મહિલા ASI સામે કાર્યવાહી:રાજકોટમાં 10 હજારની લાંચ લેતી રંગહાથ ઝડપાઇ હતી, ACBએ તેના ઘરની તપાસ કરી, બેંક ખાતા અને લોકરની પણ તપાસ કરાશે

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar
ફાઈલ તસવીર.

રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશનના મહિલા ASI ગીતા પંડ્યા બે દિવસ પહેલા 10 હજારની લાંચ લેતી ACBના હાથે રંગેહાથ ઝડપાઇ હતી. બાદમાં ACBએ ગીતા પંડ્યાની તપાસ કરી હતી. ગીતા પંડ્યાએ અગાઉ લીધેલા 10 હજાર રૂપિયા રિકવર કરવા મથામણ કરવામાં આવી રહી છે. બે દિવસના રિમાન્ડમાં વધુ તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત ગીતા પંડ્યાના બેંક ખાતા અને લોકરની પણ તપાસ થશે. તેમજ ઉપરી અધિકારીને લાંચના રૂપિયાનો ભાગ આપતા હતા કે નહીં તે અંગે પણ તપાસ કરશે.

મારામારીના ગુનામાં ફરિયાદી પાસેથી 20 હજારની માગ કરી હતી
માલવિયાનગર પોલીસ સ્ટેશનની મહિલા એએસઆઇ ગીતા પંડ્યાને એસીબીની ટીમે શુક્રવારે રૂ.10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધી હતી, ગીતાને એસીબીની ટીમે બે દિવસના રિમાન્ડ પર લઇ તપાસ આગળ ધપાવી હતી. માલવિયાનગર પોલીસ સ્ટેશન દફતરે નોંધાયેલા મારામારીના ગુનામાં ફરાર આરોપીને નહીં પકડવા, તે રજૂ થાય ત્યારે તેને મારકૂટ નહીં કરવા, લોકઅપમાં નહીં રાખવા અને તાત્કાલિક જામીન પર મુક્ત કરવાના બદલામાં માલવિયાનગર પોલીસ સ્ટેશનની એએસઆઇ ગીતા યશવંતકુમાર પંડ્યાએ રૂ.20 હજારની લાંચ માગી હતી.

મારામારીના ગુનામાં ફરિયાદીના પતિને પકડવાનો બાકી હતો
આ કામના ફરિયાદી મહિલા અને તેના પતિના વિરૂદ્ધમાં માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં મારામારી અંગેનો ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં ફરિયાદીના પતિની અટકાયત કરવાના બાકી હોય ફરિયાદીએ આ ગુનાની તપાસ કરનાર મહિલા ASI ગીતા પંડ્યાને મળતા તેણે ફરિયાદીને તેઓના પતિ હાજર થયેથી લોક-અપમાં નહીં રાખવા તથા માર નહીં મારવાના અને તુરંત જ જામીન પર મુક્ત કરી દેવાના બદલામાં રૂ.20 હજારની લાંચની માંગણી કરી હતી.

અગાઉ ફરિયાદી પાસેથી 10 હજાર લઈ લીધા હતા
અગાઉ ફરિયાદી પાસેથી રૂ.10 હજાર લઈ લીધા હતા. બાકી રહેલી રૂ.10 હજારની રકમ શુક્રવારે આક્ષેપિતને ફોન કરી આપવા જવા અંગેનો વાયદો થયો હતો. આ લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોય એસીબી પોલીસ સ્ટેશન રાજકોટ શહેર ખાતે આવી ફરિયાદીએ પોતાની ફરિયાદ કરી હતી. ફરિયાદીની ફરિયાદના આધારે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગોઠવેલ લાંચના છટકા દરમિયાન આ કામના આક્ષેપિત પંચ 1ની હાજરીમાં ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. બાદમાં લાંચની રકમ માગી અને સ્વીકારી હતી. જે છટકા દરમિયાન મહિલા ASI રંગેહાથ ઝડપાઇ ગઈ હતી. એસીબીએ મહિલા ASI સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અગાઉ PGVCLનો નાયબ ઇજનેર 60 હજારની લાંચ લેતા ઝડપાયો હતો
માર્ચ 2022માં રાજકોટ પીજીવીસીએલના નાયબ ઇજનેર પીજીવીસીએલના નાયબ ઇજનેર દેવેન્દ્ર ખુશાલસિહ દાંતલાએ ડાયરેક્ટ તાર નાખી વીજ ચોરી કરી હોવાનુ જણાવી વીજચોરીનો કેસ દાખલ કરવાનું અને તેમાં 5 લાખનો દંડ તથા જેલની સજા કરાવવાનો ડર બતાવ્યો હતો. જો કેસ દાખલ ન થવા દેવો હોય તો 2 લાખની લાંચ માગી હતી. ફરિયાદીએ રકઝક કરતા અને ઓછું કરવા જણાવતા 80,000 અને છેલ્લે 60,000 રૂપિયા આપવા જણાવ્યું હતું.

નાયબ ઇજનેર સાથે તેના સહયોગીની પણ ધરપકડ કરી હતી
ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોવાથી તેમણે રાજકોટ ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી. જેના આધારે વીંછિયા ખાતે ગોઠવેલા લાંચના છટકા દરમિયાન પીજીવીસીએલના નાયબ ઇજનેર દેવેન્દ્ર દાંતલા અને તેમના સહયોગી અજય ડાભીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી 60,000 રૂપિયાની લાંચની રકમ માગી સહયોગી અજય ડાભીને આપી હતી. એ જ સમયે એસીબીની ટીમ આવી જતા બન્નેને રંગેહાથ ઝડપ્યા હતા. આરોપીઓની એસીબીએ ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...