પરિવર્તન:રાજકોટમાં 150 ઈલેક્ટ્રિક બસ મંજૂર, તમામ સિટી અને BRTS બસ ઈલેક્ટ્રિક બસમાં ફરવાશે, જાન્યુઆરીમાં શહેરના માર્ગો પર દોડવા લાગશે

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • ઇલેક્ટ્રિક બસના વપરાશ પર પ્રતિ કિ.મી. રૂ.25 સુધીની સબસીડી સરકાર આપશે

રાજકોટ શહેરને પ્રદૂષણ મુક્ત કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારના સહયોગથી અગાઉ 50 ઈલેક્ટ્રિક બસ મંજૂર થઈ હતી. હવે વધુ 100 ઈલેક્ટ્રિક બસ મંજૂર કરવામાં આવી છે. આથી રાજકોટ શહેરમાં કુલ 150 ઈલેક્ટ્રિક બસ મંજૂર કરવામાં આવી છે. આગામી જાન્યુઆરી મહિનામાં 150 ઈલેક્ટ્રિક બસ રાજકોટના માર્ગો પર દોડશે. શહેરમાં દોડતી તમામ સિટી અને BRTS બસો ઈલેક્ટ્રિક બસમાં ફરવાશે. આ અંગેની માહિતી રાજકોટ મનપાના કમિશનર ઉદિત અગ્રવાલે આપી છે.

હવે ઇલેક્ટ્રિક બસ દોડાવવાનો પ્રોજેક્ટ જાન્યુઆરીમાં જ અમલી બનશેઃ મનપા કમિશનર
ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, ઉર્જા બચત અને પ્રદૂષણ નિવારણની અનેક યોજનાઓને રાજકોટ મહાનગરપાલિકાએ સાકાર કરી છે ત્યારે હવે ઇલેક્ટ્રિક બસ દોડાવવાનો પ્રોજેક્ટ જાન્યુઆરીમાં જ અમલી બનશે. આ માટે અગાઉ સરકારે 50 ઇલેક્ટ્રિક બસ મંજૂર કરી હતી અને હવે વધુ 100 ઇલેક્ટ્રિક બસ મંજૂર કરવામાં આવી છે. આમ કુલ 150 ઈલેક્ટ્રિક બસ રાજકોટને મળનાર છે.

પ્રતિ કિ.મી. રૂ.25 સુધીની સબસીડી સરકાર તરફથી મળશે
જાન્યુઆરી મહિનાથી પ્રથમ તબક્કામાં મળનાર ઈલેક્ટ્રિક બસને BRTS રૂટ તથા સિટી બસના કેટલાક રૂટ ઉપર દોડાવવાનું આયોજન છે. ત્યારબાદ તબક્કાવાર જરૂરિયાત મુજબ ઈલેક્ટ્રિક બસોની સંખ્યા વધારવામાં આવશે અને તમામ સિટી બસ તથા BRTS રૂટમાં બસ ઇલેક્ટ્રિક બસ દોડાવવામાં આવશે. ઉદિત અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રિક બસથી તંત્રને સંચાલન ખર્ચમાં ઘટાડો થશે. કેમ કે કેન્દ્ર સરકાર દ્વારા ફેમ-ટુ યોજના હેઠળ ઇલેક્ટ્રિક બસ ચલાવવા માટે તેના વપરાશ પર પ્રતિ કિ.મી. રૂ.25 સુધીની સબસીડી પણ આપનાર છે. રાજકોટને 20 કરોડની એરક્વોલિટી ગ્રાન્ટ મળી છે.