સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યપાલના સૂચનને પગલે બુધવારે કેમ્પસ અને જુદા જુદા ભવનોમાં 100 જેટલા વૃક્ષનું વાવેતર કર્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન ખુદ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણીએ હાથમાં પાવડો પકડીને ખાડો ખોદ્યો હતો અને વૃક્ષ વાવી પાણી પીવડાવ્યું હતું, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હાલ જે સ્થિતિ છે તેમાં પણ વર્તમાન કુલપતિએ ઘણું ઊંડું ઉતરીને કામ કરવાની જરૂર છે કારણ કે તાજેતરમાં જ નેકમાં યુનિવર્સિટીને ‘બી’ ગ્રેડ મળ્યો જે અગાઉ ‘એ’ ગ્રેડ હતો અને તે સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજ્યની એકમાત્ર ‘એ’ ગ્રેડ યુનિવર્સિટી હતી.
આ ઉપરાંત તાજેતરમાં જ NIRF દ્વારા જાહેર કરેલા રેન્કિંગમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ટોપ-200 યુનિવર્સિટીમાં પણ સ્થાન મળ્યું ન હતું.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ કરેલી વૃક્ષારોપણની અપીલ અન્વયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશ ભીમાણી તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૌ અધિકારીઓએ યુનિવર્સિટી પરિસર ખાતે વૃક્ષા રોપણ કર્યું હતું.
સાથે સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ ભવનોમાં ભવનોના અધ્યક્ષો, અધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ સામુહિક વૃક્ષારોપણ કર્યું હતું. બુધવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે આશરે 100 જેટલા વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું. તાજેતરમાં જ રાજ્યપાલે ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં 100 વૃક્ષો વાવવા સૂચન કર્યું હતું. જેનું યુનિવર્સિટીએ મોડે-મોડે પાલન કરતા બુધવારે કેમ્પસ અને ભવનોમાં 100 વૃક્ષો વાવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.