રાજકોટમાં ડેન્ગ્યુના કેસમાં છેલ્લા 3 સપ્તાહથી સ્થિરતા જોવા મળી રહી હતી અને હવે નજીવો ઘટાડો આવ્યો છે. તેથી આ માસના અંત સુધીમાં ડેન્ગ્યુના કેસ ફરી નહિવત થઈ જાય તેવી શક્યતા છે. જ્યારે ટાઈફોઈડ અને કમળાના 10 કેસ નોંધાયા છે. મનપાની આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર શહેરમાં 11 ડિસેમ્બરે પૂરા થતા સપ્તાહમાં ડેન્ગ્યુના 10 કેસ સાથે વર્ષના 257 કેસ નોંધાયા છે. જ્યારે મલેરિયાના એક નવા સાથે વર્ષના કુલ કેસની સંખ્યા 48 થઈ છે. ચિકનગુનિયાનો એકપણ કેસ નોંધાયો નથી અને વર્ષમાં કુલ કેસની સંખ્યા 27 થઈ છે.
બીજી તરફ શહેરના આરોગ્ય કેન્દ્રોમાં જે ઓપીડી નોંધાય છે તેમાં એક સપ્તાહ દરમિયાન શરદી-ઉધરસના 212 કેસ આવ્યા છે જે નજીવો વધારો સૂચવે છે. આ ઉપરાંત સામાન્ય તાવના 43 અને ઝાડા-ઊલટીના 60 કેસ નોંધાઈ ચૂક્યા છે. આ તમામ કેસ ઉપરાંત રાજકોટ શહેરમાં ટાઈફોઈડ અને કમળાએ પણ દેખા દીધી છે.
ચાલુ વર્ષનો પ્રથમ ટાઈફોઈડ કેસ જાન્યુઆરી માસમાં જ દેખાઈ ગયો હતો અને ત્યારબાદ છૂટક કેસ આવ્યા હતા. આ રીતે એક વર્ષમાં ટાઈફોઈડના 6 અને કમળાના 4 કેસ થયા છે. બે સપ્તાહમાં વર્ષ પૂર્ણ થઈ જશે અને આરોગ્ય શાખા માટે સર્વેલન્સનો રેકોર્ડ પણ જાન્યુઆરીથી ડિસેમ્બર હોવાથી વર્ષાંતે તે રિપોર્ટ જાહેર કરાશે જોકે અત્યારથી જ ડેન્ગ્યુ અને મલેરિયાના કેસમાં ગત વર્ષ કરતા ઘણી રાહત હોવાની સ્થિતિ ચોપડે નોંધાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.