PM આજે કચ્છમાં:વીજપુરવઠો જાળવવા રાજકોટથી 100 વીજ કર્મચારી મોકલ્યા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાનના કાર્યક્રમ માટે વીજતંત્રના ચીફ ઇજનેર સહિત ટોચના અધિકારી કચ્છમાં સ્ટેન્ડ ટુ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે એક દિવસ માટે કચ્છના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ તેમજ વિશ્વના સૌથી વિશાળ રિન્યૂએબલ એનર્જી પાર્કનું કચ્છના ટેન્ટ સિટી, ધોરડોથી મંગળવાર બપોરે 2 કલાકે ખાતમુહૂર્ત કરશે.

વડાપ્રધાનના કાર્યક્રમને લઈને દરેક સરકારી તંત્રને જુદી જુદી વ્યવસ્થા સંભાળવાની જવાબદારી સોંપી છે. ત્યારે કાર્યક્રમ દરમિયાન વીજપુરવઠો જળવાઈ રહે અને વીજળી સંબંધિત કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે પીજીવીસીએલની રાજકોટ ખાતેની કોર્પોરેટ ઓફિસમાંથી ચીફ ઈજનેર સહિતના ટોચના અધિકારી, અન્ય ઈજનેરો અને 80 જેટલા લાઈન સ્ટાફ સહિત કુલ 100 જેટલા વીજકર્મીઓને કાર્યક્રમ સ્થળે સ્ટેન્ડ ટુ રખાયા છે.

કચ્છમાં વડાપ્રધાનના આ કાર્યક્રમના આગલા દિવસે જ રાજકોટના ચીફ એન્જિનિયર સહિતના વીજકંપનીના ઈજનેરોએ કાર્યક્રમ સ્થળની વીજ વ્યવસ્થા ચકાસવામાં આવી હતી અને કાર્યક્રમના તમામ સ્થળ, ટ્રાન્સફોર્મર, વીજલાઈન, ફીડરનું નિરીક્ષણ કરાયું હતું.

પ્રધાનમંત્રી કચ્છ સરહદે મોટા રણમાં સૌરઊર્જા અને પવનચક્કીથી ઊભા થનારા વિશ્વના સૌથી મોટા 30 હજાર મેગાવોટની ક્ષમતાના હાઇબ્રીડ એનર્જી પાર્કનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન પણ કરશે. તેઓ સરહદ ડેરી દ્વારા અંજાર ભચાઉ વચ્ચે ઊભા કરાનાર બે લાખ લિટર દૂધના ચિલિંગ પ્લાન્ટનું ભૂમિપૂજન પણ કરવાના છે.

ધોરડો ખાતે વડાપ્રધાન દ્વારા કચ્છના પ્રગતિશીલ ખેડૂતોને અને કચ્છ સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતોને મળી તેમની સાથે વાર્તાલાપ કરવામાં આવશે અને કચ્છના હસ્તકલાના કારીગરોને પણ મળશે. પ્રધાનમંત્રી ટેન્ટસિટીમાં રણ વચ્ચે ઊભા કરાયેલા વિશાળ ડોમમાંથી આ બધા વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે.

અન્ય સમાચારો પણ છે...