રોકાણકારોને લોભામણી સ્કીમો બતાવી અવારનવાર ચીટર ટોળકી દ્વારા લાખો રૂપિયા ઓળવી જવાના બનાવો પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે દોઢ વર્ષ પૂર્વે દિલ્હીની ચીટર ટોળકીએ અનેક રોકાણકારોને રાતેપાણીએ રોવડાવ્યાના બનાવની તપાસના અંતે રાજકોટ સીઆઇડી ક્રાઇમે ગુનો નોંધ્યો છે. પુનિત સોસાયટી પાછળ અવલ પાર્કમાં રહેતા શ્યામ કાંતિલાલ ઠુમ્મર નામના કારખાનેદારે દિલ્હીની ધી ટ્રેડ લોર્ડ એલ.એલ. નામની કંપની તેમજ કંપની સાથે જોડાયેલા ધીરજસિંઘ રાજપાલ તખ્ખર, દીપકસિંઘ સુભાષચંદ, પ્રવીણસિંઘ ચૌધરી અને રાજકોટના ન્યૂ સાગર સોસાયટીના અશોક ટપુ સોરઠિયા, પોપટપરાના નવલસિંહ ગુમાનસિંહ ચુડાસમા સામે ફરિયાદ નોંધાવી છે.
કારખાનેદારની ફરિયાદ મુજબ, 2020ના વર્ષમાં ઉપરોક્ત દિલ્હીની કંપનીના એજન્ટ તરીકે કામ કરતા રાજકોટના અશોક સોરઠિયા સાથે મિત્રે પરિચય કરાવ્યો હતો. ત્યારે સૌરાષ્ટ્રના એજન્ટ તરીકે કામ કરતા અશોક સોરઠિયાએ અમારી ઓનલાઇન કંપનીમાં સભ્ય બનીને રોકાણ કરવાથી રિટર્ન સારું મળશે. બાદમાં તમે પણ સભ્ય બનાવશો તો કંપની દ્વારા તમારા ખાતામાં સીધું કમિશન જમા થઇ જાશે. ઓનલાઇન કંપનીમાં રોકાણ કરવાથી રોજના 1 ટકા લેખે વ્યાજ મળશેની લોભામણી લાલચ આપી હતી.
આમ અશોક સોરઠિયા અને અન્ય એક એજન્ટ નવલસિંહ ચુડાસમાએ વિશ્વાસ બતાવતા પોતે તેમજ પોતાના પરિવારના સભ્યોના નામથી રોકાણ કર્યું હતું. બાદમાં પરિચિત લોકોને પણ રોકાણ કરાવડાવ્યું હતું. દરમિયાન રોકાણકારોની મુદત પાકી ગઇ હોય બંને એજન્ટને તેમજ દિલ્હીની કંપનીના લોકોનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી. પરંતુ કોઇનો સંપર્ક થઇ શક્યો ન હતો.
દરમિયાન પોતાના થકી રોકાણ કરાવડાવ્યું હતું તે લોકોએ પણ તેમના રોકેલા નાણાં પરત આપવાની માગણી કરી હતી. જેને કારણે બંને એજન્ટ અને કંપનીના શખ્સોની શોધખોળ કરી હતી. તે સમયે પોતાની જેમ 460 લોકો પણ એજન્ટ અશોક અને નવલસિંહને તેમજ કંપનીના શખ્સોને શોધતા હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ કરવા છતાં કોઇની ભાળ મળી ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.