રાજકોટના ક્રાઈમ ન્યૂઝ:આજી વસાહતમાં કુદરતી હાજતે ગયેલો યુવાન બાથરૂમમાંથી બેભાન હાલતમાં મળ્યો, હોસ્પિટલ પહોંચે તે પહેલા મોત

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક યુવાનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
મૃતક યુવાનની ફાઈલ તસવીર.

રાજકોટના આજી વસાહતમાં ખોડિયારનગર શેરી નં.23માં રહેતા નિલેશ ધરમશીભાઇ ચાવડા (ઉં.વ.23) આજે ઘરે હતો ત્યારે તે વહેલી સવારે 6 વાગ્યે ઉઠીને બાથરૂમમાં કુદરતી હાજતે ગયો હતો. જે ઘણા સમય પછી પણ બહાર આવ્યો ન હતો. જેથી તેના પિતાએ દરવાજો ખટખટાવ્યો છતાં દરવાજો ન ખોલતા તેના પિતાએ દરવાજો તોડી જોતા પુત્ર બેભાન થઇ પડ્યો હતો. જેને તાત્કાલિક બહાર કાઢી 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસ મથકને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો.

બાઈક થાંભલા સાથે અથડાતા યુવાનનું મોત
રાજકોટના સુભાષનગરમાં રહેતો મિતુલ પોપટાણી (ઉં.વ.30) ગત રાત્રીના 11 વાગ્યાની આસપાસ પુનિતનગર તરફથી પોતાના ઘરે બાઈક લઈ આવી રહ્યો હતો. ત્યારે શ્રીજી હોટેલ સામે પહોંચતા પૂરપાટ ઝડપે બાઈક સીધી થાંભલા સાથે અથડાતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને 108ને જાણ કરતા 108 ના ઈએમટીએ યુવકને તપાસી મૃત જાહેર કર્યો હતો.

મૃતકને સંતાનમાં એક પુત્ર
બનાવ અંગે જાણ થતાં માલવિયાનગર પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને સિવિલ હોસ્પિટલે પોસ્ટ મોર્ટમ માટે ખસેડી ટ્રાફિક ક્લીયર કર્યો હતો. તેમજ બનાવની જાણ પરિવારને કરી હતી. મૃતક ફાયનાન્સની પેઢીમાં કામ કરતો હતો અને સંતાનમાં એક પુત્ર છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

મોબાઈલોની ચોરી કરનાર મહિલા સહિત 10 શખસ ઝડપાયા
રાજકોટ શહેરમાં અલગ-અલગ વિસ્તારમાંથી થયેલી મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી મહિલા સહિત 10 શખસની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે તાજેતરમાં દિલ્હીથી રાજકોટની એર ઇન્ડિયાની ફ્લાઈટમાંથી આઈફોન ચોરીના બનાવમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં રાજસ્થાનના નિર્મલકુમાર ગુપ્તા પાસેથી આઈફોન રિકવર કરી કાર્યવાહી હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાન્ચે 5 મોબાઈલ ચોરને પકડ્યા
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન આરોપી જયદિપ ઉર્ફે જયુ રાજેશભાઈ મકવાણા, શેરસિંગ ઉર્ફે રાજુ મજબુતીંગ વાઘેલા, ફૈઝલ ઉર્ફે અબા ઈબ્રાહીમ તાલળ, બહાઉ સિતારામ સાહજા અને આફતાબ હુસેનભાઈને પકડી પાડી પાંચ મોબાઈલ કબ્જે કરી રૂ. 42,500નો મુદામાલ કબ્જે કર્યો છે.

કુવાડવા પોલીસે મહિલા ચોરની ઝડપી
આ ઉપરાંત ભક્તિનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાંથી ચોરી થયેલા મોબાઈલ અંગે વિશ્વનાથ સોનકરને અને કુવાડવા પોલીસ મથક હેઠળના વિસ્તારમાંથી મોબાઈલ ચોરી અંગે કવિતાબેન ઉર્ફે ગવુબેન ચમનભાઈ મકવાણાને પકડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે થોરાળા અને માલવિયાનગર પોલીસ મથક વિસ્તારમાંથી ચોરેલા મોબાઇલ સાથે મૂળ રાજસ્થાનના અને હાલ મુંજકામાં રહેતા અર્જુનકુમાર ધીસારામજી ચૌહાણ અને ઉત્તર પ્રદેશના રામવિનોદ રામસાગર યાદવને પકડી બે મોબાઇલ કબ્જે કર્યા હતા.

આરટીઓ પાસેથી 4 મોબાઈલ ચોરી કરનાર ઝડપાયો
આ ઉપરાંત આરટીઓ પાસે રહેતા વિજય લઘુશંકર ધામેલને પકડી લીધો હતો. તેની પાસેથી ચાર મોબાઈલ કબ્જે કરવામાં આવ્યા હતા. આરોપી વિજય અગાઉ વાહન ચોરી અને ઘરફોડ ચોરીમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. તેમજ બે વખત પાસામાં જેલની હવા ખાઈ ચૂક્યો છે.

ચોકીદારની ઓરડીમાંથી 87,500ની ચોરી
રાજકોટના માધાપર ગામ નજીક આવેલા માધવ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર ઓરડી રાખી ચોકીદારી કરતા દેવીલાલ નીમબહાદુર પરિયારની ઓરડીમાંથી દાગીના અને રોકડ સહિત રૂ.87,500ની ચોરી થયાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસમાં નોંધાઈ છે. ગત તા.15/03ના સવારે પતિ-પત્ની કામે ગયા બાદ સાંજના માધવ એપાર્ટમેન્ટમાં લાઈટો ચાલુ કરવા પત્ની ગઈ અને થોડીવારમાં કારખાને પાછી આવતા જણાવ્યું હતું કે, આપણી ઓરડીનો દરવાજો જે હું સ્ટોપર મારીને નિકળેલી તે દરવાજો ખુલો હતો. અંદર રૂમમાં કબાટનો દરવાજો તુટેલો અને કબાટ ખુલ્લો છે, ચીજવસ્તુ ઓરડીમાં વેર વિખેર પડી છે. આમ વાત કરતા બન્ને સાથે રૂમ પર જઈ જોયું તો કબાટનો લોક તૂટેલો હતો અને કબાટની ચીજવસ્તુ વેરવિખેર નીચે પડેલ હતી. ચોરી થયાનું જણાતા રુમમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી રૂ.87,500ની મત્તાની ચોરી થયા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

પરિણીતાએ ઘઉંમાં નાખવાના ટીકડા ખાધા
રાજકોટમાં રહેતી 32 વર્ષીય પરિણીતાએ આજે સવારે નવ વાગ્યે પોતાના ઘરે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં ખસેડાઈ હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. પરિણીતાના પતિએ જણાવ્યું હતું કે, પોતે રિક્ષા ડ્રાઈવિંગનું કામ કરે છે અને પાંચ વર્ષ પહેલાં ધંધા માટે ફાયનાન્સ પેઢીમાંથી રૂ.50 હજાર લીધા હતાં. જેના ધીમે-ધીમે વ્યાજ ચડત થતા તે રૂપિયાનો આંક 6 લાખ જેવો થઈ ગયો હતો. ડ્રેસ લે-વેચનું કામ કરી દંપતી હપ્તાની ચુકવણી કરતા હતાં. છતાં દેણું ભરી ન શકતાં કંટાળીને તેને પગલું ભર્યું હતું. તેમને સંતાનમાં એક પુત્રી છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

ફોટોગ્રાફરે ફિનાઈલ પીધું
રાજકોટમાં 30 વર્ષીય યુવાન ગત રાત્રે 11 વાગ્યે ઘરે હતો ત્યારે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. આ બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. વધુમાં આપઘાતનો પ્રયાસ કરનાર યુવાને જણાવ્યું હતું કે, પોતે વીડિયો અને ફોટોગ્રાફીનો ધંધો કરે છે. જેમાં તેને કરન અને જયેશ નામના યુવકને ફોટોગ્રાફીના કામે રાખ્યા હતાં. કામના રૂપિયા બ્લોક થઈ જતા કામે રાખેલા કરનને રૂ.50 હજાર અને જયેશને રૂ.15 હજાર આપવાના બાકી હતા. તેમજ કામના રૂપિયા અટવાઈ જતાં રૈયાચોકડી પાસે એ.ડી.એન્ટરપ્રાઈઝ નામની ઓફિસ ધરાવતાં દિપક ચૌહાણ નામના વ્યક્તિ પાસેથી રૂ.1.50 લાખ વ્યાજે લીધા હતાં. જેમાં તેને રૂ.2500 કાપી ત્રણ માસ સુધી દરરોજ રૂ. 1500 ચૂકવવાના રહેતાં હતા. જેના 20 હજાર ચૂકવી દીધા બાદ બાકી રૂ.1.30 લાખ અને કરન અને જયેશને આપવાના રૂપિયાની વ્યવસ્થા ન થતાં કંટાળીને પગલું ભર્યાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...