વેક્સિનેશન:રાજકોટ જિલ્લાના 13 ગામમાં 100% ને પહેલો ડોઝ, 11 ગામમાં 98થી 99% લોકોને મળી વેક્સિન

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનાથી બચવાનો એક જ ઉપાયનું મહત્ત્વ સમજાયા બાદ ગામડાના લોકોને રસીકરણમાં રસ પડ્યો!
  • અંધશ્રદ્ધાને કારણે કેટલાક ગામમાં બે-ચાર લોકોએ રસી ન લેતા 100 ટકા વેક્સિનેશન થતાં અટક્યું

કોરોનાથી બચવાનો એકમાત્ર ઉપાય વેક્સિન છે. ત્યારે હવે ગામડાંઓમાં પણ લોકો જાગૃત થતાં વેક્સિનેશન વધ્યું છે. રાજકોટ જિલ્લાના 13 ગામોમાં 18થી વધુ ઉંમરના તમામ એટલે કે 100% લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ મળી ગયો છે. જોકે કેટલાક ગામોમાં બે-ચાર લોકો રસી ન લેતા હોવાથી 100 ટકા રસીકરણ થતું અટકી રહ્યું છે.

કોરોનાની પહેલી લહેર ઓછી ઘાતક સાબિત થઈ હતી. જેથી વેક્સિન આવી ગઈ હોવા છતાં લોકો લેતા ડરતા હતાં. પરંતુ બીજી લહેરમાં જોવા મળેલા ભયાનક દ્દશ્યો બાદ લોકો સ્વયં જાગૃત થયાં છે. આરસીએચઓ ડો. ભંડેરીના જણાવ્યા મુજબ ગામડાંઓમાં પણ દરેક લોકો કોરોનાથી બચવા રસી લઈ રહ્યાં છે. રાજકોટ જિલ્લાના 13 ગામોમાં 18થી વધુ ઉંમરના 100% લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત 11 ગામો એવા છે કે જે 100 ટકા વેક્સિનેશનની નજીક છે. જિલ્લાના અલગ અલગ તાલુકાના 11 ગામમાં 98થી 99% લોકોને કોવિડ રસીનો પહેલો ડોઝ મળી ગયો છે. શરૂઆતના તબક્કામાં મોટી ઉંમરના લોકો રસી લેતા ડર અનુભવતા હતાં. કેટલાક લોકો અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓને કારણે પણ રસી નહોતી લઈ રહ્યાં. જોકે હવે તમામ લોકો રસી લેવા માટે આગળ આવી રહ્યાં છે.

એક વ્યક્તિના લીધે આખા ગામનું 100% વેક્સિનેશન ન થઇ શક્યું
રાજકોટ જિલ્લાના જે ગામોમાં 95 ટકા રસીકરણ થઈ ગયું છે. ત્યાં બે -પાંચ લોકો રસી લેવા અંગે જાગૃત ન હોવાથી 100 ટકા વેક્સિનેશન નોંધાઈ રહ્યું છે. ત્યારે લોધિકાના જશવંતપુર ગામમાં પણ એક વ્યક્તિ રસી લેવાની વિરોધમાં હતી. જેથી સ્થાનિક આરોગ્યકર્મીઓ તેમને સમજાવવા પહોંચ્યા હતાં. જોકે તેમ છતાં રસી ન લેતા અંતે મેડિકલ ઓફિસર તેમજ તાલુકા મથકેથી આરોગ્ય અધિકારીઓ તેને સમજાવવા પહોંચ્યાં હતાં અને રસી લીધા બાદ કંઈ થાય તો જવાબદારી લેતા આ વ્યક્તિ રસી લેવા સહમત થયા હતાં. જેથી જશવંતપુર ગામનું લાંબા સમયથી અટકેલું 100 ટકા રસીકરણ પૂર્ણ થયું હતું.

13 ગામોમાં 100% વેક્સિનેશન
ભેળાપીપળિયા, નવા માત્રાવડ, થોરાડા, જશવંતપુર, પરાપીપળિયા, સૂકી સાજડિયાળી, છત્રાસા, જામદાદર, રણજીતગઢ, સૂવાગ, અમરેલી, વચલીઘોડી, ઘુનાનાગામ.

99% વેક્સિનેશન થયેલાં ગામો
સરપંચ સહિતના આગેવાનોની સજાગતાના કારણે ઢોકળિયા, વિરવા, મોટા રામપર, પાંભટાળા, રતનપર, રાદડ, પીપળી, ડુંગરકા, નવી સાંકળી, ભુણા ગામમાં 99% વેક્સિનેશન થયું.

અન્ય સમાચારો પણ છે...