53 | 6.98 |
ઉધના | 60.66 | 54.87 | 5.79 |
મજૂરા | 61.96 | 58.07 | 3.89 |
સુરત પશ્ચિમ | 67.37 | 62.92 | 4.45 |
ચોર્યાશી | 61.1 | 56.86 | 4.24 |
89માંથી 26માં 65 ટકાથી વધુ મતદાન જેમાં તમામ ગ્રામ્ય વિસ્તાર!
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, 89 બેઠકમાંથી 26 બેઠકમાં 65 ટકાથી વધુ મતદાન નોંધાયું છે જે તમામ ગ્રામ્ય વિસ્તારની જ બેઠક છે એક પણ શહેરી વિસ્તારની બેઠકમાં 65 ટકા જેટલું મતદાન નથી. જો શહેરી વિસ્તારની બેઠકોએ ગત ચૂંટણી જેટલું જ મતદાન જાળવી રાખ્યું હોત તો ગુજરાત રાજ્યના પ્રથમ તબક્કાનું કુલ મતદાન 65 ટકાથી વધુ થઇ શક્યું હોત. ચૂંટણી પંચે 65 ટકાથી વધુ મતદાન ધરાવતી આ 26 વિધાનસભા બેઠકોનો ઉલ્લેખ કર્યો હતો તે યાદીમાં કચ્છના માંડવીમાં 65 ટકા મતદાન જ્યારે સુરતના માંડવીમાં 76 ટકા મતદાન છે આ બંને જે જિલ્લામાં છે તેની શહેરી બેઠકમાં મતદાન તળીયે છે. આ જ આંક શહેરી અને ગ્રામ્ય વિસ્તારનો સૌથી મોટો ભેદ બતાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.