કોર્ટનો નિર્ણય:4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને 10 વર્ષની સજા

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોધિકા પંથકમાં બે વર્ષ પહેલા આચર્યું’તું કૃત્ય

રાજકોટ જિલ્લાના લોધિકા પંથકમાં બાળકી પર દુષ્કર્મ આચરવાના ગુનામાં પકડાયેલા આરોપી લાલજી હીરા ખીમસુરિયાને ગોંડલની સેશન્સ કોર્ટે દોષિત ઠેરવી 10 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે. લોધિકા પંથકમાં રહેતી ચાર વર્ષની બાળકી તા.17-8-2019ના રોજ તેના મોટાબાપુના ઘરે રમતી હતી. ત્યારે આરોપી પાડોશમાં રહેતો હોય બાળકી એકલી જોવા મળી હતી. 45 વર્ષના આરોપી લાલજીને બાળકી પણ ઓળખતી હોય તેને ઘરમાં લઇ ગયો હતો. જ્યાં માસૂમ બાળકી પર બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. બનાવથી બાળકીએ ચીસાચીસ કરી મૂકતા માતા-પિતા દોડી આવ્યા હતા.

આ સમયે લાલજી ઘરમાંથી ભાગ્યો હતો. જ્યારે બાળકીને જોતા તે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેને તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. તબીબી સારવારમાં બાળકી પર દુષ્કર્મ આચર્યાનું ખૂલતા બાળકીના પરિવારે લોધિકા પોલીસમાં આરોપી લાલજી સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે લોધિકા પોલીસે આરોપી લાલજી ખીમસુરિયાને ગામની સીમમાંથી ઝડપી લઇ ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આરોપી લાલજીને જેલહવાલે કરાયો હતો.

દરમિયાન માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર લાલજી સામે ગોંડલની સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. કેસ દરમિયાન સરકારી વકીલ ઘનશ્યામભાઇ કે.ડોબરિયાએ દસ્તાવેજી પુરાવાઓ તેમજ સાત શાહેદને કોર્ટમાં રજૂ કરી તપાસ્યા હતા. જેમાં ભોગ બનનાર બાળકીની માતા, સારવાર કરનાર તબીબ તેમજ બનાવની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીની જુબાની લેવામાં આવી હતી. બંને પક્ષની દલીલો, રજૂઆત પૂરી થયા બાદ સ્પે.પોક્સો જજ વી.કે.પાઠકે સરકાર પક્ષે રજૂ કરેલા પુરાવાઓ તેમજ જુબાનીઓને ધ્યાને લઇ આરોપી લાલજી ખીમસુરિયાને દોષિત ઠેરવી 10 વર્ષની સખત સજા ફટકારતો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...