વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજકોટ રેન્જ IG અશોક યાદવે રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના SP સાથે બેઠક યોજી હતી. જેમાં રાજકોટ SP જયપાલસિંહ રાઠોડ, મોરબી SP રાહુલ ત્રિપાઠી, જામનગર SP પ્રેમસુખ ડેલૂ, દેવભૂમિ દ્વારકા SP નિતેશ પાંડેય, સુરેન્દ્રનગરના SP હરેશકુમાર દુધાત તેમજ આ જિલ્લાઓના 9 ડિવિઝનના Dysp ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ચૂંટણીને લઈને પોલીસ તંત્રની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ચૂંટણીને લઈ રાજકોટ, જામનગર,મોરબી, સુરેન્દ્રનગર અને દ્વારકા જિલ્લામાં 100 ચેક પોસ્ટ કાર્યરત છે અને 361 પોલીસ કર્મીનું રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
7915માંથી 7707 લાયસન્સવાળા હથિયારો જમા લેવાયા
રાજકોટ રેન્જ આઇજીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સામે આવેલ વિગતો મુજબ રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં 100 ચેક પોસ્ટ કાર્યરત છે, જેમાં 361 પોલીસ કર્મચારીઓ ગેરકાયદે હેરફેર અટકાવવા માટે રાઉન્ડ ધ ક્લોક ચૂંટણીલક્ષી વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા છે. જ્યારે 7915માંથી 7707 લાયસન્સવાળા હથિયારો જમા લઇ લેવાયા છે, બાકી રહેલા 208 હથિયાર જમા લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
5 જિલ્લામાં BSFની 4 કંપની તૈનાત
આગામી વિધાનસભા ચૂંટણી માટે રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં બી.એસ.એફ.ની 4 કંપનીઓ અને સી.આર.પી.એફ.ની 8 કંપનીઓ મળી કુલ 12 કંપનીઓની ફાળવણી કરી દેવામાં આવી છે. જે સંવેદનશીલ વિસ્તારોમાં સમયાંતરે ફૂટ પેટ્રોલિંગ કરી રહી છે અને ચૂંટણી સમયે અનિચ્છનીય બનાવ ન બને તેમજ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઇ તે માટે બંદોબસ્ત પર હાજર રહેશે.
જામનગર રોડ ઉપર વાહનોનું સતત ચેકિંગ
આચારસંહિતાના પાલન સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દરેક પ્રકારની ગતિવિધિઓ ઉપર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ખાસ કરીને આર્થિક લેવડ દેવડ વ્યવહાર અને પ્રલોભીત કરતી સામગ્રીઓ પર સ્ટેટીક સર્વેલન્સ ટીમ દ્વારા દરેક વિધાનસભા મત વિસ્તારમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ત્યારે 69 રાજકોટ પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારના બજરંગ વાડી પોલીસ ચોકી જામનગર રોડ ઉપર વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે લોકશાહીના પર્વમાં દરેક ટીમ પૂરા ઉત્સાહ સાથે કામગીરી કરી રહી છે. સ્ટેટીક સર્વેલન્સ ટીમની કામગીરી માટે જનતા તરફથી પણ સારો પ્રતિસાદ અને સહયોગ મળી રહ્યો છે.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વોટ્સએપ ચેટબોટ ગ્રુપની શરૂઆત કરાઈ
લોકશાહીના અવસરમાં દરેક મતદાતા કોઈ પણ પ્રકારની અડચણ અને મૂંઝવણનો અનુભવ કર્યા વિના એકદમ સરળતાથી જોડાઇ તે માટે ચૂંટણી પંચ દ્વારા આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે મતદાતાઓને વિવિધ એપ્લિકેશનો દ્વારા હેતુલક્ષી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. મતદાતાઓને ટેકનોલોજી મારફત ચૂંટણી સંબંધિત કોઈ પણ પ્રકારની માહિતી આંગળીના ટેરવે મળી રહે તે માટે ગરૂડા એપ, વોટર હેલ્પ લાઈન, PwD, C-vigil, સર્વિસ વોટર પોર્ટલ સહિતની એપ્લિકેશનો પૂરી પાડવામાં આવી છે.
ગ્રુપમાં જોડાવા માટેનો નંબર જાહેર કરવામાં આવ્યો
મતદાતાઓની સુવિધામાં વધારો કરતાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વોટ્સએપ ચેટબોટની શરૂઆત કરવામાં આવી છે. આ ગ્રુપમાં જોડાવા માટેનો નંબર- 6357147746 છે. વોટ્સએપ ચેટબોટ મેસેજ સર્વિસમાં મતદાતાઓ મતદાર યાદી સંબંધિત, ઉમેદવાર સંબંધિત અને ચૂંટણી મતદાન સંબંધિત પ્રશ્નો જવાબ અને તમામ પ્રકારની માહિતી આ ગ્રુપમાં ઉપલબ્ધ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.