તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં 100 બેડની ઇન્ડો અમેરિકન સિસ્ટમની મુવેબલ હોસ્પિટલ બનશે, આજે બપોર સુધીમાં એક પણ કેસ નહીં

રાજકોટ23 દિવસ પહેલા
પ્રતિકાત્મક તસવીર.
  • ICUમાં હોય તેવી તમામ સુવિધાઓ આ ‘પેરાસુટ હોસ્પિટલ’માં પુરી પાડી શકાશે

રાજકોટમાં કોરોના કેસ છેલ્લા દોઢ મહિનાથી એક કે બે તો ક્યારેક શૂન્યની સંખ્યામાં નોંધાય રહ્યા છે. ગઇકાલે શહેરમાં એક માત્ર કેસ નોંધાયો હતો. આજે બપોર સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી. શહેરમાં કુલ કેસની સંખ્યા 42810 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 10 દર્દી સારવાર હેઠળ છે. શહેરની ચૌધરી હાઇસ્કૂલમાં 100 બેડની ઇન્ડો અમેરિકન સિસ્ટમની મુવેબલ હોસ્પિટલ બનાવવામાં આવશે. રાજકોટ જિલ્લામાં 74 ગામમાં 100 ટકા વેક્સિનેશન નોંધાયું છે. રાજકોટ શહેરમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18થી 44 વર્ષના કુલ 3234 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 1209 સહિત કુલ 4443 નાગરિકોએ રસી લીધી હતી.

શહેરમાં કોંગ્રેસની ન્યાય યાત્રા યોજાઈ
કોંગ્રેસ દ્વારા તાજેતરમાં જ ન્યાય યાત્રા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. કોરોના સંક્રમણ દરમિયાન જે પરિવારના સભ્યોનું કોરોનાને કારણે મોત નીપજ્યું હોય તેમને ન્યાય આપવા કોંગ્રેસે યાત્રા શરૂ કરી છે.ત્યારે રાજકોટ શહેરમાં આજે કોંગી આગેવાનો દ્વારા સ્વ.કેતનભાઈ મનસુખભાઈ ધામેચાના પરિવારની મુલાકાત લીધી હતી તેની બહાર સ્ટીકર પણ લગાવ્યા હતા.

મૃતક પરિવારના લોકોને શાંતવના પાઠવી
કોરોનાકાળમાં જે લોકોના મૃત્યુ થયા છે તેમને રાજ્ય સરકાર આર્થિક રીતે સહાય આપે તેવી માગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. દરેક પરિવારને ચાર લાખ રૂપિયા આપવામાં આવે તે પ્રકારની માગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. મૃતક પરિવારના લોકોને શાંતવના પાઠવવામાં આવી હતી. તેમની પાસેથી કોંગ્રેસ દ્વારા એક ફોર્મ ભરાવવામાં આવી રહ્યું છે. તે ફોર્મની અંદર તમામ પ્રકારની માહિતી લેવામાં આવી રહી છે.

ઇન્ડો અમેરિકન ટેકનોલોજીની મુવેબલ હોસ્પિટલ
કોરોનાની બીજી ઘાતક લહેરમાં સિવિલ હોસ્પિટલની બહાર ચૌધરી હાઇસ્કૂલના મેદાનથી લઇને છેક રોડ સુધી એમ્બ્યુલન્સની લાઇન લાગી હોવાની કંપારી છોડાવતા દ્રશ્યો જીવનભર ભૂલી શકાય તેમ નથી. હજુ સંભવિત ત્રીજી લહેરનો ખતરો તોળાય રહ્યો છે. ત્યારે એક નવીન ટેક્નલોજી સાથે ચૌધરી હાઇસ્કૂલનાં મેદાનમાં જરૂર પડ્યે એકસાથે 100 બેડની વ્યવસ્થા કરી શકાય તેવી ઇન્ડો અમેરિકન ટેકનોલોજીની મુવેબલ હોસ્પિટલની તૈયારી કલેક્ટર અરૂણ મહેશ બાબુએ કરાવી છે.

સમગ્ર ભારતમાં આ પ્રકારની પ્રથમ હોસ્પિટલ રાજકોટમાં: કલેક્ટર
કોરોનાની બીજી ઘાતક લહેરમાં ઓક્સિજન બેડ, સામાન્ય બેડ સહિતના ટાંચા સાધનોને લઇને જે સ્થિતિ થઇ હતી. તેમાંથી બોધપાઠ લઇને સંભવિત ત્રીજી લહેર સામે અત્યારથી જ તમામ સ્તરે તૈયારીઓ સ્ટેન્ડ ટુ રાખવામા આવી છે. ઇન્ડો અમેરિકન ટેક્નોલોજીથી આ પ્રકારની એર ડોમ ટાઇપ મુવેબલ હોસ્પિટલની વ્યવસ્થા સમગ્ર ભારતમાં પ્રથમ રાજકોટમાં થઇ રહી છે. સમગ્ર ભારતમાં આ પ્રકારની પ્રથમ હોસ્પિટલ હશે તેમ કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું.

2,32,942 લોકોને બીજો ડોઝ પણ અપાય ગયો
રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કોરોના પ્રતિરોધક રસી માટે વ્યાપક કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લાના 74 ગામોમાં 100 ટકા રસીકરણ કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જણાવ્યા મુજબ જિલ્લામાં કુલ 11,64,376 લોકો રસીકરણ માટે પાત્રતા ધરાવે છે. જેમાં પ્રથમ ડોઝ ફ્રન્ટલાઇન વર્કર 20132, હેલ્થ વર્કર 11698, તેમજ 18થી 44 વર્ષના 4,55,523 તથા 45થી 60 વર્ષના 2,31,538 અને 60 વર્ષથી ઉપરના 1,50,050 મળી કુલ 8,68,941 લોકોને આપવામાં આવતા 74 ટકા સિદ્ધી હાંસલ થઇ છે. આ ઉપરાંત 2,32,942 લોકોને બીજો ડોઝ પણ અપાય ગયો છે.

અન્ય સમાચારો પણ છે...