પુનિતનગરમાં ચાર વર્ષ પૂર્વે થયેલી યુવાનની હત્યાના ગુનામાં ત્રણ આરોપીને અધિક સેશન્સ જજ બી.બી.જાદવે તકસીરવાન ઠેરવ્યા છે. જેમાં શનિ રમેશ ચારોલાને આઇપીસી 304ની કલમ હેઠળ દોષિત માની 10 વર્ષની, જ્યારે સુનિલ વિનોદ સાડમિયા અને સંદીપ રણજિત ચારોલાને આઇપીસી 326ની કલમ હેઠળ 10-10 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે.
પુનિતનગરમાં રહેતા વિજય નરસિંહભાઇ સરવૈયા નામનો યુવાન તા.6-1-2019ની સાંજે સાત વાગ્યાના અરસામાં ઘર નજીક હતો. ત્યારે આરોપી શનિ ચારોલા વિજયની પત્ની વિશે ખરાબ વાતો બોલતો હોય વિજયે ખોટી વાતો ન ફેલાવવા ઠપકો આપ્યો હતો. ત્યારે શનિ સાથે રહેલા સુનિલ અને સંદીપે સાથે મળી વિજય સાથે ઝઘડો કર્યો હતો.
મામલો વધુ બિચકતા ત્રણેયે વિજયને માર માર્યો હતો. બાદમાં શનિએ નજીક રોડ પર પડેલો પથ્થર ઉઠાવી વિજયના મોઢા પર ઘા ઝીંકી દેતા વિજય બેભાન થઇ રોડ પર ઢળી પડ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા વિજયને પ્રથમ રાજકોટ અને બાદમાં વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તા.23-1ના રોજ વિજયે દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો.
દરમિયાન અદાલતમાં કેસ ચાલતા બચાવ પક્ષે ગંભીર રીતે ઘવાયેલો યુવાન 16 દિવસ સુધી જીવિત રહ્યો હોય ત્યારે ત્રણેયને હત્યાના ગુનામાં તકસીરવાન ઠેરવી ન શકાય તેવી દલીલો કરી હતી. બીજી તરફ સરકાર પક્ષે રોકાયેલા જિલ્લા સરકારી વકીલ સંજયભાઇ વોરાએ મૃતકને થયેલી ઇજા ન્યુરોલોજિકલ હોવાથી આવી ઇજાના પરિણામો તાત્કાલિક જણાતા નથી. જે રજૂઆતોને ધ્યાને લઇ અદાલતે ત્રણેય આરોપીને સજા ફટકારતો હુકમ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.