મીઠાઈની ખરીદીમાં પડાપડી:રાજકોટમાં 400થી 1000 હજારની મીઠાઈના ભાવ, ચોકો પિયા અને ચોકો ડ્રિમ લોકોમાં હોટ ફેવરિટ, દિવાળીમાં 40 હજાર કિલો મીઠાઈ લોકો આરોગશે

રાજકોટએક મહિનો પહેલા
મીઠાઈ લેવા લોકો દુકાનોમાં ઉમટ્યા.
  • મીઠાઈના ભાવ 10થી 15% વધ્યા, 2019ના વર્ષની સમકક્ષ વેચાણ થશે
  • ગત વર્ષે મૂળ કિંમત કરતાં 10થી 15 ટકા ડિસ્કાઉન્ટમાં વેચવી પડી હતી

રોશનીના પર્વ દિવાળીમાં મિઠાઈનું સૌથી વધારે મહત્વ હોય છે. રાજકોટમાં તહેવારો દરમિયાન સ્નેહીજનોને આપવા તેમજ ઘર પરિવાર માટે મીઠાઇની ખરીદી કરવામાં લોકો મીઠાઈની દુકાને ઉમટી રહ્યા છે. ત્યારે આ વર્ષની મિઠાઈ ગત વર્ષ કરતા થોડી મોંઘી થતા લોકો પણ જરૂરિયાત પ્રમાણે મીઠાઈની ખરીદી કરી રહ્યા છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે મીઠાઈની કિંમતમાં 10થી 15 ટકા જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે બજારમાં રૂપિયા 400થી શરૂ કરી 1000 સુધી કિંમતની કિલોગ્રામ મીઠાઇનું વેચામ થઇ રહ્યું છે. તેમાંય ખાસ કરીને ચોકો પિયા અને ચોકો ડ્રિમ મીઠાઈ લોકોમાં હોટ ફેવરિટ બની છે અને સૌથી વધુ તેની જ પસંદગી કરી રહ્યા છે. દિવાળીમાં 40 હજાર કિલો મીઠાઈ લોકો આરોગશે.

બે વર્ષમાં પ્રથમવાર દિવાળીના તહેવારોની ચમક આવી
ગત વર્ષે દિવાળી તહેવાર સમયે કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે મીઠાઈ ખરીદવાનું પ્રમાણ ઓછું રહ્યું હતું. આ ઉપરાંત કોર્પોરેટ ગિફ્ટ તરીકે મીઠાઈ આપવાના બુકિંગમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો. પરંતુ આ વર્ષે છેલ્લા ત્રણ મહિનાથી કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં જનજીવન પૂર્વવત્ ધબકવા લાગ્યું છે અને બે વર્ષમાં પ્રથમવાર દિવાળીના તહેવારોની ચમક પરત ફરી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ તેની સામે કૂદકેને ભૂસકે વધી રહેલી મોંઘવારીથી મધ્યમ વર્ગને આ વખતે મીઠાઈ ખરીદવા માટે ગજવું ખૂબ જ મોટા પ્રમાણમાં હળવું કરવું પડશે. કેમ કે, ગત વર્ષની સરખામણીએ મીઠાઇની કિંમતમાં 10થી 15 ટકાનો વધારો નોંધાયો છે.

ચોકો પિયા અને ચોકો ડ્રિમ લોકોમાં હોટ ફેવરિટ
ચોકો પિયા અને ચોકો ડ્રિમ લોકોમાં હોટ ફેવરિટ

દશેરાની જેમ દિવાળીમાં પણ ગ્રાહકોની ભીડઃ વેપારી
રાજકોટના મવડી મેઈન રોડ પર આવેલી વર્ષો જૂની જાણીતી શિવશક્તિ ડેરી ફાર્મના જગદીશભાઇ પટેલે જણાવ્યું હતું કે, કોરોના કેસ નહીંવત થતા દશેરાની જેમ દિવાળીમાં પણ ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. આ વર્ષે રાજકોટમાં દિવાળીના તહેવારોમાં 40 હજાર કિલોથી વધુ મીઠાઈ ખવાશે તેવો અંદાજ આંકવામાં આવી રહ્યો છે. રો-મટીરીયલ અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતાં આ દિવાળીએ મીઠાઈના ભાવમાં 10થી 15 ટકાનો વધારો થયો છે. એમ છતાં પણ મીઠાઈની ડિમાન્ડ વધી હોવાનું પણ જાણવા મળ્યું છે.

મીઠાઈની દુકાનોમાં લોકોનો મેળાવડો.
મીઠાઈની દુકાનોમાં લોકોનો મેળાવડો.

રેગ્યુલર સાથે જ અન્ય અવનવી મીઠાઈ પણ બનાવાઇ
વધુમાં તેમને જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષમાં કોરોનાને લઈને મીઠાઈના વેપારીઓને ઘણું નુકસાન પહોંચ્યું હતું. પરંતુ આ વખતે દિવાળી આવતાં જ રાજકોટવાસીઓ ફરી પોતાની ફેવરિટ મીઠાઈ તરફ પાછા ફર્યા હોય તેવી ઝલક જોવા મળી રહી છે. આ દિવાળીએ મીઠાઈમાં રેગ્યુલર સાથે જ અન્ય અવનવી મીઠાઈ પણ આવી છે. ચોકો પીયા, ચોકો ડ્રિમ મીઠાઈ લોકોની હોટ ફેવરિટ છે.

રાજકોટની બજારોમાં અવનવી મીઠાઈ આવી.
રાજકોટની બજારોમાં અવનવી મીઠાઈ આવી.

ગત વર્ષે વેપારીઓને ખોટ ખાવી પડી હતી
રસપ્રદ રીતે ગત વર્ષે દિવાળીમાં મીઠાઇની ડિમાન્ડ એટલી તળિયે ગઇ હતી કે અનેક વેપારીઓએ મીઠાઇ મૂળ કિંમત કરતાં 10થી 15 ટકા ડિસ્કાઉન્ટમાં વેચવી પડી હતી. આ ઉપરાંત વર્ષ 2019ની સરખામણીએ કોર્પોરેટ બુકિંગમાં 30%નો ઘટાડો નોંધાયો હતો. આ વર્ષે ફરી 2019ની સમકક્ષ થયો હોવાનું વેપારીઓનું માનવું છે.

શિવશક્તિ ડેરી ફાર્મના જગદીશભાઇ પટેલ.
શિવશક્તિ ડેરી ફાર્મના જગદીશભાઇ પટેલ.