રાજકોટિયન્સે દિલથી પૈસા ખર્ચ્યા:10 દી’માં 100 કરોડનું ટર્નઓવર, શહેરમાં 500 પંડાલ, હજારો ઘરોમાં મૂર્તિનું સ્થાપન કરાયું

રાજકોટ19 દિવસ પહેલા

આ વર્ષે વિઘ્નહર્તાના સ્વાગતમાં રાજકોટના માર્ગો પર ઉમંગ અને ઉત્સાહનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. કોરોનાએ બે વર્ષથી બ્રેક લગાવી હતી, જdયારે હવે ફરી દરેક તહેવારની ઉજવણી શરૂ થઈ ગઈ છે. રસ્તા પર અને મંડળો- સોસાયટીઓએ બાપાને વધાવવામાં કોઈ પ્રકારની કસર છોડી નથી. સાતમ-આઠમના મેળામાં લોકોએ મન ભરી પૈસા ખર્ચ્યા હતા, જેને પગલે 5 દિવસમાં અંદાજિત રૂ.25 કરોડનું ટર્નઓવર થયું હતું. હવે ગણેશોત્સવમાં પણ રાજકોટિયન્સે દિલથી પૈસા ખર્ચ્યા છે. છેલ્લા દસ દિવસમાં આશરેમાં 100 કરોડનું ટર્નઓવર થયું હોવાનું વેપારીઓએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું.

ડેકોરેશનમાં લાખો રૂપિયાનો ખર્ચ
શહેરમાં ભાતિ ભવ્ય ગણેશ મંડપો સજાવવામાં આવ્યા હતા. પહેલાં સામાન્ય રીતે શહેરના ગણત્તરના આયોજકો દ્વારા જ ભવ્યાતિ ભવ્ય મંડપ વસાવવામાં આવતા હતાં, પરંતુ હવે શહેરના અનેક વિસ્તારોમાં અસંખ્ય આયોજકો દ્વારા મંડપની સાથે લાઇટિંગ અને ડેકોરેશન માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

રાજકોટ સાઉન્ડ એન્ડ લાઇટ એસો.ના અલ્કેશ જેઠવા.
રાજકોટ સાઉન્ડ એન્ડ લાઇટ એસો.ના અલ્કેશ જેઠવા.

ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી
રાજકોટ સાઉન્ડ એન્ડ લાઈટ એસો.ના અલ્કેશ જેઠવાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે કોરોનાં બે વર્ષ બાદ પ્રથમ વખત એવું બન્યું છે કે રાત્રિ કર્ફ્યૂ નથી, જેને કારણે લોકોને ગણેશોત્સવના પર્વની ઉજવણી કરવામાં સરળતા રહી. આ વર્ષે લોકોમાં અનેરો ઉમંગ અને આનંદ પણ જોવા મળી રહ્યો છે. જે રીતે સાતમ-આઠમની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, એ જ રીતે ગણેશોત્સવની પણ રાજકોટમાં ખૂબ જ સુંદર ઉજવણી થઈ હતી.

નાના-મોટા અનેક શ્રમિકોને રોજગારી મળી
આ ઉપરાંત લાઈટના વ્યવસાય સાથે જોડાયેલા ચિરાગભાઈ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોનાકાળ બાદ વ્યવસાયમાં સાચે જ ઘણો વ્યાપ વધ્યો છે, સાતમ આઠમ અને એનાથી પણ વધુ ગણેશોત્સવમાં ઘણું કામ મળ્યું. મારા વ્યવસાયમાં મારી સાથે જોડાયેલા નાના-મોટા અનેક શ્રમિકોને રોજગારી મળી હતી.

પંડાલનું દૈનિક ભાડું એકથી પાંચ લાખ.
પંડાલનું દૈનિક ભાડું એકથી પાંચ લાખ.

125% નફો પ્રાપ્ત થયો છે
રાજકોટ મંડપ એસોસિયેશનના પ્રમુખ જિતેન્દ્ર સાકરિયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોના બાદ વ્યવસાય માટે જે આવી છે સાતમ-આઠમ અને ગણેશોત્સવમાં ગત વર્ષ કરતાં 125%નો નફો પ્રાપ્ત થયો છે. આટલો નફો વધવા પાછળનું એક જ કારણ છે કે લોકો અને વેપારીઓનો ઉત્સાહ... આ વર્ષે અમને લોકોને પણ કોરોના બાદ મુક્તપણે વ્યવસાય કરવાની તક મળી હતી, જેથી અમારામાં પણ અનેરો ઉત્સાહ હતો. આ વખતે ગણેશ ઉત્સવમાં લાઈટ સાઉન્ડ ડેકોરેશન ફુલ સહિતના વિવિધ વ્યવસાયોને સારો નફો થયો છે.

10 દિવસ મંડપ લાખોનો ખર્ચ કરાયો
ગણપતિ ઉત્સવમાં આટલો ઉત્સાહ અમે ક્યારેય જોયો નથી. અમુક મંડપ સર્વિસમાં તો મંડપ પણ ખૂટી ગયા હતા. ભવ્યથી લઈને નાના પંડાલ પણ આ વર્ષે બનાવવામાં આવ્યા હતા, જેનો ખર્ચ મોટો આવતો હોય છે. દૈનિક એનું ભાડું નક્કી હોય છે, જેમાં 10 દિવસમાં એક લાખથી પાંચ લાખ સુધીના ભાડા સાથેના મંડપ બાંધવામાં આવ્યા હતા અને આયોજકોએ મંડપ ફરતે પણ અનેરું ડેકોરેશન કર્યું હતું.

ભક્તો બાપ્પાને ભાવભેર વિદાય આપશે.
ભક્તો બાપ્પાને ભાવભેર વિદાય આપશે.

1654 પોલીસ બંદોબસ્તમાં રહેશે
ઉલ્લેખનીય છે કે 10 દિવસ સુધી ગણેશપૂજન કર્યા બાદ આજે ભક્તો બાપ્પાને ભાવભેર વિદાય આપશે. ગણેશવિસર્જન દરમિયાન કોઈ અણબનાવ ન બને એ માટે મહાનગરપાલિકા અને પોલીસતંત્રએ પૂરતી તૈયારી રાખી છે. આજે કુલ 7 સ્થળે ગણેશવિસર્જન કરી શકાશે તેમજ 1654 પોલીસ બંદોબસ્તમાં રહેશે. જ્યારે વિસર્જન સ્થળે રેસ્ક્યૂ ટીમ ક્રેન, લાઇટિંગ સહિતની સુવિધા માટે ખડેપગે રહેશે.