તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીના મહાઅભિયાનનો ‘મહા’ ફિયાસ્કો:રાજકોટમાં 100 કેન્દ્રમાંથી આજે માત્ર 42 કેન્દ્ર જ ચાલુ, વૃદ્ધે કહ્યું- રિક્ષા કરી કેન્દ્ર સુધી પહોંચીએ છીએ, ભાડાના પૈસા પણ વ્યર્થ જાય છે

રાજકોટ3 મહિનો પહેલા
કેન્દ્ર બહારથી જ લોકોને કહેવામાં આવે છે કે રસી નથી.
  • રોજના 20 હજારના લક્ષ્યાંક સામે માત્ર ચોથા ભાગનું વેક્સિનેશન થાય છે
  • રાજકોટમાં કોવિશિલ્ડ વેક્સિનનો એક પણ ડોઝ ઉપલબ્ધ નથી, બીજા ડોઝ માટે લોકોના ધક્કા

રાજ્ય સરકાર દ્વારા વધુને વધુ વેક્સિનેશન કરી રસીકરણ મહાઅભિયાન શરૂ કરવાના બણગા ફૂક્યા હતા. જોકે તેની સામે વેક્સિનેશનના આ મહાઅભિયાનનો મહા ફિયાસ્કો થયો છે. લોકો વેક્સિન લેવા સામે ચાલીને આવી તો રહ્યા છે. પરંતુ વેક્સિનના અપુરતા જથ્થાના કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે અને કેન્દ્ર પર રોજ ખાલી ધક્કા ખાવા પડી રહ્યા છે. આજે રાજકોટમાં મહાઅભિયાનની શરૂઆત થઈ ત્યારે 100 કેન્દ્રો પર વેક્સિનેશન થતું હતું. પરંતુ વેક્સિનના અભાવે આજે માત્ર 42 કેન્દ્રો પર જ વેક્સિનેશન થઇ રહ્યું છે. આથી લોકો રોષે ભરાયા છે અને એક વૃદ્ધે જણાવ્યું હતું કે, રિક્ષા કરી કેન્દ્ર સુધી પહોંચીએ છીએ અને વેક્સિન ન મળતા ભાડાના રૂપિયા પણ વ્યર્થ જાય છે.

રવિવારે 60 કેન્દ્ર પર વેક્સિનેશન ચાલુ હતું
રોજ 5થી 6000 લોકોને વેક્સિન આપવામાં આવી રહી છેઆજે 42 કેન્દ્ર પર રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જોકે સતત બીજા દિવસે કોવીશિલ્ડનો જથ્થો રાજકોટને મળ્યો નથી. તેના કારણે સૌથી વધુ મુશ્કેલી સર્જાય રહી છે. રાજકોટ મનપા દ્વારા રોજ 20,000 લોકોને વેક્સિન આપવાના લક્ષ્યાંક સાથે શરૂઆતના તબક્કે 100 કેન્દ્ર પર રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજે દિન પ્રતિદિન વેક્સિનના અભાવે કેન્દ્રો બંધ કરવામાં આવી રહ્યા છે. રાજકોટમાં આજે માત્ર 42 કેન્દ્ર પર રસીકરણ પ્રક્રિયા કાર્યરત છે. જે રવિવારે 60 કેન્દ્ર પર ચાલુ હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 દિવસથી પરિસ્થિતિ એવી છે કે લક્ષ્યાંકના ચોથા ભાગનું રસીકરણ માંડ થઇ રહ્યું છે. એટલે કે 20,000 ના લક્ષ્યાંક સામે માત્ર 5થી 6000 લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે.

62 વર્ષીય વૃદ્ધ ભગવતસિંહ ઝાલા.
62 વર્ષીય વૃદ્ધ ભગવતસિંહ ઝાલા.

લાઇનમાં બેસી સમય પણ બરબાદ થાય છેઃ વૃદ્ધ
રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધ ભગવતસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, રસીકરણ કેન્દ્ર પર ધરમના ધક્કા થઇ રહ્યા છે, પ્રથમ 45 દિવસે આવ્યા ત્યારે 84 દિવસે આવવા બહાનું આપવામાં આવ્યું હતું. આજે 84 દિવસે આવ્યા તો વેક્સિન ન હોવાનું બહાનું આપવામાં આવી રહ્યું છે. ગરીબ અને મધ્યમ વર્ગના જ લોકો પીસાય રહ્યા છે. લાઇનમાં બેસી સમય પણ બરબાદ થાય છે અને રિક્ષા કરી કેન્દ્ર સુધી પહોંચીએ છીએ પરંતુ વેક્સિન ન મળતા રિક્ષા ભાડાના પૈસા પણ વ્યર્થ જાય છે.

કેન્દ્ર પર લોકોની લાઈન.
કેન્દ્ર પર લોકોની લાઈન.

બીજા ડોઝ સમયસર આપી શકતા નથી
આ સાથે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તંત્રમાં મેનેજમેન્ટનો અભાવ જોવા મળી રહ્યો છે. જે લોકોએ વેક્સિન આપી તેમને બીજા ડોઝ સમયસર આપી નથી શકતા અને યુવાનો તેમજ 45 વર્ષથી વધુને વેક્સિન આપવાની વાતો કરી રહ્યા છે. આ જોતા એક વાત ચોક્કસ છે કે વેક્સિન ન મળતા લોકોમાં આક્રોષ જરૂર જોવા મળી રહ્યો છે.

કોવિશિલ્ડ વેક્સિનનો એક ડોઝ રાજકોટમાં નથી
રાજકોટ મહાનગરપાલિકાના નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે રાજકોટ શહેરમાં 42 કેન્દ્ર પર રસીકરણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને કોવેક્સિનના 6000 ડોઝ રાજકોટ મનપાને ફાળવવામાં આવ્યા છે. જ્યારે કે સતત બીજા દિવસે કોવિશિલ્ડના એક પણ ડોઝની ફાળવણી કરવામાં આવી નથી. આ સાથે કોવિશિલ્ડ વેક્સિનનો જથ્થો ક્યારે મળશે તે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, કોવિશિલ્ડ વેક્સિન ક્યારે મળશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ હાલના તબક્કે કોવિશિલ્ડ વેક્સિનનો એક પણ ડોઝ રાજકોટ મનપામાં ઉપલબ્ધ નથી.

સૌથી વધારે વૃદ્ધો હેરાન થાય છે.
સૌથી વધારે વૃદ્ધો હેરાન થાય છે.

લોકો વારંવાર રસીકરણ કેન્દ્ર પર વેક્સિન લેવા માટે ધક્કા ખાય રહ્યા છે
રાજકોટમાં કોવિશિલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોય અને તેમને 84 દિવસ સમય થઇ ગયો હોય માટે બીજા ડોઝ લેવાનો હોય તેવા 1 લાખથી વધુ લોકો છે કે જેમને વેક્સિનનો બીજો ડોઝ ક્યારે આપવામાં આવશે તે હજુ કહી શકાય તેમ નથી. તેમાં મોટાભાગે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોનો પણ સમાવેશ થાય છે અને તે લોકો વારંવાર રસીકરણ કેન્દ્ર પર વેક્સિન લેવા માટે ધક્કા ખાય રહ્યા છે.

ગઇકાલે 21માંથી ઘટાડીને આજે 15 સેશન સાઇટ પર જ વેક્સિનેશન
(1)મવડી આરોગ્ય કેન્દ્ર
(2)નાનામવા આરોગ્ય કેન્દ્ર
(3)નંદવન આરોગ્ય કેન્દ્ર
(4)શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
(5)સીટી સિવિક સેન્ટર- અમીન માર્ગ
(6)નારાયણનગર આરોગ્ય કેન્દ્ર
(7)અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર
(8)હુડકો આરોગ્ય કેન્દ્ર
(9)સદર આરોગ્ય કેન્દ્ર
(10)જંકશન આરોગ્ય કેન્દ્ર
(11)કબીરવન આરોગ્ય કેન્દ્ર
(12)મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર
(13)ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આરોગ્ય કેન્દ્ર
(14)કોઠારીયા આરોગ્ય કેન્દ્ર
(15)આંબડેકરનગર આરોગ્ય કેન્દ્ર

વેક્સિનના અભાવે લોકો ધક્કા ખાય રહ્યા છે.
વેક્સિનના અભાવે લોકો ધક્કા ખાય રહ્યા છે.

વેક્સિન વગર પ્રથમ નંબરે કેવી રીતે પહોંચાશે
રાજકોટ શહેરમાં 100% વેક્સિનેશન સાથે ગુજરાતમાં પ્રથમ નંબર પર પહોંચવા માટે પદાધિકારીઓ અને અધિકારીઓ અપેક્ષા સાથે સપનાઓ જોઇ તો રહ્યા છે પરંતુ વેક્સિન વગર પ્રથમ નંબરે કેવી રીતે પહોંચી શકાય તે પ્રશ્ન તેમના મનમાં કેમ નથી ઉદભવી રહ્યો તે પણ એક સવાલ છે.