વેક્સિન બની વેગવંતી:રાજકોટ જિલ્લાના 25 ગામમાં 100% વેક્સિનેશન પૂર્ણ, રવિવારે એક દિવસમાં 14 હજાર લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો

રાજકોટ2 મહિનો પહેલા
  • જસદણ વીંછીયા પંથકમાં વેક્સિનેશન વધીને 30% પહોંચ્યું
  • ત્રીજી લહેરથી બચવા દરેક લોકોને વેક્સિન લેવા તંત્રની અપીલ

રાજકોટ જિલ્લામાં કોરોના વિરોધી રસીકરણ ઝુંબેશ ધીમે ધીમે આગળ વધી રહી છે. છેલ્લા એક સપ્તાહથી જિલ્લામાં વેક્સિનેશનનું પ્રમાણ વધ્યું છે અને રોજ 8થી 9 હજાર લોકો જિલ્લામાં વેક્સિન લેવાનું પસંદ કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે રાજકોટ જિલ્લામાં 25 ગામો એવા છે કે જ્યાં 100% લોકોએ વેકસીન નો પ્રથમ ડોઝ મેળવી છે અને ગામમાં વેક્સિનેશન પૂર્ણ થઇ ગયું છે.

જિલ્લામાં 60% થી વધુ વસ્તીએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
રાજકોટ જિલ્લાના પડધરી, જામકંડોરણા, લોધિકા અને જેતપુર સહિતના તાલુકાના 25 ગામોમાં પ્રથમ ડોઝનું 100% વેક્સિનેશન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ સાથે 90% થી વધુ વેક્સિનેશન થયું હોય તેવા ગામની યાદીમાં 100 જેટલા ગામનો સમાવેશ થાય છે. જિલ્લામાં 60% થી વધુ વસ્તીએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધેલ છે જ્યારે બીજા ડોઝ માટે જિલ્લામાં ગઇકાલે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં આશરે 14,000 જેટલા લોકોને વેક્સિન આપવામાં આવી હતી.

જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી
જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી

પારેવળા ગામમાં 100% વેક્સિનેશન પૂર્ણ
રાજકોટ જિલ્લામાં 100% વેક્સિનેશન પૂરું કરવામાં 25 ગામનો સમાવેશ થાય છે જેમાં સૌથી વધુ પડધરી તાલુકાના 7 ગામોનો સમાવેશ થાય છે અને સૌથી ઓછા ધોરાજીના એક ગામનો સમાવેશ થાય છે. ઉલ્લેખનિય છે કે જસદણ વીંછીયા પંથકમાં લોકો વેક્સિન લેવા ઓછું પસંદ કરી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં પણ વેક્સિનેશનને વેગ મળ્યું હોવાનું જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું અને જસદણ તાલુકાના ખારચિયા રણજિતગઢ અને પારેવળા ગામમાં 100% વેક્સિનેશન થયું હોવાનું સામે આવ્યું છે.