જળ સંકટ દૂર:રાજકોટની જીવાદોરી સમાન આજી-1ને ઓવરફ્લો થવામાં બે ફૂટનું છેટુ, આજી-3 ડેમના 17 દરવાજા ખોલવામાં આવ્યા

રાજકોટ3 મહિનો પહેલા
આજી-3 ડેમના 17 દરવાજા ખોલાતા અદભૂત દૃશ્ય જોવા મળ્યું.
  • ડેમના હેઠળવાસમાં આવતા ગામોને નદીના પટ્ટમાં અવરજવર ન કરવા સૂચના

રાજકોટમાં અનરાધાર વરસાદથી શહેરની જીવાદોરી સમાન આજી-1 ડેમની સપાટી 27 ફૂટે પહોંચી છે. ડેમની કુલ સપાટી 29 ફૂટ છે. આથી ઓવરફ્લો થવામાં બે ફૂટનું છેટું છે. ઓવરફ્લો થવાની તૈયારી હોવાથી મનપાએ ડેમ હેઠળ આવતા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતરણ કરવા તૈયારી શરૂ કરી દીધી છે. શહેરની 16 અલગ અલગ ટીમ બનાવીને સ્થળાંતરણ હાથ ધર્યું છે. દરેક ટીમમાં ફાયરના અધિકારી અને એક PSIને તૈનાત કરાયા છે. તેમજ આજી-3 ડેમના 17 દરવાજા 25 ફૂટ ખોલવામાં આવ્યા છે. આથી નીચાણવાળા ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે.

રાજકોટમાં આજે સાડા બાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આથી જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક થવા લાગી છે. જેમાં ન્યારી 1 ડેમ ઓવરફ્લો થયો છે. તેથી 7 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને 17500 ક્યુસેક પાણીનો ઈનફ્લો થયો છે. ભાદર-2 ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઈ જતા છલોછલ થયો છે. આજી-3 ડેમના નિર્ધારીત સપાટી ભરાઈ જતા તેના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત છાપરાવાડી-2 ડેમ હાલ 70% ભરાઈ ગયેલ હોઈ આવક વધતા ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે. જેથી હેઠવાસના ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

ડેમ પૂર્ણ કક્ષાએ ભરાતા તેના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે
હાલ પડધરી તાલુકાના ખજુરડી ગામ પાસેનો આજી- 3 ડેમ તેની નિર્ધારીત સપાટીએ 100 ટકા ભરાઇ ગયો છે. તેથી આજી- 3 ડેમના કુલ 13 દરવાજા, 6 ફુટ ખોલવામાં આવ્યા છે. આથી હેઠવાસમાં આવેલા પડધરી, ટંકારા, જોડીયા અને ધ્રોલ તાલુકાના ખજુરડી, થોરિયાળી, ખીજડીયા મોટા, ખાખરા, બોડકા, જસાપર. જીરાગઢ, મેઘપર, પીઠડ, રસનાળ, ટીંબડી, મોડપર, ધરમપુર, સગાડીયા, સધાધુના, દેડકદડ ગામનો સમાવેશ થાય છે. તો જેતપુર તાલુકાનો જેપુર ગામ પાસેનો છાપરાવાડી - 2 તેની નિર્ધારીત સપાટીથી 70 ટકાથી વધુ ભરાઇ ગયેલ છે. ડેમ પૂર્ણ કક્ષાએ ભરાતા તેના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે જેને ધ્યાને લઈ છાપરાવાડી - ૨ ડેમના હેઠવાસમાં આવેલા લુણાગરા, જાંબુડી, કેરાળી, મેવાસા, પ્રેમગઢ, લુણાગરી, રબારીકા ગામનો સમાવેશ થાય છે.

ન્યારી-1 ડેમના 7 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા
ઉપલેટા તાલુકાના ગઘેથડ ગામ પાસેનો વેણુ-2 ડેમ તેની નિર્ધારીત સપાટીએ 100 ટકા ભરાઇ ગયેલ છે. આથી વેણુ-2 ડેમના કુલ 14 દરવાજા, 15 ફુટ ખોલવામાં આવેલ છે. આથી હેઠવાસમાં આવેલા ઉપલેટા તાલુકાના ગઘેથડ, વરજાંગજાળીયા, મેખાટીંબી, નાગવદર અને નીલાખા ગામનો સમાવેશ થાય છે. રાજકોટ તાલુકાના વાજડી વીરડા ગામ પાસેનો ન્યારી-1 ડેમ તેની નિર્ધારીત સપાટીથી 100 ટકા ભરાતા તેના 7 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. આથી ન્યારી-1 ડેમના હેઠવાસમાં આવેલા રાજકોટ તાલુકાના વાજડી-વીરડા, વેજાગા, ગઢવાળી વાજડી તથા લોધીકા તાલુકાના વડવાળી વાજડી, હરીપાર (પાળ) અને પડધરી તાલુકાના ખંભાળા, ન્યારા, રંગપર, તરઘડી, મોટા રંગપર ગામનો સમાવેશ થાય છે.

લોકોને નદીના પટમાં અવરજવર નહીં સૂચના આપવામાં આવી છે
ધોરાજી તાલુકાના ભુખી ગામ પાસેનો ભાદર-2 ડેમ તેની નિર્ધારીત સપાટીથી 70 ટકાથી વધુ ભરાઇ ગયેલ છે. ડેમ પૂર્ણ કક્ષાએ ભરાતા તેના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે જેને ધ્યાને લઈ ભાદર-2 ડેમના હેઠવાસમાં આવેલા ધોરાજી તાલુકાના ભોળા, ભોલગામડા, છાડવાવદર, સુપેડી, ઉપલેટા તાલુકાના ડુમીયાણી, ચીખલીયા, ગણોદ, ભીમોરા, ગાધા, ગંદાડ, હાડફોડી, ઇસરા, કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નીલાખા, તલગણા, તથા ઉપલેટા, માણાવદર તાલુકાના વેકરી, ચીખલોદરા, બિલડી, વાડાસડા, કૃતિયાણા તાલુકાના રોઘડા, ચૌટા, થેપડા, માંડવા, કટવાણા, કુતિયાણા, પસવાડી, સેગરસ, ભોગસર, છત્રાવા જયારે પોરબંદર તાલુકાના ગરેજ, ચીકાસા, નવીબંદર અને મીત્રાળા ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

રાજકોટ અને કાલાવડ મેટોડા GIDC વચ્ચેનો હાઇવે બંધ
રાજકોટનો ન્યારી-1 ડેમમાંથી પાણી છોડવામાં આવતા વાગુદડ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ન્યારી ડેમમાંથી પાણી છોડાતા હાઇવે બંધ કરવામાં આવ્યો છે. રાજકોટ અને કાલાવડ મેટોડા GIDC વચ્ચેનો વાઇવે બંધ કરવામાં આવ્યો છે. પુલ પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.