તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:10 નાપાસ ત્રિપુટી 8 માસથી કરતી હતી ગર્ભપરીક્ષણ અને ગર્ભપાત, રોજના 3 ગર્ભપરીક્ષણ કરતા હતા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રણેય આરોપીની તસવીર - Divya Bhaskar
ત્રણેય આરોપીની તસવીર
  • નેપાળ ફરવા ગયા ત્યાંથી સોનોગ્રાફી મશીન ખરીદી લાવ્યા’તા
  • મવડીમાં દર મહિને 90થી વધુ પરીક્ષણ કરતા હતા

શહેરના મવડી વિસ્તારમાં નેચરોપેથી સેન્ટરના ઓઠા હેઠળ ચાલતા ગર્ભપરીક્ષણના ગોરખધંધા પર પોલીસે દરોડો પાડી ત્રણ શખ્સને ઝડપી લીધા હતા. ધોરણ-10 નાપાસ ત્રણેય શખ્સ છેલ્લા આઠ મહિનાથી ગર્ભપરીક્ષણ અને ગર્ભપાત કરતા હતા, અને દર્દીઓ પાસેથી મોટી રકમ પડાવતા હતા. આઠ મહિનાથી ચાલતા આ સેન્ટરમાં મહિને 90 જેટલા પરીક્ષણ કરવામાં આવતા હતા.

બાતમીને આધારે પોલીસે કાર્યવાહી કરી
મવડી મેઇન રોડ પર બાપા સીતારામ ચોક પાસે આવેલા આવેલા હરિઓમ એક્યુપ્રેશર એન્ડ નેચરોપેથી સેન્ટર નામની ક્લિનિકમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ગર્ભપાત થતું હોવાની માહિતી મળતા એસઓજીના પીએસઆઇ અંસારી અને કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહ ઝાલા સહિતની ટીમે જાળ બિછાવી હતી, પોલીસે સગર્ભા મુક્તાબેન અને તેના પતિ મહેશભાઇને મળી છટકું ગોઠવ્યું હતું. દંપતી સોમવારે બપોરે ઉપરોક્ત ક્લિનિક માં ગયું હતું, સગર્ભાને જોતા જ ત્યાં હાજર ત્રિપુટીએ ગર્ભપરીક્ષણના રૂ.12 હજાર અને ગર્ભપાત કરાવવો હોય તો રૂ.20 હજાર થશે તેવું કહ્યું હતું. ક્લિનિકમાં સગર્ભાને બેસાડી ત્યાં હાજર ત્રણ શખ્સે ગર્ભપરીક્ષણ કર્યું હતું, અને ચાર્જ વસૂલ્યો હતો તે સાથે જ પોલીસની ટીમ ખાબકી હતી, અને ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરનાર ગોકુલધામ પાસેની ગીતાંજલિ સોસાયટીના અમિત પ્રવીણ થિયાદ, ગુરુપ્રસાદ ચોક પાસેના અલંકાર એપાર્ટમેન્ટમાં રહેતા દિનેશ મોહન વણોલ તથા ધોરાજીના અવેશ રફિક મંસુરીને ઝડપી લીધા હતા.

દરરોજ ત્રણ ગર્ભપરીક્ષણ કરતા હતા
પોલીસ સમક્ષ આરોપીઓએ કેફિયત આપી હતી કે, અમિત અને દિનેશ અગાઉ ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરતા હતા, દશ વર્ષ સુધી નોકરી કરવાને કારણે સોનોગ્રાફી કરવાની પદ્ધતિ આવડતી હતી, જ્યારે દિનેશનો મિત્ર ધોરાજીનો અવેશ પણ ધોરાજી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે અગાઉ નોકરી કરતો હતો. નવ મહિના પૂર્વે દિનેશ અને અવેશ નેપાળ ફરવા ગયા હતા, ત્યાંથી રૂ.3 લાખમાં સોનોગ્રાફી મશીન ખરીદ કરીને લાવ્યા હતા. રાજકોટ આવ્યા બાદ મિત્ર અમિતને વાત કરી હતી અને ત્રણેયે મવડીમાં હરિઓમ એક્યુપ્રેશર એન્ડ નેચરોપેથી સેન્ટર નામે ક્લિનિક ચાલુ કરી દીધી હતી. ત્રિપુટી દરરોજના સરેરાશ ત્રણ ગર્ભપરીક્ષણ કરતા હતા અને કેટલાકના ગર્ભપાત પણ કરાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...