ગમખ્વાર અકસ્માત:જસદણ અમદાવાદ હાઈવે પર રોડ ક્રોસ કરતા 10 વર્ષના બાળકને બેફામ કાર ચાલકે ઠોકરે લેતા મોત

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક બાળકની ફાઈલ તસવીર - Divya Bhaskar
મૃતક બાળકની ફાઈલ તસવીર
  • બાળકનના મૃતદેહને જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

જસદણ નજીક યમરાજાએ પડાવ નાખ્યો હોય તેમ અકસ્માતોમાં માનવ જિંદગી છાશવારે હોમાઈ રહી હોવાની પોલીસ ચોપડે શાહી હજુ સુકાઇ નથી. આજે સવારે જસદણના આટકોટ અને હનુમાન ખારચીયા ગામ વચ્ચે આજે સવારે સ્કૂલવેન અને કાર વચ્ચે સામસામી ધડાકાભેર ટક્કર થઈ હતી. જેમાં ધો.5ની વિદ્યાર્થિની ગૌરીનું મોત નીપજ્યું છે. જ્યારે 8 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. આ ઘટના બન્યાને હજુ થોડો જ સમય થયો છે. ત્યાં જસદણ અમદાવાદ હાઈવે પર રોડ ક્રોસ કરતા 10 વર્ષના બાળકને બેફામ કાર ચાલકે ઠોકરે લેતા મોત થયાની વિગતો સામે આવી છે.

કાર ચાલક ફરાર થઈ ગયો
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર જસદણ અમદાવાદ હાઈવે લીલાપુર પાસે 10 વર્ષીય બાળક રાકેશ રાણાને પુરપાટ વેગે આવતી કારે અડફેટે લેતા બાળકનું ઘટના સ્થળે મોત થયુ હતું. જ્યાં અકસ્માત સર્જનાર કાર ચાલક ફરાર થઈ ગયો હતો. બાળકના મોતના સમાચાર સાંભળીને પરિવારમાં કાળો કલ્પાંત છવાઈ ગયો હતો.

108ની ટીમ ઘટના સ્થળે પહોંચી
સૌ પ્રથમ 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં બાળકને મૃત જાહેર કર્યા બાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યાંથી પોલીસ દ્વારા બાળકનના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનો પીએમ કરવામાં આવ્યું હતું.હાલ પોલીસે બેફામ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
(કરશન બામટા, આટકોટ)