ફી ઘટાડો ઝુંબેશ:6 દિવસમાં ફી વધારાની 104 ફરિયાદ!

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હેલ્પલાઈનમાં વાલીઓએ ખાનગી શાળાઓના ફી વધારાનો વિરોધ કર્યો

શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ખાનગી શાળાઓએ કરેલા ફી વધારા મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. વાલીઓ અને વિદ્યાર્થી સંગઠનો પણ આ બાબતનો એફઆરસી કચેરીએ જઈને વિરોધ પ્રદર્શન કરી ફી રેગ્યુલેશન કમિટીના અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરી છે. ત્યારબાદ વિદ્યાર્થી સંગઠનના આગેવાનો દ્વારા ‘ફી ઘટાડો ઝુંબેશ’ના ભાગરૂપે એક હેલ્પલાઈન શરૂ કરી હતી જેમાં કોઈપણ વાલીઓને સ્કૂલની ફી વધારા સામે વાંધો હોય તો આ હેલ્પલાઈનમાં ફરિયાદ કરી શકે છે.

ગત શુક્રવારે જાહેર કરેલા હેલ્પલાઈન નંબરમાં માત્ર 6 દિવસમાં ખાનગી શાળાના ફી વધારા સામે 104 જેટલી ફરિયાદો આવી છે. વાલીઓએ આ હેલ્પલાઈનમાં ફોન કરીને શાળાઓએ કરેલા અસહ્ય ફી વધારા સામે વિરોધ નોંધાવ્યો હતો અને ફી ઘટાડવા સામેની ઝુંબેશમાં સામેલ થયા હતા.

વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, 6 દિવસમાં 104 જેટલા વાલીઓએ ફોન કરીને ફી વધારા સામે વિરોધ કર્યો છે. અમારો હેતુ ખાનગી સ્કૂલો ખોટમાં જઈ સંસ્થા ચલાવે તેવો નથી અને ત્યાં નોકરી કરતા કર્મચારીઓની રોજગારી છીનવવાનો પણ નથી પરંતુ અમુક ખાનગી સ્કૂલોએ જાણે વેપલો કરવાના હેતુથી વાલીઓને ખોટી રીતે ગેરમાર્ગે દોરી લૂંટી રહ્યા છે તેઓની સામે વાલીઓને ન્યાય અપાવવાનો છે. વાલીઓને સાથે રાખી અમારી ટીમ જે તે સ્કૂલ પર જશે અને FRCનો મંજૂર કરાયેલ ઓર્ડર માગશે અને તેમાં દર્શાવેલા ખર્ચોની વાસ્તવિકતા ચકાસશે અને ફી ઘટાડાની માંગ સાથે હલ્લાબોલ પણ કરીશું અને આ ખોટા દર્શાવેલ ખર્ચના તમામ પુરાવાઓને જે તે સ્કૂલોના એકસાથે હાઇકોર્ટ સમક્ષ પણ રાખીશું. કારણ કે અનેક એવી સંસ્થાઓ છે જેને વધુ ફી વધારો મંજૂર કરાવ્યો છે તેઓ પાસે પ્રાથમિક સુવિધાઓ નથી છતાં FRC સમક્ષ સોગંદનામામાં ખર્ચ બતાવ્યા હોય.

104માંથી 25 ફરિયાદ મોદી, 19 ધોળકિયા સ્કૂલની
ફી ઘટાડો ઝુંબેશની હેલ્પલાઈનમાં 6 દિવસમાં 104 જેટલા વાલીએ ફી વધારા સામે ફરિયાદ કરી છે. કઈ સ્કૂલના વાલીઓએ ફરિયાદ કરી છે તેમાં સૌથી વધુ મોદી સ્કૂલની 24 વાલીએ ફરિયાદ કરી છે જ્યારે બીજા નંબરે સૌથી વધુ ફરિયાદ ધોળકિયા સ્કૂલના વાલીઓની છે. આ ઉપરાંત એસએનકેની 14, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની 9, આત્મીય સ્કૂલની 7, સેન્ટપોલ સ્કૂલની 4, RKCની 4, કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલની 3, તપસ્વી સ્કૂલની 4, એસઓએસ સ્કૂલની 4, જીનિયસ સ્કૂલની 2, શુભમ સ્કૂલની 2, શક્તિ સ્કૂલ, જય ઇન્ટરનેશનલ, પ્રીમિયર સ્કૂલની 1-1 ફરિયાદ સહિત કુલ 86 ફરિયાદ આવી છે.

વિધાનસભામાં પણ ફી વધારાનો મુદ્દો ગુંજશે
ખાનગી સ્કૂલોના તોતિંગ ફી વધારા મુદ્દે વિદ્યાર્થી સંગઠનની ટીમ વિધાનસભા પહોંચી હતી અને વિધાનસભાના કોંગ્રેસપક્ષના નેતા અમિત ચાવડા અને સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાને FRC અને સ્કૂલોના ફી વધારાથી વાફેક કરી મુદ્દાસર રજૂઆત કરી. તેઓએ હેલ્પલાઇન નંબર પર વાલીઓની ફરિયાદો બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી. વિધાનસભામાં પુરાવાઓ સાથે આ મુદ્દે વિરોધ કરવામાં આવશે. વાલીઓની સમસ્યાનો અંત કઈ રીતે લાવી શકાય તે અંગે પણ ચર્ચા થઇ હતી. આ વિધાસભામાં શિક્ષણ બાબતે પ્રશ્નોત્તરી અને ચર્ચા સમય પહેલા વાલીઓના પ્રતિનિધિમંડળ રૂબરૂ બોલાવી માહિતગાર કરવા અમિત ચાવડાએ જણાવ્યું હતું જેથી વાસ્તવિક પરિસ્થિતિ ખ્યાલ આવી શકે.

અન્ય સમાચારો પણ છે...