રાજકોટમાં રવિવાર બાદ સોમવારે પણ કમોસમી વરસાદ પડ્યો હતો. સાંજે 6.00 કલાકે વાતાવરણ પલટાયું હતું અને ભારે ગાજવીજ, પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જે રાત્રે 10.00 કલાક સુધી ચાલુ રહ્યો હતો. સતત વરસાદ ચાલુ રહેતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તેમજ મોટાભાગના સ્થળે હોળીના આયોજન રદ થયા હતા. હોળીને તાલપત્રી અને પ્લાસ્ટિકની મદદથી ઢાંકવા પડી હતી. રાત્રે 9.00 સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 7 મીમી, વેસ્ટ ઝોનમાં 4 મીમી અને ઈસ્ટ ઝોનમાં 7 મીમી વરસાદ પડ્યો હતો. વરસાદની સાથે સાથે ગાજવીજ રહેતા લોકોમાં આર્શ્ચય ફેલાયું હતું.
શાસ્ત્રી રાજદીપભાઈ જોશીના જણાવ્યાનુસાર અત્યાર સુધીમાં પહેલીવાર એવું બન્યું છે કે, હોળીના દિવસે વરસાદ આવ્યો હોય. જ્યોતિષની દૃષ્ટિએ હોળીના દિવસે વરસાદ આવે એ અશુભ ગણાય. તેનાથી રોગચાળો ફેલાવાનો ભય રહે અને લોકોમાં ભયનો માહોલ રહે. સોમવારે હોલિકા દહન હોવાને કારણે સાંજે 4.00 કલાકે હોળીના છાણા ગોઠવાઈ ગયા હતા. પણ સાંજે વરસાદ પડતાં ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં હોલિકા દહન થઈ શક્યા ન હતા.
જો કે, વરસાદ પડવાનું બંધ થતાં રાત્રિના 10:30 કલાકે હોળી પ્રગટાવાઈ હતી. બીજી બાજુ શાસ્ત્રીજીએ એમ પણ કહ્યું હતું કે, સોમવારે વરસાદને કારણે જ્યાં હોલિકા દહન નથી કરી શકાયું ત્યાં આજે (મંગળવારે) રાત્રે 8:23થી 10:00 દરમિયાન હોળી પ્રાગટ્ય કરી શકાશે.રાજકોટમાં પવન અને વરસાદ વચ્ચે 33 ફીડર હેઠળના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.
104 વર્ષની ઉંમરમાં હોળી પર વરસાદ બીજીવાર જોયો
રાજકોટમાં રહેતા મીઠીમા અરજણભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, મારી 104 વર્ષની ઉંમરમાં મેં રાજકોટમાં ક્યારેય હોળી વખતે વરસાદ જોયો નથી. જો કે, આજથી 25-27 વર્ષ પૂર્વે હું હોળીના તહેવાર પર મોડાસા ગઈ ત્યારે ત્યાં વરસાદ થયો હતો. પરંતુ વરસાદને કારણે હોળી પ્રગટાવવાના મૂહૂર્તમાં ક્યાંય હોલિકા દહન ન થયું હોય તેવું સાંભળ્યું કે જોયું પણ નથી.
રામનાથપરામાં હોળીની ઝાળ ઉત્તર દિશા તરફ ગઈ
રામનાથપરા, પંચનાથ વિસ્તાર, રેલનગર સહિત અનેક વિસ્તારોમાં હોળી પ્રગટી હતી. જેમાં રામનાથપરા ખાતે પ્રગટેલી હોળીની પહેલી ઝાળ ઉત્તર દિશા તરફ ગઈ હતી. ચોમાસું સારું જવાના એંધાણ છે. તેમ શાસ્ત્રી રાજદીપભાઈ જોશીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.