રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશન અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટના ગુનામાં 5 આરોપીને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. આ નાસતા ફરતા પાંચ આરોપીઓ વિશે સાચી માહિતી આપનારને રાજકોટ શહેર પોલીસ ક્રાઇમ અને સ્પેશિયલ બ્રાંચ દ્વારા રોકડ 10 હજારનું ઇનામ આપવામાં આવશે.
માલવિયાનગર પોલીસ સ્ટેશનના 3 આરોપી ભાગેડુ
માલવિયાનગર પોલીસ સ્ટેશનના આરોપીઓ મધ્યપ્રદેશના જાંબુવાના રહેવાસી દિલીપ વીંછીયા હટીલા, દિનેશ કરણસીંગ હટીલા અને દાહોદના રહેવાસી હીમસીંગ આદિવાસી વિશે માહિતી આપનારને રૂ. 10 હજારનું રોકડ ઇનામ આપવામાં આવશે. આ ત્રણેય આરોપીએ ઓગસ્ટ મહિનામાં ચિત્રકૂટધામ સોસાયટીમાં ત્રાટક્યા હતા અને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના 2 આરોપી ભાગેડુ
જ્યારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના આરોપી એવા બેંગ્લોરના કલ્યાણનગરના રહેવાસી મોટુ ઉર્ફે કરણખત્રી પુરણખત્રી નેપાળી અને બેંગ્લોર નોર્થના રહેવાસી ગજેન્દ્ર બાલ ખડકા વિશે માહિતી આપનારને રૂ.10 હજારનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આ બન્ને આરોપીએ નવેમ્બર મહિનામાં પારસ સોસાયટીમાં આવેલા બંગલામાં ઘૂસી દિન દહાડે મહિલા પર હુમલો કરી સોનાના ઘરેણાની લૂંટ ચલાવી હતી.
માહિતી આપનારનું નામ ગુપ્ત રખાશે
આ પાંચેય આરોપીઓને પકડવામાં મદદરૂપ થનાર અથવા આરોપીઓની સાચી માહિતી આપનારને આ ઇનામ આપવામાં આવશે, તેમજ તેમણે આપેલી માહિતી ગુપ્ત રાખવામાં આવશે તેમ રાજકોટ શહેર પોલીસ ક્રાઇમ અને સ્પેશિયલ બ્રાંચના નાયબ પોલીસ કમિશનર ડો.પાર્થરાજસિંહ ગોહિલની યાદીમાં જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.