રસીમાં રસ:રાજકોટ જિલ્લાના 432 ગામોમાં 100 % વેક્સિનેશન પૂર્ણ, સમગ્ર જિલ્લામાં 92.28 ટકા નાગરિકોએ રસી લીધી

રાજકોટ8 મહિનો પહેલા
ફાઈલ તસ્વીર
  • સૌથી વધુ જેતપુરના 47 ગામમાં અને સૌથી ઓછું વિછિયાના 9 ગામમાં રસીકરણ થયું છે.
  • લોકો જાગૃત થતાં વેક્સિનેશન બન્યું વેગવંતુ

કોરોનાથી બચવા માટેનો એકમાત્ર ઉપાય વેક્સિન છે ત્યારે રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 432 ગામોમાં 100 % વેક્સિનેશન પૂર્ણ થઈ ગયું છે. સમગ્ર જિલ્લામાં 92.28 ટકા નાગરિકોએ રસી લીધી છે. જેમાં સૌથી વધુ જેતપુરના 47 ગામમાં અને સૌથી ઓછું વિછિયાના 9 ગામમાં રસીકરણ થયું છે. હાલ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરનાં તમામ વિસ્તારોમાં અશક્ત-દિવ્યાંગ લોકોને ઘરે-ઘરે જઈને વેકસીન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. તેમાંથી પ્રેરણા લઈને જિલ્લાનાં આરોગ્ય તંત્ર દ્વારા પણ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા દિવ્યાંગ-અશક્ત લોકો ઉપરાંત ખેતમજૂરોને પણ ઘરેબેઠા કોરોનાની રસી આપવાનું શરૂ કરાયું છે.

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

4 તાલુકામાં પ્રથમ ડોઝનું 100 ટકા સંપૂર્ણ રસીકરણ
હાલ જિલ્લા માં સૌથી વધુ જેતપુર તાલુકામાં-47 ગામોમાં સંપૂર્ણ પણે 100 ટકા રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય તાલુકાઓમાં જામ કંડોરણામાં-46, રાજકોટમાં-83, પડધરીમાં-47, લોધિકામાં-35, કોટડામાં-25, ગોંડલમાં- 45, જસદણાં- 29, વીંછીયામાં-9, ધોરાજીમાં-28, અને ઉપલેટમાં-38, ગામોમાં 100 ટકા સંપૂર્ણ રસીકરણ કરવામાં આવેલ છે. તે મુજબ 10,38,930 લોકોએ પ્રથમ ડોઝ અને 4,54,703 લોકોએ બીજો ડોઝ લીધો છે. જીલ્લામાં કોટડા, લોધિકા, પડધરી અને જામકંડોરણા એમ કુલ 4 તાલુકામાં પ્રથમ ડોઝનું 100 ટકા સંપૂર્ણ રસીકરણ કરવામાં આવેલ છે.

રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગનાં અધિકારી ડો.ભંડેરી
રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગનાં અધિકારી ડો.ભંડેરી

40 મોબાઇલ ટીમો કાર્યરત
આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગનાં અધિકારી ડો.ભંડેરીએ જણવ્યું હતું કે, હાલ ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય ટીમ ઘરે ઘરે તેમજ વાડીમાં અને કારખાનાઓમાં જઈ વેક્સિન આપી રહી છે. સાથે જ કોઈ બિમારી અથવા ઉંમરનાં કારણે રસી લેવા નહીં આવી શકતા લોકો ઉપરાંત દિવ્યાંગોને પણ ઘરે જઈને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. કારખાના તેમજ ખેતરોમાં મજૂરીકામ કરવા જતાં લોકો રોજ પડવાના ડરે રસી લેવા આવતા નહીં હોવાથી તેને તેના કામની જગ્યા પર જ વેકસીન અપાઈ રહી છે. આ માટે 40 મોબાઇલ ટીમો કાર્યરત છે.

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

દરરોજ 300 લોકોનું ઘેરબેઠા રસીકરણ થાય છે
વધુમાં તેમણે કહ્યું હતું કે, આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા દરરોજ 300 જેટલા એવા લોકો કે જેઓ કોઈપણ કારણોસર રસીકરણ કેન્દ્ર પર આવી શકતા નથી, તેનું ઘેરબેઠા રસીકરણ કરાઈ રહ્યું છે. સાથે-સાથે વેક્સિન જરૂરી અને કોરોનાથી બચવા માટેનો એક જ ઉપાય હોવાનું કહી વધુમાં વધુ લોકોને રસી લેવા માટે અપીલ પણ તેમણે કરી છે. અને આ બીમારીથી બચવું હોય જેને વેક્સિન બાકી હોય એ લોકો સામેથી આવી જાય અથવા આરોગ્ય વિભાગનો સંપર્ક કરે તો તેમને ઘેરબેઠા રસી આપવમાં આવી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું છે.